શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપીનાં વ્યારાના બેડકુવાદુર ઉત્તરબુનિયાદી શાળામાં પોષણ માસની ઉજવણી કરાઈ: કિશોરીઓ અને મહિલાઓને કુપોષણ નિવારણ તેમજ પોતાના સ્વાસ્થ્યની કાળજી લેવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
વ્યારા-તાપી: આરોગ્યને પ્રોત્સાહન આપવા તેમજ ભૂખમરાની નાબૂદી માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં સપ્ટેમ્બર માસને “પોષણમાસ” તરીકે ઉજવવાનું નક્કી કર્યુ હતું. જે અંતર્ગત તાપી જિલ્લામાં પણ પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અન્વયે તાજેતરમાં વ્યારાના બેડકુવાદુર ઉત્તરબુનિયાદી શાળામાં આંગણવાડી વર્કર બહેનો તથા ધો.૯ થી ૧૨ ની વિદ્યાર્થીનીઓને પોષણ અંગે જાગૃતિ મળી રહે તે માટે ‘કુપોષણ નિવારણ પ્રોગ્રામ’નું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં મેડિકલ ઓફિસર આશિષ ખેની દ્વારા ૨૩૪ વિદ્યાર્થીઓને તથા ૨૭ આંગણવાડી કાર્યકર બહેનોને કુપોષણ નિવારણ અંગેના આયુર્વેદિક ઉપચારો, કુપોષણ નિવારણ માટેના આહાર વિહાર, ઋતુચર્યા-દિનચર્યા, વ્યક્તિગત હાયજિન, કિશોરીઓને તેમજ ગર્ભિનીઓને કુપોષણથી કઈ રીતે બચવું જોઈએ, એનિમિયા તથા યોગનું પ્રેક્ટિલ સેશનના આયોજન થકી આરોગ્ય વિષયક વિસ્તૃત માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યુ હતુ.
આઈ.સી.ડી.એસ. વ્યારા ઘટક ૧ના સી.ડી.પી.ઓ. તન્વી પટેલ, સરકારી શાળાના આચાર્ય પદ્મા ગોહિલ તેમજ શિક્ષકોની ઉપસ્થિતિમાં આયોજિત કરવામાં આવેલા પોષણમાસના આ કાર્યક્રમમાં પોષણ અંગે કિશોરીઓ તેમજ મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેનાથી સ્થાનિક આંગણવાડી કાર્યકર બહેનો પોતાના કાર્યક્ષેત્રમાં આવનાર લાભાર્થીઓ અને વિદ્યાર્થી બહેનો પોતાના ગ્રામજનોને સમતોલ આહાર, પુરતો આરામ તેમજ પોતાના શરીરને કેવી રીતે તંદુરસ્ત રાખવું તે અંગે જાગૃત કરી શકશે.