શિક્ષણ-કેરિયર

ટીમ નર્મદાનું રાષ્ટ્રીય સ્તરે ગૌરવ વધારતા નર્મદાના તત્કાલિન નાયબ બાગાયત નિયામક:

બાગાયતમાં ખેડૂતોની આવક વધારતી નવી પહેલો માટે નર્મદા જિલ્લાને એસ્પિરેશનલ જિલ્લાની શ્રેણીમાં પ્રતિષ્ઠિત સ્કોચ એવોર્ડ મળ્યો..દેશમાં મોખરેનાં સ્થાન માટે "સ્કોચ પ્લેટિનમ" એવોર્ડ

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

રાજપીપલા, શુક્રવાર :- નર્મદા જિલ્લા પ્રશાસનને બાગાયતના ક્ષેત્રમાં ખેડૂતોની આવકમાં અભિવૃદ્ધિ કરતી અનેક નવી પહેલો દ્વારા રોજગારીની તકો વધારવાની સર્વાંગી કામગીરી માટે રાષ્ટ્રીય સ્તરનો પ્રતિષ્ઠિત સ્કૉચ એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો છે.પ્રધાનમંત્રીશ્રી દ્વારા દેશના ૧૧૧ જિલ્લાઓની યોજનાઓના સંકલિત અમલ દ્વારા સર્વાંગી વિકાસ માટે એસ્પિરેશનલ ડિસ્ટ્રિકટ તરીકે પસંદગી થઈ છે અને આ જિલ્લાઓમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની તમામ યોજનાઓના સંકલિત અને આયોજનબદ્ધ અમલ દ્વારા લોક ઉત્કર્ષ અને બહુઆયામી વિકાસની કામગીરી થઇ રહી છે, જેમાં ગુજરાતના નર્મદા અને દાહોદ જિલ્લાનો સમાવેશ થાય છે.

આ આયોજનના ભાગરૂપે નર્મદાના જિલ્લા કલેકટરશ્રી મનોજ કોઠારી તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. જીન્સી વિલીયલના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તત્કાલિન નાયબ બાગાયત નિયામક ડો.સ્મિતા પિલ્લાઈએ અનેકવિધ નવી પહેલો દ્વારા બાગાયતને આ જીલ્લાના બહુધા આદિજાતિ ખેડૂતો માટે આવક અને રોજગારીનો નવો સ્ત્રોત બનાવ્યો, એ નમૂનેદાર કામગીરીને ધ્યાનમાં લઈને એસ્પિરેશનલ જિલ્લાઓમાં મોખરાનો સ્કોચ્ પ્લેટિનમ એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો છે. નર્મદા જિલ્લો આ શ્રેણીના જિલ્લાઓમાં આ એવોર્ડ મેળવનારો દેશનો પ્રથમ જિલ્લો છે. અને આ નમૂનેદાર કામગીરી દ્વારા નર્મદા જિલ્લાને ગૌરવ અપાવનારા ટીમ નર્મદાના તત્કાલિન નાયબ બાગાયત નિયામક ડો.સ્મિતા પિલ્લાઈ હાલમાં વડોદરા ખાતે રેગ્યુલર અને આણંદ જિલ્લાના તેઓ હવાલાના નાયબ બાગાયત નિયામક છે. હાલમાં પણ ઉપરોક્ત પ્રોજેક્ટના અમલીકરણમાં નર્મદા જિલ્લા પ્રશાસનને સહયોગ આપી રહ્યા છે.

એક સમયે બાગાયતને ખેતીને પૂરક પ્રવૃત્તિ ગણવામાં આવતી હતી એનો ઉલ્લેખ કરતાં ડૉ.સ્મિતાબેને જણાવ્યું કે, હવે ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતોએ બાગાયતને મુખ્ય ખેતી તરીકે અપનાવી લીધું છે અને બાગાયત ખેડૂતોની સમૃદ્ધિનું માધ્યમ બની છે.એટલે જ નર્મદા જિલ્લામાં એસ્પિરેશનલ જિલ્લાના આયોજનમાં અમે બાગાયતમાં નવી પહેલો દ્વારા યોગદાન આપવાનો સંકલ્પ કર્યો.બાગાયતની આ પહેલો કેવી રીતે પાસું પલટી શકે એના દાખલા આપતાં એમણે જણાવ્યું કે જિલ્લામાં કેળનું વાવેતર ઘણું છે.એમાં એક મોટી સમસ્યા કેળના થડનો નિકાલ કરવાની હતી. અમે આ આફતને અવસરમાં પલટવાનું વિચાર્યું અને આ થડના રેષામાંથી સુશોભન અને ગૃહ ઉપયોગની ચીજવસ્તુઓ બનાવવાના કસબને માર્ગે ખેડૂતોને વાળ્યા.આજે આ બિન ઉપયોગી થડમાંથી ખાતર અને ગૃહ ઉપયોગી ચીજ વસ્તુઓ બને છે જે આવક આપે છે. થડમાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ અહીંના લોકોએ બનાવી છે. એક સમયે આ કેળના થડ પર્યાવરણ માટે હાનીકારક બનતા અને તેમના નિકાલ માટે ખેડૂતોએ રૂ.૧૦,૦૦૦/- હેકટર ખર્ચ કરવો પડતો. આજે એમાંથી ખેતી માટે ખાતર બને છે અને આવક થાય છે. અહીંના ખેડૂતો નિકાસ માટેની ગુણવત્તા ધરાવતા કેળા પકવતા થયા છે.

એ જ રીતે દેડિયાપાડા તાલુકામાં ૧૦૦ જેટલા લોકો છે જે જંગલમાં ઉગતી ઔષધીય વનસ્પતિઓની દવા બનાવી દેશી વૈદું કરે છે. એમને હરિયાણાના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ધર્મવીરજીને નર્મદા જિલ્લામાં બોલાવી મલ્ટી ફૂડ પ્રોસેસર મશીનના ઉપયોગથી ઔષધીય વનસ્પતિઓના પ્રોસેસિંગની, યોગ્ય પેકેજીંગની તાલીમ અપાવી. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તેમના ઉત્પાદનોની વેચાણ વ્યવસ્થા ગોઠવી.એમનું જૂથ બનાવ્યું.પરિણામે અગાઉ જ્યાં વર્ષે માંડ એક લાખ રૂપિયાની આવક થતી,ત્યાં આજે તેઓ એક મહિનામાં એટલી કમાણી કરી શકે છે અને એમના દેશી ઓસડિયાના પુરવઠા કરતાં માંગ વધી ગઈ છે. એ જ રીતે જિલ્લાના ખેડૂતોને ઓછા પાણીએ ડ્રેગન ફ્રૂટ, થાઇલેન્ડના જામફળ જેવા નવા ફળ પાકોની ખેતી સાથે જોડી આવક વધારી છે.જમીન વિહોણા આદિજાતિ ખેડૂતોને ઘરના એક રૂમમાં પૌષ્ટીક મશરૂમની ખેતી કરતાં કર્યા છે તો માત્ર મધ માટે નહિ પણ પરાગ નયન વધારી ખેત ઉત્પાદન વધારવા માટે મધમાખીના ઉછેર માટે પ્રેરિત કરીને ખેત ઉત્પાદન અને આવકમાં વધારાનો રસ્તો બતાવ્યો છે. ભારત સરકારની નેમ ખેડૂતોની આવક બમણી કરવાની છે, જેમાં આ પહેલોથી નિર્ણાયક યોગદાન મળ્યું છે. અમારી આ પહેલોની સકારાત્મક નોંધ લઇને નર્મદા જિલ્લાને આ રાષ્ટ્રીય પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યો એનો ખૂબ આનંદ છે.

તેમણે જણાવ્યું કે, હાલના જિલ્લા કલેકટર શ્રીમાન મનોજ કોઠારી અને અગાઉના કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના સબળ નેતૃત્વથી આ સિદ્ધિ શક્ય બની છે. એમનો પ્રોત્સાહક અભિગમ ટીમ નર્મદાને સતત નવું કરવાની પ્રેરણા અને ઉત્સાહ આપે છે. ભારત સરકારની અને રાજ્ય સરકારની વિવિધ સંસ્થાઓ અને જિલ્લાના વિવિધ ખાતાઓનો ઉમદા સહયોગ ધન્યવાદને પાત્ર છે.

નર્મદા એક આદિજાતિ બહુલ વિકાસશીલ નવો જિલ્લો છે. સહુનો સાથ,સહુનો વિકાસના અભિગમને અનુસરીને ટીમ નર્મદા એસ્પિરેશનલ જિલ્લાના આયોજન હેઠળ સર્વાંગી અને વ્યાપક વિકાસના માર્ગે જિલ્લાની વિકાસ યાત્રા આગળ ધપાવી રહી છે, ત્યારે આ એવોર્ડથી લોકો માટે સતત નવું અને નક્કર કરવાનો ઉત્સાહ વધ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है