શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
નર્મદા જિલ્લાના બોર્ડર વિલેજ જાવલી ખાતે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ શાળા પ્રવેશોત્સવમાં પધારનાર હોઈ આયોજન સંદર્ભે બેઠક યોજાઈ:
ગુજરાત રાજ્યમાં આગામી ૧૨થી ૧૪મી જૂન-૨૦૨૩ દરમિયાન રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ યોજાશે. જેમાં માન. મુખ્યમંત્રીશ્રી સહિત રાજ્યના મંત્રીશ્રીઓ, સચિવશ્રીઓ અને ઉચ્ચ અધિકારીશ્રીઓ તથા પદાધિકારીશ્રીઓ આ શાળા પ્રવેશોત્સવ અભિયાનમાં જોડાઈને આંગણવાડી, બાલવાટિકા તથા ધોરણ-૦૧માં પ્રવેશપાત્ર બાળકોને નામાંકન કરી શાળા પ્રવેશ કરાવશે.
નર્મદા જિલ્લામાં સાગબારા તાલુકાના બોર્ડર વિલેજ જાવલી ગામમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં તા.૧૩મી જૂન,૨૦૨૩ના રોજ કન્યા કેળવણી અને શાળા પ્રવોશોત્સવ-૨૦૨૩ યોજાનાર છે.
એસ્પિરેશનલ નર્મદા જિલ્લાના બોર્ડર વિલેજના ઉંડાણના જાવલી ગામમાં બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવવા માટે રાજ્યના માન.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પધારી રહ્યા છે ત્યારે તે પૂર્વે કાર્યક્રમના આયોજનમાં કોઈ તૃટી ન રહી જાય, કાર્યક્રમ યાદગાર અને શાનદાર બની રહે તે જોવા તમામ સમિતિઓને સોંપાયેલી જવાબદારીની જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્રના તમામ વિભાગોના અધિકારીશ્રીઓ સાથે સમગ્ર કાર્યક્રમની રૂપરેખા અને સુચારૂ વ્યવસ્થા અંગે વિગતે ચર્ચા કરવામાં આવી હતી. ઉક્ત બેઠક દરમિયાન મુખ્યમંત્રીશ્રીના મુખ્ય કાર્યક્રમ, સ્ટેજ પ્રોગ્રામ, શાળાની એસ.એમ.સી. કમિટીના સભ્યો સાથેની મિટીંગ, રોડ-રસ્તાની સ્વચ્છતા અને વીજળીની સુવિધા, કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ નાગરિકોને પુરતા પ્રમાણમાં પાણી મળી રહે, વાહન પાર્કિંગમાં કોઈ અગવડતા ન થાય, હેલિપેડ અને તેને સંલગ્ન બાબતો, સમગ્ર ગામમાં સ્વચ્છતા સાથે સફાઈની કામગીરી થાય તે જોવા જિલ્લા કલેક્ચરશ્રીએ તમામ સમિતિના સભ્યોને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. અને શિક્ષણ વિભાગની એસ.ઓ.પી. મુજબના કાર્યક્રમ થાય, લોકોને સાંસ્કૃતિક કાર્યક્રમો થકી મનોરંજન અને બાળકો દ્વારા કાર્યક્રમનું સંચાલન થાય તે પણ ખૂબ જરૂરી છે જેથી તેઓ પણ ગૌરવ અનુભવે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, પ્રાયોજના વહીવટદારશ્રી હનુલ ચૌધરી, નાયબ વન સંરક્ષશ્રી નીરજકુમાર(જનરલ) અને શ્રી મિતેશભાઇ પટેલ(સામાજિક વનીકરણ), જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે.જાદવ, ઇન્ચાર્જ પ્રાંત અધિકારીશ્રી અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી જીજ્ઞા દલાલ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી તેમજ જિલ્લાના સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા