
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
ચોકમાંથી ચિત્રકૂટ સુધીની ગૌરવસભર સફર: ડાંગની કલ્પનાબેન માહલાની યુવાનોને ઝંઝોડતી સફળતા ગાથા :
જ્યાં ઇચ્છા મજબૂત ત્યાં માર્ગ આપોઆપ બને, કલ્પનાબેન માહલાની પ્રેરણાદાયક જીત
પ્રદિપ ગાંગુર્ડે, ડાંગ : ડાંગ જિલ્લાની ગોંડલવિહીર પ્રાથમિક શાળામાં ઉપ શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રીમતિ કલ્પનાબેન પી માહલાને પ્રસિદ્ધ સંત રામાયણ કથાકારપૂજ્ય શ્રી મોરારી બાપુના પાવન હસ્તે ચિત્રકૂટ એવોર્ડ તા.૧૪/૦૧/૨૦૨૬ ના દિને તેમની શૈક્ષણિક કામગીરીના આધારે આપવામાં આવ્યો હતો. કલ્પનાબેન પી માહલાને શિક્ષણ ક્ષેત્રે વર્ષોથી કરેલી સમર્પિત સેવા, નવીન શિક્ષણ પદ્ધતિઓ તથા બાળકોને અવનવી પ્રવૃત્તિઓ સાથે શિક્ષણ આપવાના ઉત્તમ કાર્ય બદલ પ્રતિષ્ઠિત ચિત્રકૂટ પારિતોષિક–૨૦૨૫ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ ગૌરવસભર સન્માન ભાવનગર જિલ્લાના તળગાજરડા ખાતે મોરારિબાપુના પાવન સાનિધ્યમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન આપવામાં આવ્યું હતું. જેમાં રાજ્યભરના શ્રેષ્ઠ પ્રાથમિક શિક્ષકોને તેમના શિક્ષણ ક્ષેત્રે કરેલા ઉત્કૃષ્ટ યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.
કલ્પનાબેન માહલાએ પોતાની શિક્ષણ સેવાની શરૂઆત ટાકલીપાડા વર્ગ શાળામાં કરી હતી, જ્યાં તેમણે અનેક વર્ષો સુધી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કર્યું. ત્યારબાદ વર્ષ ૨૦૨૪ માં તેમની બદલી ગોંડલવિહિર પ્રાથમિક શાળામાં થતાં પણ તેમણે એ જ ઉત્સાહ અને સમર્પણ સાથે શિક્ષણ કાર્ય આગળ વધાર્યું. તેઓને આજ દિન સુધી તાલુકા શ્રેષ્ઠ, ડાંગ જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. તેઓએ ચાઇલ્ડ યુનિવર્સિટી ગાંધીનગરમાં પણ પોતે બનાવેલ રમકડાંનું પ્રદર્શન કર્યું છે. રાજ્ય કક્ષાએ ઇનોવેશન ફેસ્ટિવલમાં ભાગ લઈ ત્યાં પણ નંબર મેળવી, GCERT ગાંધીનગર માં કાર્યશાળામાં ભાગ લીધેલ. બાળકોમાં જ્ઞાન સાથે સંસ્કાર, શિસ્ત અને આત્મવિશ્વાસ વિકસાવવામાં તેમનો અભિગમ હંમેશા પ્રશંસનીય રહ્યો છે.
કલ્પનાબેન માહલાને પ્રાપ્ત થયેલા આ સન્માનથી ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પરિવાર, શિક્ષક સમુદાય તેમજ સમગ્ર જિલ્લામાં આનંદ અને ગૌરવની લાગણી ફેલાઈ છે. શિક્ષક સંઘ સહિત શિક્ષણપ્રેમીઓએ તેમને હાર્દિક અભિનંદન પાઠવતાં ભવિષ્યમાં પણ તેઓ બાળકોને અવનવી પ્રવૃત્તિઓ સાથે શિક્ષણ ક્ષેત્રે સતત પ્રગતિ કરતા રહે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.



