
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
તાપી જિલ્લાનું શિક્ષણ ગૌરવ
ગુજરાતની શ્રેષ્ઠ શાળા સ્પર્ધામાં મોડેલ સ્કુલ ડોસવાડા પ્રથમ ક્રમે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જાહેર:
રાજ્ય કક્ષાની શ્રેષ્ઠ શાળા સ્પર્ધામાં તાપી જિલ્લાની RMSA મોડેલ સ્કૂલ, ડોસવાડા દ્વિતીય ક્રમાંકે રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી પામતાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શાળા પરિવારને અભિનંદન પાઠવવામાં આવ્યા:
તાપી: ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે વિવિધ મૂલ્યાંકનના આધારે મોડેલ સ્કુલ, ડોસવાડા, તા.સોનગઢ, જિ.તાપીને ૨૦૨૪-૨૫ના વર્ષમા જિલ્લા અને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શાળાની પસંદગી જિલ્લા કક્ષાએથી આવેલ દરખાસ્તોની રાજ્ય પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવે છે. તે અંતર્ગત જિલ્લા પસંદગી દ્વારા શ્રેષ્ઠ શાળા તરીકે જિલ્લામાં પ્રથમ ક્રમાંકે અને રાજય પસંદગી સમિતિ દ્વારા રાજયમાં દ્વિતીય ક્રમાંકે પસંદગી થવા પામી છે. જે તાપી જિલ્લા માટે ગૌરવપૂર્ણ બાબત છે. તાપી જિલ્લાની શ્રેષ્ઠ શાળા અને રાજ્યની સર્વશ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી પામતાં તાપી જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા શિક્ષણ વિભાગ માન.જિલ્લા શિક્ષણાધિકારી સુશ્રી ધારાબેન પટેલ તેમજ સમગ્ર ટીમ એજયુકેશન તાપી તરફથી શ્રી આશાબેન આર.ચૌધરી, આચાર્ય વર્ગ-૨,મોડેલ સ્કૂલ, ડોસવાડા અને શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.
તાપીના જિલ્લા શિક્ષણાધિકારી તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર, તાપી જિલ્લાના માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે. જેમાં જિલ્લા શિક્ષણ વિભાગ તેમજ મોડેલ સ્કૂલ, ડોસવાડા શાળા પરિવારના અથાગ મહેનતના પરિણામે RMSA મોડેલ સ્કૂલ, ડોસવાડા રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શાળામાં પસંદગી થવા પામી છે.
RMSA મોડેલ સ્કૂલ, ડોસવાડાના આચાર્યા શ્રી આશાબેન આર. ચૌધરીએ વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ શાળાએ “અસતો મા સદ્દગમય તમસો મા જ્યોર્તિગમય”ના સંદેશને ખરા અર્થમાં ફલિત કરી આજે સમગ્ર તાપી જિલ્લામાં પોતાની આગવી પ્રતિભા ઉપસાવી છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સત્યમ્, શિવમ્, સુંદરમ્ ની ભાવના સાથે સમગ્ર શાળા પરિવાર કટિબદ્ધ છે. આ દિશામાં સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે શાળાની વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે, પ્રકૃતિ સંવેદના પ્રોજેક્ટ, પરિચયથી પ્રસિદ્ધિ સુધી…, મિશન 33+, સહયોગથી સિદ્વિ તરફ,…, મિશન ૫૦+ જેવા પ્રોજેક્ટ અને રમત ગમત, કારકિર્દી માર્ગદર્શન, વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વિવિધ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, મૂલ્ય શિક્ષણ થકી વિદ્યાર્થીઓના શિક્ષણ તેમજ વ્યક્તિત્વ વિકાસમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય તે માટે સઘન અને સતત પ્રયાસો હાથ ધર્યા છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શાળા તરીકે ઉપસી આવવા પ્રેરાય તેવી શ્રેષ્ઠ શાળાની સ્પર્ધા માટે જિલ્લા કક્ષાએ પસંદગી પામેલ શાળાઓની યાદીઓ મંગાવવામાં આવી હતી. જેમાં રાજયકક્ષાના લોગીનમાં આવેલ કુલ ૩૧ શાળાઓને ગુજરાત સરકારની શ્રેષ્ઠ શાળા ઇનામ યોજના અંતર્ગત રાજ્ય કક્ષાની સમિતિ દ્વારા ઓનલાઇન ગુણાંકન કર્યા બાદ રાજ્ય કક્ષાએ ત્રણ શ્રેષ્ઠ શાળાઓ વર્ષ ૨૦૨૪-૨૫ માં પસંદ કરવામાં આવી. જેમાં ગુજરાત રાજયના તમામ જિલ્લા પૈકીની એક માત્ર સરકારી શાળા ૮૦.૯૦ ગુણ સાથે તાપી જિલ્લાની મોડેલ સ્કૂલ, ડોસવાડાની દ્વિતીય ક્રમાંકે પસંદ થઈ છે. શ્રેષ્ઠ શાળઓની સ્પર્ધામાં જિલ્લા કક્ષાએથી પ્રોત્સાહક રૂપે એક લાખની રકમ અને રાજ્ય સરકાર તરફથી આ શાળાને પ્રોત્સાહક રૂપે ત્રણ લાખની રકમની ચૂકવણી કરવામાં આવશે.