રાજનીતિવિશેષ મુલાકાત

ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને લોકસભા અધ્યક્ષે સંયુક્ત રીતે સંસદ ટીવીનો શુભારંભ કર્યો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 

ભારતમાં લોકશાહી બંધારણની ધારાઓનો સમૂહ જ માત્ર નથી પણ એ આપણી જીવનધારા છે: પ્રધાનમંત્રી

સંસદ ટીવી દેશની લોકશાહી અને લોકોનાં પ્રતિનિધિઓનો નવો અવાજ બની જશે: પ્રધાનમંત્રી

‘કન્ટેન્ટ ઈઝ કનેક્ટ’ એ સંસદીય વ્યવસ્થાને પણ સમાન રીતે લાગુ પડે છે: પ્રધાનમંત્રી

નવી દિલ્હી: ઉપરાષ્ટ્રપતિ અને રાજ્ય સભાના અધ્યક્ષ શ્રી એમ. વેંકૈયા નાયડુ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ આજે આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસના અવસરે સંયુક્ત રીતે સંસદ ટીવીનો શુભારંભ કર્યો હતો.

કાર્યક્રમને સંબોધતા પ્રધાનમંત્રીએ ઝડપથી બદલાતા સમયની સાથે, ખાસ કરીને સંવાદ અને સંચાર દ્વારા 21મી સદી ક્રાંતિ લાવી રહી છે ત્યારે સંસદ સાથે સંકળાયેલી ચૅનલની કાયાપલટની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ સંસદ ટીવીના શુભારંભને ભારતીય લોકશાહીની ગાથામાં એક નવો અધ્યાય ગણાવ્યો હતો, કેમ કે સંસદ ટીવીના સ્વરૂપમાં દેશને સંચાર અને સંવાદનું નવું માધ્યમ મળી રહ્યું છે જે દેશની લોકશાહી અને લોકોનાં પ્રતિનિધિઓનો નવો અવાજ બની રહેશે. પ્રધાનમંત્રીએ દૂરદર્શનને એના અસ્તિત્વનાં 62 વર્ષો પૂર્ણ કરવા બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા. તેમણે એન્જિનિયર્સ દિન નિમિત્તે તમામ એન્જિનિયર્સને પણ અભિનંદન પાઠવ્યા હતા.

આજનો દિવસ આંતરરાષ્ટ્રીય લોકશાહી દિન પણ છે એની નોંધ લેતા પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે લોકશાહીની વાત આવે તો ભારતની જવાબદારી વધી જાય છે કેમ કે ભારત લોકશાહીની જનની છે. ભારત માટે લોકશાહી માત્ર એક વ્યવસ્થા નથી, એક વિચાર છે. ભારતમાં લોકશાહી માત્ર બંધારણીય માળખું જ નથી પણ એક ભાવના છે. ભારતમાં લોકશાહી એ માત્ર બંધારણની ધારાઓનો સમૂહ માત્ર નથી પણ આપણી એ જીવનધારા છે એમ તેમણે જણાવ્યું હતું.

આઝાદીના 75 વર્ષોના સંદર્ભમાં જ્યારે ભૂતકાળની ભવ્યતા અને ભવિષ્યનો સંકલ્પ આપણી સમક્ષ છે ત્યારે પ્રધાનમંત્રીએ મીડિયાની ભૂમિકાને ઉજાગર કરી હતી. તેમણે કહ્યું હતું કે જ્યારે મીડિયા સ્વચ્છ ભારત જેવા મુદ્દાઓ હાથમાં લે છે ત્યારે તે લોકો સુધી બહુ ઝડપથી પહોંચે છે. તેમણે સૂચવ્યું હતું કે સ્વતંત્રતા સંઘર્ષ પર 75 એપિસોડ્સનું આયોજન કરીને અથવા આ અવસરે ખાસ પૂર્તિઓ લાવીને આઝાદી કા અમૃત મહોત્સવ દરમ્યાન લોકોનાં પ્રયાસોના પ્રસારમાં મીડિયા ભૂમિકા અદા કરી શકે છે.

સામગ્રીના મધ્યવર્તીકરણ વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે એમ કહેવાય છે કે ‘સામગ્રી જ સર્વસ્વ છે, મારા અનુભવે કહીશ કે ‘કન્ટેન્ટ ઈઝ કનેક્ટ’ (સામગ્રી જ સાધે છે). તેમણે સમજાવ્યું કે જ્યારે સામગ્રી સારી હશે તો લોકો આપમેળે જ એની સાથે જોડાઈ જશે. આ જેટલું મીડિયાને લાગુ પડે છે એટલું જ આપણી સંસદીય વ્યવસ્થાને પણ લાગુ પડે છે કેમ કે સંસદમાં માત્ર રાજનીતિ નથી પણ નીતિ પણ છે. તેમણે ભાર મૂક્યો હતો કે સામાન્ય લોકોને લાગવું જોઇએ કે તેઓ સંસદની કાર્યવાહી સાથે જોડાઈ રહ્યા છે. તેમણે નવી ચૅનલને આ દિશામાં કાર્ય કરવા જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે સંસદનું સત્ર ચાલતું હોય ત્યારે વિવિધ વિષયો પર ચર્ચા થતી હોય છે એટલે યુવાઓ માટે શીખવા માટે ઘણું બધું છે. દેશ એમને જોતો હોય ત્યારે સંસદ સભ્યોને પણ વધુ સારા આચરણ, સંસદમાં વધુ સારી ચર્ચા માટે પ્રેરણા મળે છે. તેમણે નાગરિકોની ફરજો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો અને કહ્યું કે આ જાગૃકતા માટે મીડિયા એક અસરકારક માધ્યમ છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે આ કાર્યક્રમોથી આપણા યુવાઓને આપણી લોકતાંત્રિક સંસ્થાઓ વિશે, એમની કામગીરી વિશે અને નાગરિક ફરજો વિશે પણ ઘણું શીખવા મળશે. એવી જ રીતે, કાર્યકારી સમિતિઓ, ધારાકીય કાર્યની અગત્યતા, અને ધારાગૃહની કામગીરી ઘણીએ બધી માહિતી હશે જે ભારતની લોકશાહીને ઊંડાઇથી સમજવામાં મદદરૂપ થશે. તેમણે શુભકામના વ્યક્ત કરી હતી કે સંસદ ટીવીમાં લોકશાહીનાં મૂળ તરીકે પંચાયતોની કામગીરી પણ કાર્યક્રમો બનશે. આ કાર્યક્રમો ભારતની લોકશાહીને નવી ઊર્જા, નવી સભાનતા પ્રદાન કરશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है