
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સર્જનકુમાર
સમગ્ર ગુજરાતની નગરપાલિકાઓના ચીફ ઓફિસર, મુખ્ય અધિકારીઓનો એક દિવસીય વર્કશોપ ગાંધીનગર ખાતે શહેરી વિકાસ વિભાગ દ્વારા યોજવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં સમગ્ર વર્કશોપનું આયોજન કરાયું.
નાગરિકો-લોકોને પોતાના કામો માટે નગરપાલિકા કચેરીએ આવવું જ ન પડે તેવી ઓનલાઇન સેવાઓ વિકસાવવા કરાઈ અપીલ; ગુજરાત અન્ય રાજ્યોની તુલનાએ શહેરી વિકાસ કામોમાં હંમેશા અગ્રિમ રહે તેવું દાયિત્વ આપે નિભાવવાનું છે… મુખ્યમંત્રીશ્રી
ગાંધીનગર: રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે રાજ્યભરની નગરપાલિકાઓના ચીફ ઓફિસર મુખ્ય અધિકારીઓનો એક દિવસીય વર્કશોપ ગાંધીનગરમાં આયોજિત કર્યો હતો. ગુડ ગર્વનન્સના મોડેલ તરીકે દેશમાં પ્રસ્થાપિત થયેલા ગુજરાતની આ શાખ-નામના જળવાઇ રહે અને ગુજરાત અન્ય રાજ્યોની તુલનાએ શહેરી વિકાસ કામોમાં હંમેશા અગ્રિમ રહે તેવું દાયિત્વ તેમણે નિભાવવાનું છે. નાગરિકો-લોકોને પોતાના કામો માટે નગરપાલિકા કચેરીએ આવવું જ ન પડે તેવી ઓનલાઇન સેવાઓ વિકસાવો. લોકોના પૈસાનો સદુપયોગ લોકહિત-નગર સુખાકારી કામોમાં થાય માટે ઝીરો ટોલરન્સ અગેઇન્સ્ટ કરપ્શનનું વર્ક કલ્ચર વિકસાવ્યું છે. ચીફ ઓફિસરોની ફરિયાદો કે બદલી માટે નહીં-બદલી અટકાવવા માટે સરકારમાં રજૂઆત આવે તેવી નિષ્ઠાથી લોકહિત કામો કરો. ચૂંટાયેલી પાંખના નવયુવાઓ યંગ બ્લડ અને ચીફ ઓફિસરોની યુવા કેડર બંને મળી ને આગવા વિકાસ વિઝનથી નગર વિકાસના કામો સૂમેળભર્યા સંબંધોથી કરે અને લોકોની અપેક્ષા-આકાંક્ષા પરિપૂર્ણ કરે એમ માનનીય મુખ્યમંત્રીશ્રીએ આજના વર્કશોપમાં જણાવ્યું હતું.