
ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ:
ખેડૂતો,માછીમારોને નુકસાન થાય એવો કોઈ પ્રોજેક્ટ અહી આવવાનો નથી: મુખ્ય ઈજનેર આર. સી. પટેલ
ગત દિવસોમાં સાતકાશી અને ગોલણ વિસ્તારની હદમાં સ્થાનિક આદિવાસીઓ અને સર્વે કામગીરી કરનાર અધિકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હોવાના સમાચારો, વિડીયો , ટીવી ચેનલ, સમાચાર પત્રો, સોશિયલ મીડિયા માં વાયરલ થયા હતા..
આ મુદ્દે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે તાત્કાલિક વાતચીત પણ કરી હતી,
શ્રોત: માહિતી વિભાગ, વ્યારા: તાજેતરમાં તાપી જિલ્લાના સાતકાશી વિસ્તારમાં સોલાર પ્રોજેક્ટને લઈને પ્રચાર માધ્યમોમાં કેટલાક અહેવાલો પ્રસિદ્ધ થયા હતા. જેની મહત્વપુર્ણ સ્પષ્ટતા ઉકાઈ પાવર સ્ટેશન, ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રિસિટી કોર્પોરેશનના ઈન્ચાર્જ ચીફ એન્જિનિયર આર. સી. પટેલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર એવો કોઈ પ્રોજેક્ટ લાવવાની નથી જેનાથી ખેડૂતો, માછીમારો કે અંતરિયાળ વિસ્તારોના લોકોને નુકસાન થાય. આ મુદ્દે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે તાત્કાલિક વાતચીત પણ કરી હતી.
મુખ્ય ઇજનેરશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે તાજેતરમાં કરાયેલ સર્વે પમ્પિંગ હાઈડ્રો સ્ટોરેજ પ્રોજેક્ટ માટેનો હતો. આ પ્રોજેક્ટ અંતર્ગત, વીજળીની વધેલી માંગણી વખતે નીચલા જળાશયનું પાણી ઉપરના જળાશયમાં લઈ જઈ અને રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરીને ગ્રીડને મજબૂત બનાવાશે.
આ પ્રોજેક્ટથી ખેડૂતો કે માછીમારોને કોઈ નુકસાન નહીં થાય, તાપી નદીના પટમાં સોલાર પેનલ મુકવાની નથી, કોઈની રોજગારી છીનવાશે નહીં, વિરુદ્ધમાં રોજગારીનાં નવા અવસર સર્જાશે.
અંતરિયાળ વિસ્તારોમાં 24 કલાક વીજળી-પાણીની સુવિધા મળશે સાથે ગ્રીન, ક્લીન અને પ્રદૂષણમુક્ત વીજળી ઉત્પન્ન થશે.
શ્રી આર.સી. પટેલે સ્પષ્ટ કર્યું હતું કે તાપી નદી પર હજારો પેનલ નાખીને માછીમારોની રોજગારી છીનવાશે એવી વાત માત્ર અફવા છે અને હકીકત સાથે તેનો કોઈ સંબંધ નથી.