
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
રાષ્ટ્રીય એકતા દિવસની રાષ્ટ્રીયકક્ષાની ઉજવણીના સુચારૂ આયોજન અને પૂર્વ તૈયારીઓ-સંકલન માટે ૩૨ જેટલી વિવિધ સમિતિઓની કરાયેલી રચના:
વિવિધ સમિતિઓને સોંપાયેલી ફરજો-જવાબદારીઓ સુપેરે નિભાવી ઉજવણીને સફળ બનાવવા જિલ્લા કલેક્ટરશ્રી ડી. એ. શાહે “ ટીમ નર્મદા ” ને જરૂરી સૂચનાઓ સાથે પુરૂ પાડેલુ માર્ગદર્શન:
જિલ્લા કલેક્ટરશ્રી શાહના અધ્યક્ષપદે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના સુચારૂ આયોજન અંગે યોજાયેલી બેઠક:
રાજપીપલા :- તા.૩૧ મી ઓક્ટોબર, ૨૦૨૦ ને શનિવારના રોજ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની જન્મજયંતી નિમિત્તે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોનીમાં વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રિય એકતા દિવસની રાષ્ટ્રિયકક્ષાની થનારી ઉજવણીના સુચારૂ આયોજન અંગે નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી ડી. એ. શાહે ગઇકાલે સાંજે રાજપીપલા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લાના અમલીકરણ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજીને સંબંધિતોને સોપાયેલી ફરજો જવાબદારીઓ-સુપેરે નિભાવી આ કાર્યક્રમ સફળતા પૂર્વક સંપન્ન થાય તે માટેની સૂચનાઓ સાથે “ ટીમ નર્મદા ” ને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતુ.
ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એલ. એમ. ડિંડોર, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ, નિવાસી અધિક કલેક્ટરશ્રી એચ. કે. વ્યાસ, પ્રાયોજના વહિવટદારશ્રી બી. કે. પટેલ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ વહિવટદારશ્રી નિલેશ દુબે, કેવડીયા ડેવલપમેન્ટ એન્ડ ટુરીઝમના અધિક્ષક ઇજનેરશ્રી જે. કે. ગરાસીયા, કેવડીયા કોલોનીના વહિવટદારશ્રી એન. કે. પરીખ, પ્રાંત અધિકારીશ્રી કે. ડી. ભગત અને શ્રી દિપક બારીયા, પ્રોટોકોલ નાયબ કલેક્ટરશ્રી બી. એ. અસારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ર્ડા. કે. પી. પટેલ, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી-સહ-સિવીલ સર્જન ર્ડા. જ્યોતી ગુપ્તા સહિત જુદા જુદા વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકને અધ્યક્ષસ્થાનેથી સંબોધતા જિલ્લા કલેક્ટરશ્રી ડી. એ. શાહે જણાવ્યુ હતુ કે, કેવડીયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની રાષ્ટ્રીયકક્ષાની થનારી ઉજવણીની પૂર્વ તૈયારી, સુચારૂ વ્યવસ્થા અને સંકલન માટે જુદી જુદી ૩૨ જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે. કોવિડ-૧૯ ની સરકારશ્રીની સ્થાયી સુચનાઓ તથા જિલ્લા વહિવટતંત્ર દ્વારા વખતોવખત બહાર પાડવામાં આવેલ જાહેરનામા તથા હવે પછી બહાર પાડવામાં આવનાર તમામ સૂચનાઓ તથા જાહેરનામાઓના ચુસ્ત અમલની સાથે સંબંધિતોને સોપાયેલી કામગીરી કરવાની રહેશે.
કેવડીયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની થનારી રાષ્ટ્રીયકક્ષાની આ ઉજવણી સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા રચાયેલી સમિતિના કો-ઓર્ડિનેટરશ્રી-સભ્યશ્રીઓ સાથે અત્રેની સ્થાનિક જિલ્લા કક્ષાની વિવિધ સમિતિના સંબંધિત અધિકારશ્રીઓને સત્વરે પરામર્શ કરી લેવા અને રાજ્યકક્ષાની ઉક્ત સમિતિઓના સંકલનમાં રહીને જે તે સમિતિને સોંપાયેલી ફરજો-જવાબદારીઓ સઘનરૂપે હાથ ધરીને સોંપાયેલી કામગીરી અસરકારક અને પરિણામલક્ષી બની રહે તે જોવાની જિલ્લા કલેક્ટરશ્રી શાહે ખાસ હિમાયત કરી હતી.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેક્ટરશ્રી ડી. એ. શાહ દ્વારા ઉકત ઉજવણી માટે સ્થાનિકક્ષાએ સંકલન, પાદપૂજા, પરેડ કલ્ચર અને બેન્ડ ડિસ્પ્લે, સ્ટેજ ઇવેન્ટ અને પરેડ ગ્રાઉન્ડ, કો-ઓર્ડિનેશન-LBSNAA, ઇન્વીટેશન, સીટીંગ પ્લાન અને રિસેપ્સન, માહિતી અને પ્રસારણ-મિડીયા, કાયદો વ્યવસ્થા જાળવણી, ટ્રાફિક વાહન વ્યવહાર, ફુડ, સાફ-સફાઇ/સેનીટેશન, એકોમોડેશન, પાર્કીગ, હેલીપેડ, એસપીજી લાયઝન, લાઇટ/સાઉન્ડ વ્યવસ્થા, પ્રોટોકોલ, વાહન વ્યવસ્થા, મંડપ-હેલીપેડ વ્યવસ્થા, આરોગ્ય, પાણી, વિજ પુરવઠા, પાસ વિતરણ, સંદેશા વ્યવહાર ફુડ ચેકીંગ, ક્રુ-મેમ્બર્સ, VVIP સરકીટ હાઉસ ખાતે વ્યવસ્થાપન, ફાયર સેફ્ટી સંકલન, પોલીસ એકોમોડેશન વ્યવસ્થાપન, કોવિડ/સેનીટેશન સુપરવિઝન સમિતિ, હોમ સ્ટે અને અનામત સમિતિ જેવી વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે.