શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત નલીનકુમાર
પોલીસ કમિશનરનું જાહેરનામુંઃ હોળી/ધુળેટીના તહેવારો દરમિયાન અમુક પ્રતિબંધિત કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો:
સુરતઃ આગામી હોળી/ધુળેટીના તહેવારોમાં મોટી સંખ્યામાં લોકો એકત્રીત થવાથી કોરોનાનું સંક્રમણ વધવાની શકયતા રહેલી છે. જેને ધ્યાને લેતા પોલીસ કમિશનરશ્રી અજય તોમરે એક જાહેરનામા દ્વારા તા.૨૮/૩/૨૧ અને ૨૯/૩/૨૦૨૧ દરમિયાન અમુક પ્રતિબંધિત કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
જાહેરનામા અનુસાર પોલીસ કમિશરેટ વિસ્તારમાં હોળીના તહેવાર દરમિયાન પરંપરાગત રીતે મર્યાદિત સંખ્યા સાથે હોળી પ્રગટાવી શકશે. હોળી પ્રદક્ષિણા સાથે ધાર્મિકવિધિ પણ કરી શકશે. પરંતુ હોળી દહનના કાર્યક્રમ દરમિયાન ભીડ એકત્રિત ન થાય તથા કોરોના સંબધમાં પ્રવર્તમાન ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન થાય તે અંગે આયોજકોએ તકેદારી રાખવાની રહેશે. ધુળેટીના દિવસે જાહેરમાં ઉજવણી અને સામૂહિક કાર્યક્રમ કરી શકાશે નહી. હોળી-ધુળેટીના તહેવારો દરમિયાન કોઈ પણ વ્યકિતએ જાહેર જગ્યાએ આવતા જતા રાહદારીઓ ઉપર અથવા મકાનો, મિલ્કતો, વાહનો ઉપર તેમજ વાહનોમાં જતા આવતા નાગરિકો ઉપર કાદવ, કિચડ, રંગ અથવા રંગ મિશ્રિત કરેલા પાણી, તૈલી તથા આવી બીજી કોઈ વસ્તુઓ નાખવી નંખાવવી નહી. તહેવાર દરમિયાન પૈસા(ગોઠ) ઉધરાવવા નહી અથવા બિજા કોઈ ઈરાદાથી જાહેર રસ્તા ઉપર જતા રાહદારી, વાહનો રોકવા નહી. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
હોળી-ધુળેટીના તહેવારોને ધ્યાને લેતા જિલ્લામાં શાંતિ અને સલામતી માટે જાહેરનામુંઃ
સુરતઃ આગામી હોળી તથા ધુળેટીના તહેવારોને ધ્યાને લેતા રંગ છાટવા બાબતે જિલ્લામાં શાંતિ અને સલામતી જળવાઇ રહે તથા કોમી એખલાસભર્યો માહોલ જળવાઇ રહે, તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બરકરાર રહે તે માટે સુરત જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એસ.ડી.વસાવાએ એક જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. જે અનુસાર સમગ્ર સુરત શહેર સિવાયના સુરત(ગ્રામ્ય) વિસ્તારમાં હથિયારબંધી ફરમાવી, સુરૂચીનો ભંગ થાય તેવા કોઇ પણ કૃત્ય કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લેતા હોળીના તહેવારતહેવાર સંદર્ભે પરંપરાગત રીતે મર્યાદિત સંખ્યા સાથે હોળી પ્રગટાવી શકાશે. હોળીની પ્રદક્ષિણા સાથે ધાર્મિક વિધિ પણ કરી શકાશે. પરંતુ હોળી દહનના કાર્યક્રમકાર્યક્રમ દરમિયાન ભીડ એકત્રિત ન થાય અને કોરોના સંબંધમાં પ્રવર્તમાન ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન થાય તે અંગે આયોજકોએ તકેદારી રાખવાની રહેશે. ધુળેટીના દિવસે જાહેરમાં ઉજવણી અને સામુહિક કાર્યક્રમનું આયોજન કરી શકાશે નહી. આ હુકમ તા.૨૫/૦૩/૨૦૨૧ થી તા.૩/૪/૨૦૨૧ સુધી અમલમાં રહેશે. ઉલ્લેખનીય છે કે સરકારી કામકાજ અર્થે ફરજના ભાગરૂપે હથિયાર લઈ જઈ શકાશે. અન્યથા આ હુકમનો ભંગ કે ઉલ્લધંન કરનાર શિક્ષાને પાત્ર થશે.