શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
સ્થાનિક સ્વરાજ્ય ચુંટણી-2021ના તાપી જિલ્લાનું પરિણામ જાહેર: તાપી જિલ્લા પંચાયતમાં ભાજપની ભવ્ય જીત..
વ્યારા: તાપી જિલ્લામાં યોજાયેલ સ્થાનિક સ્વરાજની ચુંટણીના પરિણામો મંગળવારે જાહેર થયા હતા. મતગણતરીની પ્રક્રિયા સવારે 9 વાગ્યાથી શરૂ થઈ હતી. જેમાં જિલ્લા પંચાયત ચુંટણીના પરિણામો જાહેર થતા તાપી જિલ્લા પંચાયતમાં સૌ પ્રથમવાર ભારતીય જનતા પાર્ટીએ 17 બેઠકો પર વિજય મેળવ્યો છે. જિલ્લા પંચાયતની ચુંટણી તરફ નજર કરીએ તો કુલ 75.21 ટકા મતદાન નોંધાયુ હતું.
જિલ્લા પંચાયતની કુલ 26 બેઠકો પર થયેલા મતદાનના પરિણામો જાહેર થતા ભારતીય જનતા પાર્ટીએ કુલ 26 બેઠકોમાંથી 17 બેઠકો કબ્જે કરી હતી. જ્યારે કોંગ્રેસ પક્ષના ફાળે 9 બેઠકો રહેવા પામી હતી. જિલ્લાના 2,86,594 પુરુષ અને 2,98,827 સ્ત્રી મતદારો મળીને કુલ 5,85,421 મતદારો હતાં. જે પૈકી 2,19,726 પુરુષ અને 2,20,543 સ્ત્રી મતદારો સહિત કુલ 4,40,269 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ભાજપે જે બેઠકો પર જીત હાંસલ કરી છે તેમાં બાલંબા, બોરદા, બુહારી, ચાંપાવાડી, ચીમેર, ડોલવણ, ફુલવાડી, ગડત, કમાલછોડ, મોહિની, નિઝર, પાટી, થાલે, ઉચ્છલ, ઉંચામાળા, વડપાડનેસુ અને વાલોડ બેઠકનો સમાવેશ થાય છે. જ્યારે કોંગ્રેસ પક્ષે આમલગુંડી, ભીમપુરા, બોરખડી, ધજાંબા, ડોસવાડા, ગુણસદા, કરંજવેલ, કેળકુઈ અને વેલદા બેઠકો પર વિજય મેળવ્યો છે.