શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
વાસુર્ણાના સાઈઠ વર્ષિય બુઝુર્ગ શ્રમજીવીએ સ્વબળે ૩૨ ફૂટનો કુવો ખોદી તેના ખેતર માટે પાણીની સુવિધા ઊભી કરી ;
ડાંગ, આહવા: ડાંગ જિલ્લાના ડુંગરાળ વિસ્તારમા આવેલા આહવા તાલુકાના વાસુર્ણા ગામના શ્રમજીવી ખેડૂત શ્રી ગંગાભાઈ પવાર સ્વયં ‘શ્રમદાન’ કરી, સ્વબળે પોતાના ખેતર માટે પાણીની સુવિધા ઊભી કરી ૩૨ ફૂટનો કુવો ખોદીને ‘આત્મનિર્ભર’ બન્યા છે.
૧૧ વ્યક્તિઓનો પરિવાર ધરાવતા વાસુર્ણાના ૬૦ વર્ષિય બુઝુર્ગ શ્રી ગંગાભાઈ પવાર એક મહેનતકશ ખેડૂત ખાતેદાર છે. દેશી ખોરાક અને સાદુ જીવન જીવતા તેમણે, તેમની નવ હેક્ટર જમીનમા પથરાયેલી ખેતીની પાણીની જરૂરિયાત સંતોષવા માટે સ્વયં જ શ્રમદાન કરીને, પોતિકી સગવડ ઊભી કરતા તેઓ સૌના પ્રીતિપાત્ર બનવા પામ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વાસુર્ણા ગામે પીવાનુ પુરતુ પાણી મળી રહે છે. પરંતુ પોતાની ખેતી માટે તેમણે પોતાની માલિકીની ખાનગી જમીનમા આ અગાઉ પણ ચાર વખત કુવો ખોદી પાણી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં તેમને પાણી નહી મળતા, તેમણે સ્વખર્ચે એક બોર પણ ઉતાર્યો હતો. જેમા પણ અપૂરતુ પાણી મળતા તેમણે આ કુવો ખોદીને, તેની જરૂરિયાતની પૂર્તિ કરી લીધી છે. આ કુવા માટે તેમણે હજી સુધી કોઈ સહાય મેળવવા માટેની માંગણી કે અરજી કરી નથી, તેમ જણાવતા શ્રી ગંગાભાઈના પુત્ર શ્રી રાજુભાઈ પવારે તેમના ઘરે કે ગામમા પીવાના પાણીની કોઈ અછત ન હોવાનુ પણ જણાવ્યુ હતુ.
વાસુર્ણા ગામના ત્રણ ફળિયાના ૨૩૬ ઘરોના ૯૭૭ લોકોને ઘરે ઘર નળ જોડાણ થકી માથાદીઠ દૈનિક ૭૦ લીટર મુજબ પીવાનુ પાણી પૂરુ પડાઈ રહ્યુ છે ;
વાસુર્ણા ગામનો સરફેસ સોર્સ આધારિત ઉમરપાડા જૂથ પાણી પુરવઠા યોજનામા પણ કરાયો છે સમાવેશ ;
વાસુર્ણા ગામની પરિસ્થિતિ જોઈએ તો અહી ત્રણ ફળિયાઓમા ૨૩૬ ઘરોમા ૯૭૭ પ્રજાજનો વસવાટ કરે છે. જેમને જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ દ્વારા કુવા આધારિત સ્વતંત્ર પાણી યોજના દ્વારા, ઘરે ઘરે નળ જોડાણથી પીવાનુ પાણી ઉપલબ્ધ કરાવવામા આવી રહ્યુ છે. લોકલ સોર્સ આધારિત આ યોજના હેઠળ વાસુર્ણાના પ્રજાજનોને માથાદીઠ દૈનિક ૭૦ લીટર મુજબ પાણી પુરવઠો પહોંચાડવામા આવે છે.
આ ઉપરાંત વાસુર્ણા ગામનો સરફેસ સોર્સ આધારિત ઉમરપાડા જૂથ પાણી પુરવઠા યોજનામા પણ સમાવેશ કરાયો છે. જે યોજનાના ભાગ-૧ તથા ભાગ-૨ના કામો પણ પ્રગતી હેઠળ છે. જે યોજના પૂર્ણ થયે, આ ગામને પણ સરફેસ સોર્સ આધારિત પાણી પુરવઠો નિયમિત રીતે મળી રહેશે.
દરમિયાન શ્રી ગંગાભાઈ પવારે તેમની પાણીની વધારાની જરૂરિયાત માટે શ્રમદાન કરીને કુવો ખોદી, અન્યોને પણ ‘આત્મનિર્ભર’ બનવાની પ્રેરણા પૂરી પાડી છે.
ડાંગ જિલ્લાના જાહેર આરોગ્ય બાંધકામ વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રી તરફથી મળેલી વિગતો અનુસાર ડાંગ જિલ્લામા હાલની સ્થિતિએ કુલ ૨૭ જેટલી જૂથ પાણી પુરવઠા યોજનાઓ હેઠળ ૧૪૫ ગામોને પીવાનુ પાણી પૂરુ પાડવામા આવી રહ્યુ છે. જયારે બાકી રહેતા ૧૬૩ ગામો, અને ૩ શહેરી વિસ્તારોને વ્યક્તિગત પાણી પુરવઠા યોજના દ્વારા પાણી પુરવઠો પૂરો પાડવામા આવી રહ્યો છે.
આ ઉપરાંત જિલ્લામા સાકરપાતળ, ઉમરપાડા, જામન્યામાળ, અને પોળસમાળ જૂથ પાણી પુરવઠા યોજનાના કામો પ્રગતી હેઠળ છે. કુલ રૂ.૧૨૨.૨૦ કરોડની લાગત ધરાવતી આ યોજનાઓમા ૬૯ ગામોનો સમાવેશ કરાયો છે. સાથે બીજી ૧૫ જેટલી જૂથ યોજનાઓ દ્વારા ડાંગ જિલ્લાના તમામે તમામ ૩૧૧ ગામોને જૂથ પાણી પુરવઠા યોજનામા સમાવવાનુ આયોજન કરવામા આવ્યુ છે.
આ ઉપરાંત જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગ દ્વારા સને ૨૦૧૬/૧૭ સુધીમા વાસુર્ણા ગામે ત્રણ જેટલા સામુહિક સિંચાઈ કુવાઓનુ નિર્માણ કરવામા આવ્યુ હતુ. જયારે ડાંગ દરબાર-૨૦૨૨ દરમિયાન વાસુર્ણાના રાજવી શ્રી ધનરાજસિંહ સૂર્યવંશીની માંગણીને ધ્યાને લઇ, આદિજાતિ વિકાસ વિભાગની ન્યુ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત ૧૦ ટકા રાજ્ય કક્ષાના ફંડની જોગવાઈ હેઠળ, રાજવી દીઠ કુવાની યોજના મંજુર કરીને તેમની પોતિકી જમીનમા કુવાની સુવિધા પૂરી પાડવામા આવી છે.
આમ, વાસુર્ણા ખાતે પીવાના તથા સિંચાઈના પાણીની પુરતી સુવિધાઓ ઉપલબ્ધ હોવા ઉપરાંત, ઉક્ત ખેડૂતે આત્મનિર્ભર બનતા, તેની જમીનમા કુવો ખોદી અન્યોને પ્રેરણા પૂરી પાડી છે.