શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, માંગરોળ કરુનેશ ચૌધરી.
માંગરોળ તાલુકાના વાંકલ ખાતે ત્રણ તાલુકાના ખેડુતોને દેશી ગાય નિભાવ ખર્ચ માટે ૧૧૩૩ અને પ્રાકૃતિક કૃષિકિટ યોજના હેઠળ ૧૧૯૨ ખેડુતોને મંજુરીપત્રોનું વિતરણ કરાયું.
સુરત; માંગરોળ; વાંકલ: ૧૭/૯/૨૦૨૦ ખેડુતોની આવક બમણી કરવાના સરકારના ધ્યેય આગળ વધારવા માટે રાજય સરકાર દ્વારા સાત પગલા ખેડુત કલ્યાણસમી યોજનાઓ અમલમાં મૂકી છે. જે અંતર્ગત ખેડુતો રાસાયણિક ખાતરોનો ત્યાગ કરીને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે માંગરોળ તાલુકાના વાંકલ ખાતે આયોજીત કાર્યક્રમમાં માંગરોળ, માંડવી અને ઉમરપાડા તાલુકાના દેશી ગાય આધારિત નિભાવ માટે ૧૮૩૩ ખેડુતોને તથા ૧૧૯૨ જેટલા ખેડુતોને પ્રાકૃતિક કૃષિ કિટસ વિતરણના મંજુરીપત્રો એનાયત કરાયા હતા. કાર્યક્રમમાં મંત્રીગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી અપનાવવાથી ખેડુતો ખેતી ખર્ચના ધટાડાની સાથે પર્યાવરણની સુરક્ષા, જતન અને સંવર્ધન થશે. જમીનનું સ્વાસ્થ્ય તથા ફળદ્રુપતામાં અનેકગણો વધારો થશે. ગંભીર પ્રકારના રોગોથી રક્ષણ મેળવવા માટે ખેડુતો પ્રાકૃતિક ખેતી અપનાવીને આવનારી પેઢી તંદુરસ્ત અને સ્વસ્થતા બક્ષે તેવો અનુરોધ મંત્રીશ્રીએ કર્યો હતો. ખેડુતોના કલ્યાણને વરેલી રાજય સરકાર દ્વારા ખેડુતોને ગોડાઉન બનાવવા, વાહન ખરીદવા, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના સહિત સાત જેટલી યોજનાઓ આગામી સમયમાં ખેડુતોની આવક બમણી કરવામાં મહત્વની બની રહેશે, તેવો વિશ્વાસ આદિજાતિ મંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો. ખેડુત રાસાયણિક ખાતરોનો ઉપયોગ ધટાડીને એક ગાય દ્વારા પ્રાકૃતિક ખેતી કરવા મંત્રીશ્રીએ ખેડૂતોને અનુરોધ કર્યો હતો. આદિજાતિ મંત્રીશ્રીએ માંગરોળ તાલુકામાં આગામી સમયમાં સાત જેટલા ૬૬ કે.વી.સબ સ્ટેશનોનું નિર્માણ કરવામાં આવશે, તેમ પણ જણાવ્યું હતું. કાર્યક્રમ દરિમયાન રાજયપાલ તથા મુખ્યમંત્રીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ખેડુતોને પ્રાકૃતિક ખેતી અપનાવવાની હિમાયત કરી હતી. આ પ્રસંગે દસામસિંગ વસાવા, દિપક વસાવા,માંગરોળ તથા ઉમરપાડા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી જગદીશભાઈ તથા દરિયાબેન, સંયુકત ખેતીવાડી નિયામક કમલેશ પટેલ, રાકેશભાઈ, અફઝલભાઈ, ખેતીવાડી અધિકારી એન.જી.ગામીત, મુકેશભાઈ રાઠોડ તથા મોટી સંખ્યામાં ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ની વિડિયો કોન્ફરન્સ દ્વારા ઉપસ્થિતિમાં તા. ૧૭/૦૯/૨૦૨૦ ના રોજ આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૦ માં જન્મદિન નિમિત્તે સેવા સપ્તાહના ૧૪ થી ૨૦ સપ્ટેમ્બરના ભાગ રૂપે કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના માર્ગદર્શન હેઠળ આજરોજ વાંકલ સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના, કંટવા ગામની હાઇસ્કુલ ખાતે દિવ્યાંગોને સાધન સહાય અને ચસમા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમજ માંગરોળ તાલુકા પંચાયત મથકે મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તમામ કાર્યક્રમોમાં સરકારશ્રી દ્વારા નિયત થયેલ કોવિડ- ૧૯ અંગેની ગાઈડ લાઈન નું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું.