શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
નર્મદા જિલ્લામાં ભારે વરસાદ ને કારણે ૪૨૦૦ વ્યક્તિઓનું નજીકના આશ્રય સ્થાન ખાતે સલામત સ્થળાંતર કરાયું;
જિલ્લા વહિવટીતંત્ર તરફથી ફૂડ પેકેટ અને પીવાના પાણીની વ્યવસ્થાઓ કરવામાં આવી;
પ્રાપ્ત થયેલા અહેવાલ મુજબ આજે બપોરના ૦૪:૦૦ વાગ્યા સુધીમાં રાજપીપલા શહેરમાં-૧૦૫૦, નાંદોદ તાલુકામાં-૮૪૫, દેડીયાપાડા તાલુકામાં-૧૧૦૦, સાગબારા તાલુકામાં-૨૬૭, તિલકવાડા તાલુકામાં-૬૩૫ અને ગરૂડેશ્વર તાલુકામાં-૩૫૦ સહિત અંદાજે -૪૨૦૦ જેટલી વ્યક્તિઓનું નજીકના આશ્રય સ્થાન ખાતે સલામત સ્થળાંતર કરાયું હતું. આ તમામ લોકો માટે જિલ્લા વહિવટીતંત્ર તરફથી ફુડ પેકેટ અને પીવાના પાણી વગેરે જેવી વ્યવસ્થાઓ પણ પૂરી પાડવામાં આવી હતી. હજી પણ સ્થળાંતરની કામગીરી જારી રહેલ છે. આમ ઉક્ત સ્થળાંતરથી લોકોના જાન-માલને થતું નુકશાન અટકાવી શકાયું છે.
આજે પ્રાપ્ત થયેલા અહેવાલ મુજબ જિલ્લામાં એક કાચા મકાનને નુકશાન થયેલ છે, ૦૮ જેટલા ઝાડ પડી ગયેલ છે. તેમજ મુવી-દેડીયાપાડા સ્ટેટ હાઇવે પર નાળા તૂટી જવાના કારણે રસ્તો બંધ કરવામાં આવ્યો છે. જે બે દિવસ બાદ શરૂ કરાશે તથા રાજપીપલા દેડીયાપાડા તરફ જતા વાહનોને વાયા નેત્રંગ થઇને જવા માટેનું ડાયવર્ઝન અપાયેલ છે. નદી, નાળા કે કોઝવે ઉપર વરસાદી ઓવર ટેપિંગ થતું હોય તેવા સ્થળોએ લોકોની સલામતી માટે જરૂરી પોલીસ બંદોબસ મૂકીને અવર જવર બંધ કરાવેલ છે.