શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
ભારત દેશમાં પ્રથમ વખત ડેડીયાપાડા સરકારી વિનયન કોલેજ ખાતે મિલેટ્સ કુકિંગ સ્પર્ધાનું કરવામાં આવ્યું આયોજન
નર્મદા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના લોકો પોતાના મુળ પૌષ્ટિક ખોરાક તરફ પાછા ફરે એવી આશાએ દેશવાસીઓને મીલેટ્સ ધાન્ય ખાવા અને વાવેતર કરતા કરવા એક મુહિમ ઉપાડી છે. નર્મદા જિલ્લાના સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડીયાપાડા ખાતે ગ્રીન હબ ફાઉન્ડેશન અમદાવાદના સહયોગથી મિલેટ્સ કુકિંગ કોમ્પિટિશન અને ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી વિષય ઉપર વ્યાખ્યાન તથા વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મુખ્ય મહેમાન તરીકે મિલેટ્સ એક્સપર્ટ મનિષ પંડ્યા, બાગાયત અધિકારી પિયુષ બારીયા, નારીશક્તિ એવોર્ડ પુરસ્ક્રિત ઉષાબેન વસાવા, પ્રાથનિક નુરજી વસાવા કોલેજના આચાર્ય અનિલાબેન પટેલ, સ્થાપક, ગ્રીન હબ ફાઉન્ડેશન અમદાવાદના સ્થાપક સુનિલભાઈ ત્રિવેદી હાજર રહ્યા હતા. સાથે કોલેજમાં અભ્યાસ કરતા FY, SY અને TYBA તથા FY BSc ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
ડેડીયાપાડાની વિનયન કોલેજ દ્વારા એક મીલેટ્સ ફૂડ કુકીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જે દેશમાં અત્યાર સુધીમાં પ્રથમવાર હશે. વર્ષો પહેલા આપણા વડીલો આરોગતા કોદરા- કોદરી, બંટી, નાગલી, રાગી, બાજરી, મોરિયું, જેવા અન્ય બીજા સીરી ધાન્ય કે જે ઘણા પૌષ્ટિક અને આરોગ્યપ્રદ હોય છે. હવે લોકો આ ધાન્ય તરફ ફરી વળે એવા એક આશયથી ડેડીયાપાડાની સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજના 60 થી વધુ વિદ્યાર્થીઓની 16 જેટલી ટિમો બનાવી ને તેમને વિવિધ વાનગીઓ દેશી ચૂલા પર નાગલીની પાપડી, નાગલીની ઈડલી, મોરિયાનો સીરો, મોરિયાની ખીચડી, બાજરાનો શૂપ, બાજરાનો અને નાગલીનો લાડુ સહીત અનેક વેરાયટી ધાન્ય માંથી બનાવી હતી, સાથે દેશી ભાજી પણ બનાવી હતી.
આ સ્પર્ધામાં પ્રથમ નંબર વસાવા સુનિલ, વૈષ્ણવ કોમલ, વસાવા નિશાબેન જયારે દ્વિતીય નંબર વસાવા ભૂમિકાબેન, વસાવા આશીકાબેન, વસાવા હેમંતકુમારનો આવ્યો હતો. તૃતીય નંબર વૈષ્ણવ મોનિકાબેન, વસાવા નમ્રતાબેનનો આવ્યો હતો.
રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા