શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
સેલંબા ખાતે છોકરીઓની છેડતીનાં બનાવ સંદર્ભે બે કોમ વચ્ચે ધીંગાણું સર્જાતા પોલીસ મથક સામેજ લાકડીઓ ઉછળી;
સાગબારા પોલીસ થી પરિસ્થિતિ કાબુ બહાર જતા રાજપીપલા સહિત ડેડીયાપાડાથી પોલીસનો કાફલો બોલાવવો પડ્યો!!!
સેલંબા બજાર સજ્જડ બંધ રાખી હિન્દૂ સમાજે રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું;
નર્મદા:સાગબારા તાલુકાના વેપારી મથક સેલંબા ખાતે છેલ્લા ચાર પાંચ દિવસથી લઘુમતી કોમના બે છોકરાઓ દ્વારા હિન્દૂ સમાજની બે છોકરીઓની છેડતી કરવા સાથે બીભત્સ પ્રકારના ચેનચાળા કરવામાં આવતા હતા.
જેને પગલે સેલંબા ખાતે શનિવારે મોડી સાંજે મામલો બીચકતા આખો મામલો સાગબારા પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યા બંને કોમ બોલાચાલી સાથે ગરમા ગરમી વધતા સાગબારા પીએસઆઇ સામેજ લાકડીઓ ઉછળી હતી અને સાગબારા પોલીસ દ્વારા હળવો લાઠી ચાર્જ પણ કરવો પડ્યો હતો, છતાં પરિસ્થિતિ સાગબારા પોલીસની કાબુ બહાર જતા આખરે રાજપીપલા સહિત ડેડીયાપાડા થી પોલીસ કાફલો બોલાવવાની ફરજ પડી હતી.
મળતી માહિતી મુજબ સાગબારા તાલુકાના વેપારી મથક સેલંબા ખાતે છેલ્લા ચાર પાંચ દિવસ થી અંબાજી માતાના મંદિરે જતી બે 12 થી 14 વર્ષની છોકરીઓને જોઈને લઘુમતી કોમના બે છોકરાઓ નામે અબ્દુલ મનાન અબ્દુલ રહીમ મકરાણી અને ઇમરાન નબી મકરાણી રહે. કુઇદા જમાદાર ફળિયું, સેલંબા ખરાબ ખરાબ શબ્દો બોલી બીભત્સ ચેનચાળા કરવા સાથે ગંદા ઇશારા કરતા હતા. ગત શનિવારે અંબાજી મંદિર પાસે છોકરીઓના હાથ પકડી લઈ ખેંચી રાખી મોબાઈલ નંબર માંગવા સાથે ખરાબ ઈરાદા સાથે છોકરીઓની જાતીય સતામણી કરતા હતા, જ્યા બન્ને લઘુમતી કોમના છોકરાઓને ઝડપી પાડી મેથીપાક ચાખડવા સાથે પોલીસ બોલાવવામાં આવી હતી અને આખો મામલો સાગબારા પોલીસ મથકે પહોંચ્યો હતો.
જ્યાં બંને કોમના આગેવાનોને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ આગેવાનો સાથે બન્ને કોમના લોકો ધીરે ધીરે મોટી સંખ્યામાં પોલીસ મથકે પહોંચ્યા હતા, જ્યાં આખો મામલો બીચકતા બોલાચાલી સાથે ગરમા ગરમી વધી જતાં લાકડીઓ ઉછળી હતી અને જેમાં એક હિન્દૂ યુવાનને વાગતા 108 બોલાવી પડી હતી અને સાગબારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવો પડ્યો હતો જેને બાદમાં વધુ સારવાર અર્થે રાજપીપલા ખસેવામાં આવ્યો હતો. સાગબારા પોલીસ દ્વારા મામલો વધુ ન બગડે તે માટે હળવો લાઠી ચાર્જ પણ કરવામાં આવ્યો હતો. છતાં પરિસ્થિતિ સાગબારા પોલીસ ના કાબુ બહાર જતા રાજપીપલા થી ડીવાયએસપી સહિત એલસીબી પોલીસ સાથે ડેડીયાપાડા પોલીસ મથકે થી પોલીસ નો કાફલો બોલાવવો પડ્યો હતો, જે આવતા મોડી રાત્રે પરિસ્થિતિ કાબુમાં આવી હતી. સેલંબા ખાતે હાલ ભારે અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. પોલીસ દ્વારા ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
આમ છોકરીઓની છેડતીનો મામલો સાગબારા પોલીસ મથકે પહોંચતા છેડતી પ્રકરણ સાઈડ થતા બે કોમ વચ્ચે ધીંગાણું સર્જાતા મામલો બીચકયો હતો અને પરિસ્થિતિ કાબુ બહાર થતા વાતાવરણ તંગ બનવા પામ્યું હતું. અને સેલંબા ખાતે હિન્દૂ સમાજ દ્વારા રવિવારે બજારો બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જ્યા રવિવારે સવારથીજ સેલંબા ના બજારો જડબેસલાક બંધ જોવા મળ્યા હતા. અને હિન્દૂ સમાજ દ્વારા રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. સેલંબા ખાતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને રાઉન્ડ ધ ક્લોક પોલીસ પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે.
જ્યારે છોકરીઓની છેડતી કરનારાઓને પકડીને જેલ ભેગા કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે જેની વધુ તપાસ ડેડીયાપાડા સીપીઆઈ આર.એસ.ડોડીયા દ્વારા કરવામાં આવી રહી છે. હાલ સેલંબા ખાતે પરિસ્થિતિ કાબુ હેઠળ છે અને પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા