
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
માંડવી તાલુકાના ચોરાંબા ગામે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ:
આદિવાસી સમાજના આર્થિક ઉત્થાન માટે શિક્ષણ ખૂબ જરૂરી..
ગામથી લઈ દેશના વિકાસ માટે આપણે સહિયારૂ યોગદાન આપીએ:- આદિજાતિ વિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ
આદિજાતિ મંત્રીના હસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું:
સુરત: કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ લાભ છેવાડાના ગ્રામજનો સુધી પહોચે તેવા આશયથી સુરત જિલ્લાના માંડવી તાલુકાના ચોરાંબા ગામે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ યોજાઈ હતી, જેમાં યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતના નિર્માણની સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. ગ્રામીણ, ટ્રાઈબલ તાલુકામાં સરકારની યોજનાકીય સ્ટોલ દ્વારા નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી તેમજ નવા લાભાર્થીઓની નોંધણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આદિવાસી સમાજના આર્થિક ઉત્થાન માટે શિક્ષણ ખૂબ જરૂરી છે. એટલે જ ગામથી લઈ દેશના વિકાસ માટે આપણે સહિયારૂ યોગદાન આપીએ એવો મત તેમણે વ્યક્ત કરી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભાશય જણાવ્યો હતો.
વધુમાં તેમણે જણાવ્યું કે, રાજ્ય અને કેન્દ્ર સરકાર છેવાડાના ગરીબ, મધ્યમ વર્ગના લોકોના હિત માટે સરકાર હરહંમેશા પ્રયત્નશીલ રહી છે. સ્વવિકાસથી ગામ અને ગામના વિકાસથી તાલુકા, જિલ્લા, રાજ્ય અને સમગ્ર દેશનો વિકાસ થશે. આ વિકાસયજ્ઞમાં આહૂતિ આપવા તેમણે સૌને અનુરોધ કર્યો હતો.
જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રોહિતભાઈ પટેલે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રજાલક્ષી યોજનાઓના લાભો જનજન સુધી પહોચાડવા કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. તેમણે પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડનું મહત્વ સમજાવતા જણાવ્યું કે, દરેક સામાન્ય નાગરિક પાસે આયુષ્માન કાર્ડનું હોવું ખૂબ જરૂરી છે. જેનાથી ગંભીર બીમારીના કારણે કોઈ પાસે હાથ ફેલાવવો ન પડે એ માટે સરકાર દ્વારા રૂ.૧૦ લાખની નિ:શુલ્ક આરોગ્ય સારવાર સહાય આપવામાં આવે છે. જેથી દરેક ગ્રામજને આ યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.કે.વસાવાએ જણાવ્યું કે, સુરત જિલ્લામાં ૭ સંકલ્પ રથો પરિભ્રમણ કરી રહ્યા છે, અને જે ગ્રામજનો જે પણ યોજનાઓના લાભ મેળવી શક્યા નથી તેઓને યોજનાકીય લાભોથી લાભાન્વિત કરાઈ રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, સરકારની યોજનાઓનો લાભ લઈ નિ:શુલ્ક ઉચ્ચ શિક્ષણ મેળવી શકાય છે. સાથે સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે દેશી ગાય આધારિત ખેતી કરનાર ખેડૂતોને ગાય દીઠ રૂ.૯૦૦ની સહાય આપવામાં આવે છે. એક દેશી ગાયથી ૩૦ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી શકાય છે એમ જણાવી ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતી કરવા ખેડૂતોને આહ્વાન કર્યું હતું.
આ વેળાએ મંત્રીશ્રીના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. દેવગઢ ગામની વિધવા બહેનોને સાડીઓ વિતરણ કરાઈ હતી.સાથે હાજર સૌએ આત્મનિર્ભર ભારત અને વિકસિત રાષ્ટ્ર બનાવવાના પ્રતિજ્ઞા લીધી હતી.
આ વેળાએ મંત્રીશ્રીના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય, ચોરાંબા ગામની ગંગાસ્વરૂપ બહેનોને સાડીઓનું વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે તા.પંચાયતના પ્રમુખ દિલીપભાઈ ચૌધરી, તાલુકા વિકાસ અધિકારી રવિન્દ્રભાઈ સોલંકી, મામલતદારશ્રી મનીષભાઈ પટેલ, સંરપંચ, વિસ્તરણ અધિકારીશ્રી (ખેતી), તા.પંચાયત-આરોગ્ય કર્મચારીઓ, આઈસીડીએસના મુખ્ય સેવિકા, આંગણવાડી કાર્યકરો, તેડાગર બહેનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.