શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
દેડીયાપાડા ખાતે “વિશ્વ આદિવાસી અધિકાર દિન” નિમિતે બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ નો કાર્યક્રમ યોજાયો;
ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનાં અનાવારણનાં કાર્યક્રમ નિમિતે હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી!!!
નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે “બિરસા મુંડા સ્મારક સમિતિ” દ્વારા આદિવાસી અધિકાર દિવસ ની ઉજવણી નું આયોજન કરવામાં આવ્યું હતું, તથા ક્રાંતિકારી ધરતી આબા ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
દેડિયાપાડા ખાતે આજે તારીખ ૧૩, મી સપ્ટેમ્બરના રોજ “બિરસામુંડા સ્મારક સમિતિ” દ્વારા આયોજીત ૧૩, સપ્ટેમ્બર આદિવાસી અધિકાર દિવસની ભવ્ય ઉજવણી તથા શહીદ ક્રાંતિકારી વીર બિરસામુંડાની પ્રતિમાનું અનાવરણ ઝઘડિયાના ધારાસભ્ય અને બીટીપી સુપ્રીમો છોટુભાઈ વસાવા, દેડિયાપાડાના ધારાસભ્ય મહેશભાઈ વસાવા, નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવા અને નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, પૂર્વ વનમંત્રી મોતીભાઈ વસાવા અને અન્ય આદિવાસી મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ દ્વારા આદિવાસી પરંપરા અને પુજા વિધિ કરવામાં આવી હતી. ત્યાર બાદ પ્રતિમાનું અનાવરણ ઉપરોક્ત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે દેડિયાપાડાના ધારાસભ્ય મહેશભાઈ વસાવાએ જણાવ્યું હતું કે ” બિરસામુંડા સમાજ માટે લડ્યા હતા. અગ્રેજો સામે આદિવાસી સમાજ માટે લડ્યા હતા. અંગ્રેજા ભારતને લુંટનારા હતાં. હાલ ના સમય માં આદિવાસી સમાજમાં જાગૃતિ લાવવાની ઘણી જરૂર છે.
મૂળ નિવાસી કે આદિવાસીઓના અધિકારોની વાત છે. દેડિયાપાડા અને સાગબારા તાલુકાના સેલંબા ખાતે જનનાયક બિરસામુંડા નું સ્ટેચ્યુ મુકવામાં આવ્યું છે. જે આદિવાસીઓને પોતાનાં હકો માટે લડત ની પ્રેરણા આપે છે.હવે આદિવાસીઓના અધિકારો અને હક્કો માટે લડવું પડશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે આદિવાસીઓની જમીન છીનવી લે છે. બિરસામુંડા નું સ્ટેચ્યુ આદિવાસીઓની જમીન બચાવે છે. બીટીપી સુપ્રીમો છોટુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે ભારત દેશના ગરીબ લોકોને આઝાદી મળી નથી. આઝાદી માટે હવે શરૂઆત થઈ ગઈ છે. આદિવાસી વિસ્તાર માટે કેટલું બજેટ છે. તે બજેટ મુકવું જોઈએ. તમામ ક્ષેત્રે કેટલું બજેટ આદિવાસીઓ માટે ફાળવવામાં આવ્યું છે. તે મુકવું જોઈએ. આદિવાસીઓના અધિકારો માટે હક્કો માટે તમે લડવા તૈયાર જાવ, અમે મરવા પણ તૈયાર છે. પણ અમે નમતું જોખીશુ નહીં.
બિરસામુંડા આદિવાસીઓના મસીહા છે. ઠેર ઠેર તેમની પ્રતિમા મુકવી જોઈએ ? આ પ્રસંગે આદિવાસીઓ વંશ પરંપરાગત પોશાક આભૂષણો અને વિવિધ વાજીંત્રો અને ઢોલ શરણાઈ, તુર સાથે ભવ્ય રેલી દેડિયાપાડા પીઠા ગ્રાઉન્ડ થી દેડિયાપાડા યાહામોગી ચોકથી દેડિયાપાડા મુખ્ય બજારમાં થઈ દેડિયાપાડા કુમાર શાળા રોડ થઈ પરત ફરી હતી. અને ઢોલ, શરણાઇ, તુર અને આદિવાસી વાજીંત્રોની સ્પર્ધા રાખવામાં આવી હતી. અને વિજેતા ટીમ ને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું.