
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપી જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાની અનિયમિત કર્મચારીઓ ઉપર તવાઇ:
તાલુકા અને જિલ્લા પંચાયતની કચેરીઓમાં ફેસ રેકગનાઇઝેશન એટેન્ડન્સ સિસ્ટમ મુકાશે:
વ્યારા-તાપી: કડક સ્વભાવ અને કામગીરીમાં ચોક્કસ વલણ ધરાવતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાએ તાપી જિલ્લામાં તમામ કર્મચારીઓ પોતાના કામમા નિયમીત બને તે અર્થે ઉચ્ચ અધિકારીશ્રીઓ મારફત તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ આકસ્મિક મુલાકાત લેવાનો આગ્રહ રાખ્યો છે. જેમાં અધિકારીઓ જે-તે કચેરી કામગીરીની તપાસ તથા કર્મચારીઓના જાહેર જનતા તરફના વલણને ખાસ ધ્યાનમાં લેવામાં આવતું હોય છે. કામગીરીમાં બેદરકાર કર્મચારીઓને ક્યારેક નોટીસ આપી તો ક્યારેક નોકરીમાંથી બરતરફ કરવા સુધીના કડક પગલા ડી.ડી.ઓશ્રી કાપડિયાએ ભુતકાળમાં લીધા છે.
તાજેતરમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.એ.ડોડીયા દ્વારા તાલુકા પંચાયત કચેરી ડોલવણ કચેરીની આકસ્મિક મુલાકાત લેતા હાજરી ચકાસણી કરતાં કુલ-૮ કર્મચારીઓ રજા રીપોર્ટ કે કચેરીના વડાને જાણ કર્યા વિના ફરજ પર ગેરહાજર હોવા અંગે માહિતી મેળવી હતી. આ અંગેના રીપોર્ટ જિલ્લા વિકાસ અધિકારીશ્રીને આપતા તેઓએ તમામ કર્મચારીઓનો દિન-૧ નો પગાર કાપવા હુકમ કરેલ છે. તેમણે જિલ્લા પંચાયત અને તમામ તાલુકા પંચાયતોમાં કર્મચારીઓની નિયમિત હાજરી માટે બાયો મેટ્રીક અટેન્ડન્સ સિસ્ટમ ડીવાઇઝ મૂકવામાં આવ્યા હોવા છતા કામગીરીમાં બેદરકાર કર્મચારીઓ અનિયમીત રહેતા હવે ટુંક સમયમાં જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત વ્યારા ખાતે કર્મચારીઓની હાજરીની નિયમીતતા માટે ફેસ રેકગનાઇઝેશન એટેન્ડન્સ સિસ્ટમ લોન્ચ કરવામાં આવનાર છે.