શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
ડોલવણ તાલુકાના યુવા લેખક રોશનભાઈ ચૌધરી તાપી જિલ્લા સહિત આદિવાસી સમાજ માટે બન્યાં પ્રેરણારૂપ:
કોલકતા “અખિલ ભારતીય આદિવાસી લેખક સંમેલન ”માં એક માત્ર ગુજરાતી તરીકે ઉપસ્થિતિ નોંધાવતા તાપી જિલ્લાના રોશનભાઈ ચૌધરી
આદિવાસી ભાષાઓના સંરક્ષણ તથા વિકાસ સંદર્ભે કોલકતા સંમેલનમાં પોતાના વિચારો રજુ કરતા રોશનભાઈ ચૌધરીએ તાપી જિલ્લાનું ગૌરવ વધાર્યું:
વ્યારા-તાપી: ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય અંતર્ગત તાજેતરમાં જ સાહિત્ય અકાદમી દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” તેમજ “વિશ્વ આદિવાસી દિવસ” ને અનુલક્ષીને કોલકતા ખાતે “અખિલ ભારતીય આદિવાસી લેખક સંમેલન” નું આયોજન કરવામાં આવ્યું હતું. તા.૦૯ અને ૧૦ મી ઓગસ્ટ, ૨૦૨૨ ના રોજ યોજાયેલી બે દિવસીય સંમેલનમાં, કવિતા અને ટૂંકી વાર્તા વાંચન સાથેના સત્રોનું પણ આયોજન કરાયું હતું. જેમાં તાપી જિલ્લાના યુવા લેખક રોશનભાઈ ચૌધરી ઉક્ત સંમેલનમાં ભાગ લઈને તાપી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
ડોલવણ તાલુકાના ઉમરવાવદૂર ગામના યુવા લેખક-સંશોધક રોશનભાઈ ચૌધરીએ ઉક્ત સંમેલનમાં ચૌધરી ભાષા/બોલી માં પોતાની કૃતિ-કવિતા પાઠને હિન્દી અનુવાદ સાથે રજૂ કરી હતી. આ સંમેલનમાં વિશેષ રીતે આદિવાસી ભાષાના સર્જકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં આદિવાસી સમાજના ભાષા-સાહિત્ય, સંસ્કૃતિના સંરક્ષણ માટે કાર્યરત યુવા લેખક રોશનભાઈ ચૌધરી આ સંમેલનમાં ભાગ લેનાર એક માત્ર ગુજરાતી વ્યક્તિ હતાં. આ તાપી જિલ્લા માટે ખુબ જ ગૌરવની બાબત છે અને જિલ્લા તથા તમામ આદિવાસી સમાજ માટે પ્રેરણારૂપ ઘટના બની છે. અત્રે ઉલ્લેખનીય છે, કે તેમને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી બે વખત પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે.
આ સંમેલનમાં ભારતીય આદિવાસી ભાષાઓનું સંરક્ષણ તથા વિકાસ સંદર્ભે પોતાના વિચારો રજૂ કરાયા હતા. તેમજ તમામ ભારતીય ભાષાઓના સંરક્ષણ અને વિકાસ પરના શોધપત્રો પણ રજૂ કરાયા હતા. આ કાર્યક્રમમાં દેશભર માંથી અંદાજિત ૪૦ જેટલી આદિવાસી ભાષા/બોલીઓના સર્જનકર્તાઓએ પોતાની ઉત્સાહભેર ઉપસ્થિતિ નોંધાવી હતી.
અંતરાષ્ટ્રીય વિશ્વ આદિવાસી દિવસના સંદર્ભે આયોજિત અને આઝાદીના અમૃત મહોત્સવ ઉજવણી ભાગરૂપે યોજાયેલ આ કાર્યક્રમમાં ભારતની 39 જેટલી આદિવાસી ભાષા/બોલી ઓના સર્જકોએ કવિતાપાઠ, કહાનીપાઠ સાથે ભારતીય આદિવાસી ભાષાઓમાં મહિલા લેખન, ગૈર આદિવાસી ભાષાઓમાં આદિવાસી સ્વર, ભારતીય આદિવાસી ભાષા/બોલી ઓનું સંરક્ષણ તથા વિકાસ જેવા સાહિત્યિક સત્રોમાં સહભાગી રહ્યા હતા. સંમેલનમાં સાહિત્ય એકેડેમી દિલ્લીના સચિવ કે. શ્રીનિવાસરાવ, સંયોજક મદન મોહન સોરેન, પદ્મશ્રી દમયંતી બેસરા, ભાષાવિજ્ઞાની પદ્મશ્રી દેવી પ્રસન્ન પટનાયક વગેરે સર્જક હસ્તીઓની ઉપસ્થિતિ રહી હતી.