શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
ડેડિયાપાડાના AAP નાં ધારાસભ્ય ચૈતર વસાવાએ દિલ્હી- મુંબઈ નેશનલ હાઈવે મુદ્દે તંત્રને લખ્યો પત્ર:
70% ખેડૂતોની મંજુરી વિના જો જમીન સંપાદન થશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું:- ધારાસભ્ય ચૈતર વસાવા
નર્મદા: દિલ્હી- મુંબઈ 4 લેન નેશનલ હાઈવે નર્મદા જિલ્લામાંથી પસાર થવાનો છે. ત્યારે જમીન સંપાદનનો અગાઉ તમામ અસરગ્રસ્ત ગ્રામજનોએ એક સુરે વિરોધ કર્યો હતો. ત્યારે હવે આ મુદ્દે ડેડિયાપાડાના અને AAP નાં યુવા ધારાસભ્ય ચૈતર વસાવા મેદાનમાં આવ્યા છે. એમણે નર્મદા જિલ્લા કલેક્ટર અને નેશનલ હાઇવે ઓથોરિટીને પત્ર પણ લખ્યો છે. એમણે ચીમકી ઉચ્ચારી છે કે ખેડૂતોની મંજુરી વગર જો જમીન સંપાદન થશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન થશે. આ મુદ્દો એમણે સંકલન સમિતિની બેઠકમાં પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો.
ડેડિયાપાડાના યુવા ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં આદિવાસી સમાજે દેશના વિકાસમાં ઘણું મોટું યોગદાન આપ્યું છે. પરંતુ દરેક વિકાસનાં કામમાં ખોટી રીતે આદિવાસીઓની જમીન લઈ વિસ્થાપિત કરવામાં આવે છે. ત્યારે દિલ્હી- મુંબઈ 4 લેન નેશનલ હાઈવેમાં નર્મદા જિલ્લાના 35 ગામોના 912 સર્વે નંબરની 273 હેકટર જમીન સંપાદિત કરવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે, એ મોકૂફ રાખવામાં આવે એવી મારી માંગ છે. આ વિસ્તાર અનુસૂચિ 5 માં આવતો હોય, તથા પેસા એક્ટ પણ લાગુ હોવાથી ગ્રામસભાની પરવાનગી લઈ લોક સુનાવણી કરી 70%, ખેડૂતોની સંમતિ હોય ત્યાર પછી જ જમીન સંપાદિત કરવી જોઈએ જે કરાઈ નથી. આ જમીનનું સંપાદન 2013 અને 2015 ના ગેઝેટ મુજબ થવું જોઈએ જેથી ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે. હાઇકોર્ટમાં જંત્રી વધારવા માટે રીટ પિટિશન પેન્ડિંગ છે જેથી નવા જંત્રીના ભાવ આવે પછી જ સંપાદન કરવું જોઇએ. દેશના આવા તમામ હાઈવે માટે 40 મીટર જમીન સંપાદન કરવામાં આવી નથી તો આ 4 લેન રોડ માટે 40 મીટર જમીન સસ્તા ભાવે સંપાદન કરવી જોઈએ નહિ. ખેડૂતોની મહામુલી જમીન સસ્તા ભાવે પડાવી લેવાનું કૃત્ય અમે ચલાવી લઈએ નહિ.. વધુમાં આ રોડમાં આવતા દરેક આદિવાસી કે બિન આદિવાસી ખેડૂતોને નવસારી તેમજ બીજા અન્ય જિલ્લાઓની જેમ એક વિંઘાના 96 લાખ રૂપિયા અને એક ફૂટના 900 રૂપિયા લેખે વળતર ચૂકવવું જોઈએ તેવી માંગ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ અથોરીટી પાસે કરી છે ,
ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ ચીમકી આપતા જણાવ્યું હતું કે જો સરકાર ખેડૂતોની મંજૂરી વિના જમીન સંપાદન કરશે અને જો યોગ્ય વળતર નહિ મળે તો અમે આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું.
રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા