શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24X7 વેબ પોર્ટલ
ડીજી પરમેશ શિવમણિએ ભારતીય કોસ્ટ ગાર્ડના 26મા મહાનિર્દેશક તરીકે કાર્યભાર સંભાળ્યો:
ડીજી પરમેશ શિવમણિએ ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG)ના 26મા મહાનિર્દેશક તરીકે કાર્યભાર સંભાળ્યો. ફ્લેગ ઓફિસરે પોતાની સાડા ત્રણ દાયકાથી વધુની શાનદાર કારકિર્દી દરમિયાન, કિનારે અને જળમાર્ગ સંબંધી વિભિન્ન પદો પર સેવા આપી છે.
ડીજી પરમેશ શિવમણી નેવિગેશન અને દિશાનિર્દેશમાં નિષ્ણાત છે અને તેમના સમુદ્રી કમાન્ડમાં ICGના તમામ મોટા જહાજોનો સમાવેશ થાય છે જેમાં એડવાન્સ્ડ ઓફશોર પેટ્રોલ વેસલ ‘સમર’ અને ઓફશોર પેટ્રોલ વેસલ ‘વિશ્વસ્ત’નો સમાવેશ થાય છે. ફ્લેગ ઓફિસર કોસ્ટ ગાર્ડ રિજન (પૂર્વ), કોસ્ટ ગાર્ડ રિજન (વેસ્ટ), કોસ્ટ ગાર્ડ કમાન્ડર ઈસ્ટર્ન સીબોર્ડના સુકાન પર હતા. તેઓ નેશનલ ડિફેન્સ કૉલેજ, નવી દિલ્હી અને ડિફેન્સ સર્વિસ સ્ટાફ કૉલેજ, વેલિંગ્ટનના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે.
ડીજી પરમેશ શિવમણિને સપ્ટેમ્બર 2022માં અધિક મહાનિર્દેશકના હોદ્દા પર પદોન્નત કરવામાં આવ્યા અને ત્યારબાદ કોસ્ટ ગાર્ડ હેડક્વાર્ટર, નવી દિલ્હી ખાતે પોસ્ટ કરવામાં આવ્યા હતા. ઓગસ્ટ 2024માં તેમને કોસ્ટ ગાર્ડના મહાનિર્દેશકનો વધારાનો હવાલો આપવામાં આવ્યો હતો.
આ સમયગાળા દરમિયાન, અનેક મહત્વપૂર્ણ ઓપરેશન અને કવાયતો પૂર્ણ કરવામાં આવી જેમાં કરોડો રૂપિયાની કિંમતનું ડ્રગ્સ/માદક પદાર્થો અને સોનું જપ્ત કરવામાં આવ્યું હતું, ગંભીર ચક્રવાતી તોફાનો દરમિયાન નાવિકોને બચાવવા, વિદેશી કોસ્ટ ગાર્ડ્સ સાથે સંયુક્ત કવાયત, ગેરકાયદે શિકાર વિરોધી અભિયાન, ચક્રવાત/કુદરતી આફતો દરમિયાન માનવતાવાદી સહાય અને દરિયાકાંઠાની સુરક્ષા કવાયતનો સમાવેશ થાય છે.
ફ્લેગ ઓફિસરને તેમની ઉમદા સેવા બદલ 2014માં તટરક્ષક મેડલ અને 2019માં રાષ્ટ્રપતિ તટરક્ષક મેડલથી નવાજવામાં આવ્યા હતા. તેમને 2012માં ડીજી કોસ્ટ ગાર્ડ પ્રસંશા અને 2009માં ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ (પૂર્વ) પ્રસંશા પણ એનાયત કરવામાં આવ્યા હતા.