શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ , 24×7 વેબ પોર્ટલ પત્રકાર: પ્રદિપ ગાગુર્ડે સાપુતારા
ડાંગ જિલ્લાનાં ત્રણેય TDO વિરુદ્ધ આર.ટી.આઈ એક્ટિવિસ્ટ દ્વારા કલેકટરને લેખિતમાં ફરિયાદ કરાઈ:
ડાંગમાં તાલુકા વિકાસ અધિકારીઓ દ્વારા માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ ખોટી માહિતી આપવામાં આવી છે. ત્યારે એક જાગૃત આર.ટી.આઈ એક્ટિવિસ્ટ દ્વારા ત્રણેય તાલુકા વિકાસ અધિકારીઓ વિરુદ્ધ ડાંગ જિલ્લા કલેક્ટરને લેખિતમાં ફરિયાદ કરતા અધિકારીઓમાં ફફડાટ મચી જવા પામી છે.
વેબસાઈટ અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા આપવામાં આવેલ માહિતીમાં જમીન આસમાનનો ફરક જોવા મળી રહ્યો છે. જેના કારણે આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા ત્રણેય તાલુકા વિકાસ અધિકારીઓ વિરુદ્ધ કલેક્ટરને લેખિતમાં ફરિયાદ કરી પગલા ભરવાની માંગ કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ભારત સરકાર દ્વારા સમસ્ત ભારતમાં અમૃત સરોવર બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યુ હતુ. તેમજ અન્ય સુવિધાઓ કરવામાં આવી હતી. જેની સંપુર્ણ માહિતી સરકારની વેબસાઈટ પર ઓનલાઈન જોવા મળે છે. જેમાં રાજયનાં છેવાડે આવેલ ડાંગ જીલ્લામાં 84 તળાવોની મંજૂરી આપવામાં આવી છે. તમામ તળાવનું કામ પૂર્ણ થઈ ગયું છે. તેવી માહીતી બતાવવામાં આવી રહી છે. પરંતુ જ્યારે આરટીઆઇ એક્ટીવીસ્ટ અને જાગૃત નાગરિક મનીષ મારકણા દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી ત્યારે તળાવો કે, અન્ય સુવિધાઓ જોવા મળી ન હતી. જે બાદ માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ આર.ટી.આઈ એક્ટિવિસ્ટ દ્વારા ડાંગ જીલ્લાના ત્રણેય તાલુકામાં સુબીર, વઘઇ, આહવામાં RTI દાખલ કરી હતી. ત્યારબાદ ત્રણેય તાલુકા વિકાસ અધિકારી દ્વારા આરટીઆઇ હેઠળ માહિતી આપવામાં આવી હતી. ત્યારે ઓનલાઇન આહવા તાલુકામાં 34 તળાવ બતાવે છે અને આહવા ટીડીઓ દ્વારા જે માહિતી આપવામાં આવી હતી તેમાં 10 તળાવો બતાવવામાં આવેલ છે. અને વઘઇ તાલુકામાં ઓનલાઈન 23 તળાવો બતાવે છે અને ટીડીઓ દ્વારા આપવામાં આવેલ માહિતીમાં 6 તળાવો છે.તેમજ સુબીર તાલુકામાં ઓનલાઈન 17 તળાવો બતાવે છે ત્યારે આપવામાં આવેલ માહિતીમાં 24 તળાવોમાંથી 11 તળાવોનું કામ કરેલ છે. અને બાકીના 13 તળાવોનું કામ અન્ય ખાતામાં થયેલુ છે એવુ જણાવવામાં આવ્યું છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે,વેબસાઈટ પર મૂકવામાં આવેલી માહિતી અને તાલુકા વિકાસ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલ માહિતીમાંથી કઈ સાચી છે ? એક જ યોજનાની માહિતી બંને જગ્યાએ અલગ અલગ જોવા મળી રહી છે. ત્યારે ક્યાં અને કોના દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે તે પણ તપાસનો વિષય બની ગયો છે. વેબસાઈટ અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા આપવામાં આવેલ માહિતીમાં જમીન આસમાનનો ફરક જોવા મળી રહ્યો છે. જેના કારણે આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા ત્રણેય તાલુકા વિકાસ અધિકારીઓ વિરુદ્ધ કલેક્ટરને લેખિતમાં ફરિયાદ કરી પગલા ભરવાની માંગ કરી છે.