શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપી જિલ્લાનું ગૌરવ..
આઝાદી કા અમૃત મહોત્સવ અને રાષ્ટ્રિય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત લોકગીતોની સ્પર્ધામાં સોનગઢ તાલુકાની ચીમકુવા પ્રાથમિક શાળાના આચાર્ય પ્રદિપભાઈ ચૌધરી અને તેમના કલાવૃંદે રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો.
તાપી, વ્યારા: “આઝાદી કા અમૃત મહોત્સવ” તથા રાષ્ટ્રિય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મજયંતિ નિમિત્તે રાજ્યના યુવક, સેવા અને સાંસ્કૃતિક વિભાગ,ગાંધીનગર તથા જિલ્લા રમત-ગમત કચેરી દ્વારા મેઘાણી રચિત લોકગીતોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય કક્ષાની લોકગીતોની આ સ્પર્ધા બોટાદ જિલ્લામાં આદર્શ વિદ્યાલયના પટાંગણમાં તા.૨૩/૦૮/૨૦૨૧ ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે યોજાઈ હતી.ગુજરાતની સંસ્કૃતિની આગવી ઓળખ સમાન ખ્યાતનામ સાહિત્યકારની રચનાઓ જિલ્લાના લોકકલાકારો દ્વારા રજુ થાય અને કલાકારોની કલાઓને પ્રોત્સાહન મળે તેવા શુભ હેતુ સાથે ૩૩ જિલ્લાના કલાકારોએ પોતાની કૃતિ રજુ કરી હતી.
સૌપ્રથમવાર ઝવેરચંદ મેઘાણી રચિત લોકગીત સ્પર્ધા 2021માં વર્ચ્યુઅલ ઓનલાઈન ભાગ લેવા માટે તાપી જિલ્લાના ૧૫ થી ૩૫ વયજૂથમાં ૧૨ સ્પર્ધકો અને ૩૫ થી ઉપર વયજૂથમાં ૫ કલાકારોએ ભાગ લીધો હતો. જેમાં ચીમકુવા પ્રાથમિક શાળાના આચાર્ય પ્રદિપભાઈ રમણભાઈ ચૌધરી અને તેમનું કલાવૃંદ જિલ્લાકક્ષાએ પ્રથમ નંબરે આવી રાજ્યકક્ષાની સ્પર્ધામાં બોટાદ ખાતે ભાગ લઇ તાપી જિલ્લાને ગૌરવ અપાવ્યું હતું. તેમના કલાવૃંદમાં ઢોલવાદક ખાનપુરના જિગ્નેશભાઈ ચૌધરી, હારમોનિયમ વાદક જિલ્લા માહિતી કચેરી, વ્યારાના અલ્કેશકુમાર ચૌધરી અને ખુ.મા.ગાંધી સ્કુલના ધો.૫નો બાળ કલાકાર ખંજરી વાદક મીત પ્રદિપભાઈ ચૌધરીએ સંગીત પીરસી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. રાજ્યકક્ષાનું પરિણામ પાછળથી જાહેર કરવાનું આયોજકોએ જણાવ્યું હતું. રાજ્યકક્ષાએ ભાગ લેવા બદલ તાપી જિલ્લા વહીવટીતંત્ર તથા સહાયક માહિતી નિયામક આર.આર.તડવી, જિલ્લા રમતગમત અધિકારી અમરસિંહ રાઠવા, યુવા વિકાસ અધિકારી અમૃતાબેન ગામીતે રાજ્યકક્ષાએ ભાગ લેનાર કલાકારોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.