શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, સુરત નલિન ચૌધરી
ઓલપાડ તાલુકામાં કૃષિ મંત્રીના હસ્તે રૂ.૫.૧૫ કરોડના વિકાસ પ્રકલ્પોના ખાતમુહુર્ત સંપન્ન:
સાયણમાં આગામી દિવસોમાં બાયોગેસ પ્લાન્ટનું નિર્માણ કરીશું:
‘હર ઘર મે નલ.. હર નલ મે જલ..’ યોજના અંતર્ગત ૨૦૨૨ સુધી રાજ્યના તમામ ગામોમાં પ્રત્યેક ઘરોમાં વ્યક્તિદીઠ એક દિવસમાં ૧૦૦ લિટર પાણી ઉપલબ્ધ થશે:
સાયણમાં પણ રોડ પરના તમામ ફેરીયાઓ માટે એક સુવ્યવસ્થિત માર્કેટ ઉભું કરવામાં આવશે:- કૃષિ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ
સુરત: ઓલપાડ તાલુકાના સાયણ ગામે વાસ્મો આયોજિત ‘નલ સે જલ’ કાર્યક્રમ અંતર્ગત કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલના હસ્તે રૂ.૪.૦૫ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને ઓલપાડ તાલુકામાં રૂ.૩૦ લાખના ખર્ચે કુંભાર ફળીયાથી રૂંઢી ફળિયાને જોડતા રોડ તેમજ આ રોડ પર રૂ.૮૦ લાખના ખર્ચે બોક્ષ કલ્વર્ટની કામગીરી મળી કુલ રૂ.૫.૧૫ કરોડના વિકાસ પ્રકલ્પોનું ખાતમુહુર્ત સંપન્ન થયું હતું. જેમાં સાયણ ગામમાં ‘નલ સે જલ કાર્યક્રમ’ હેઠળ પાણી પુરવઠા યોજનામાં સંપૂર્ણ ગામને ૫ ઝોનમાં વિભાજીત કરી ૧૮ નવીન બોરવેલ, ૨૩ મોટર, ૨૨ હજાર મીટર પી.વી.સી. પાઈપ લાઈન, ભૂગર્ભ સંપ (૪ નંગ), ઉંચી ટાંકી (૪ નંગ), નવીન ૧૬૧ નળ કનેક્શન, હયાત ૪૯૪ નળ કનેક્શનનું રિપેરીંગ કામ, હયાત ૨ અંડર ગ્રાઉન્ડ સંપ અને ૩ ઉંચી ટાંકી તેમજ ૪ પંપ હાઉસનું રિપેરીંગ કામ એમ કુલ રૂ.૪.૦૫ કરોડના કામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, મંત્રીશ્રીના હસ્તે સિવણ ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મંજૂર થયેલાં ૫૧ આવાસો તથા નવનિર્મિત ગ્રામપંચાયતનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કૃષિ મંત્રીશ્રીએ સાયણને સ્વચ્છ, સ્વસ્થ, સુઘડ બનાવવાની નેમ વ્યકત કરતાં જણાવ્યું હતું કે, ઓલપાડની જેમ સાયણમાં પણ રોડ પરના તમામ ફેરીયાઓ માટે એક સુવ્યવસ્થિત માર્કેટ ઉભું કરવામાં આવશે, જ્યાં તમામ પ્રકારના નાના વેપારીઓને પોતાનો વ્યાપાર કરવની સરળતા અને સુવિધા મળી રહેશે, આ માર્કેટના કારણે ટ્રાફિકની સમસ્યાનો પણ ઉકેલ આવશે. સાયણને કચરામુક્ત બનાવવા તાપી જિલ્લાની જેમ સાયણમાં પણ આવનારા દિવસોમાં બાયોગેસ પ્લાન્ટનું નિર્માણ કરીશું એમ જણાવતાં મંત્રીશ્રીએ માત્ર નામ પૂરતા નહિ, પરંતુ કામ કરતા સરપંચને ચૂંટવાનું આહ્વાન અહીં ઉપસ્થિત સાયણના ગ્રામજનોને કર્યો હતો.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રજા સાથે ખભેખભા મિલાવીને તેમની દરેક સમસ્યાઓના નિરાકરણ માટે સરકાર કાર્યરત છે.