
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપીની મહિલા અભ્યમ-181 ટીમના સતત શ્રેષ્ઠ કામગીરીને સલામ..
તાપીની મહિલા અભ્યમ ટીમે ભૂલા પડેલા ૭૦ વર્ષિય વૃદ્ધ મહિલાનું તેમના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું
વ્યારા: તાપી જિલ્લાની અભયમ ટીમની કામગીરી હંમેશા પ્રશંસનીય રહી છે. ૧૮૧ હેલ્પલાઇન નંબર પર કોલ આવતાની સાથે જ અભયમની ટીમ સક્રિય થઇ જાય છે અને ત્વરિત પણે કાર્યના સ્થળે પહોંચી હંમેશા પોતાની શ્રેષ્ઠ કામગીરી કરવા તાપીની અભયમ ટીમ જાણીતી છે. તાજેતરમાં અભયમની ટીમને અજાણ વ્યક્તિ દ્વારા કોલ આવ્યો હતો જેમાં તેણે ટીમને જણાવ્યું કે અંદાજિત ૭૦ વર્ષની વૃદ્ધ મહિલા ઉનાઈનાકા નજીક આવેલા સુપર ચિકન સેન્ટરની દુકાન પાસે ૩ કલાકથી આવીને બેઠા છે. વ્યક્તિએ જણાવ્યું કે, હાલ વરસાદ તો છે જ પરંતુ રાત્રિનો સમય છે જેથી તેઓ બિમાર પડી શકે છે અને તેમના સાથે વાત કરીને નામ અને સરનામુ પુછ્યું પરંતુ તેઓ બરાબર જણાવતા નથી.
મહિલા અભયમની ટીમ કાર્ય સ્થળે પહોંચી અને ટીમ દ્વારા મહિલાનું કાઉન્સલિંગ કરવામાં આવ્યું જેમાં મહિલાનું નામ અને ગામ જાણવા મળ્યું હતું. તેઓ કટાસવણ ગામના છે જણાતા ટીમે ગામના પરિચિત વ્યક્તિ સાથે સંપર્ક કરીને તે મહિલાનું નામ જણાવ્યું ત્યાર બાદ ટીમ મહિલાના ઘર સુધી પહોંચવામાં સફળ રહી હતી. મહિલા કટાસવણ ગામના દિલ્લી ફળિયામાં રહે છે. તાપીની ટીમ અભયમે ભૂલા પડેલા ૭૦ વર્ષિય વૃદ્ધ મહિલાનું તેમના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું. ટીમે પરિવાર સાથે વાતચીત કરી વૃદ્ધ મહિલાની સારસંભાળ લેવા જણાવ્યું હતું.