શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપી જિલ્લાના કોરોના વોરીયર્સે કોરોનાકાળમાં સમાજ માટે જે રીતે ખડેપગે સેવા આપી છે તે સરાહનીય છે: કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણિયા
તાપી જિલ્લાના કોરોનાકાળમાં ખડેપગે ફરજ બજાવનાર કોરોના વોરીયર્સને સહાયના ભાગરૂપ રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વ્યારા: તાપી જિલ્લામાં આજરોજ વ્યારા નગરપાલિકા કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાની અધ્યક્ષતામાં કોરોના વોરીયર્સને રાશનકીટ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા વહિવટી તંત્ર દ્વારા વ્યારાના કુલ- 524 કોરોના વોરીયર્સ, આશા વર્કરો, આશા ફેસીલીટરો, હોમ ગાર્ડસ, જી.આર.ડી.ના જવાનો તથા સફાઈ કર્મચારીઓને રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે પ્રેરક પ્રવચન કરી કલેક્ટરશ્રીએ કોરોના વોરિયર્સની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, કોરોનાકાળમાં જે રીતે કોરોના વોરીયર્સે રજા ભોગવ્યા સિવાય પોતાની ચિંતા કર્યા વગર ખડેપગે સેવા આપી છે તે ખરેખર સરાહનિય હતું. આ પ્રસંગે તેમણે કોરોના વેક્સિન અંગે પણ ચર્ચા કરી હતી અને ઉપસ્થિત તમામ કોરોના વોરિયર્સને કોરોનાથી સુરક્ષિત રહેવા માટે પોતે વેક્સિન લઈ બીજાને પણ જાગૃત કરવાની અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ‘કોરોના સેવા યજ્ઞ’ અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્યના રાજભવન તરફથી ‘યુવા અન સ્ટોપેબલ’ નામની સ્વૈચ્છિક સંસ્થાના સહયોગથી કોરોના વોરીયર્સને જીવન ઉપયોગી ચીજવસ્તુઓ જેવી કે રાશનકીટ વિતરણ કરવાનું અભિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા શરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત આ પ્રસંગે વહિવટી તંત્ર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.