શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા
વન વિભાગનુ ઘરેણું ‘પૂર્ણાં વાઈલ્ડ લાઈફ સેન્ચુરી’ મા પર્યટકો માટે વન વિભાગે તૈયાર કરેલી ‘વર્લ્ડ ફેમસ ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટ-મહાલ’ ને ખુલ્લી મુકાઈ:
આહવા: સહ્યાદ્રિ પર્વતમાળાની ગોદમા વસેલા ડાંગ જિલ્લાનુ નામ સાંભળતા જ લીલીછમ હરિયાળી, સર્પાકાર રસ્તાઓ, રૌદ્ર અને રમ્ય અહેસાસ કરાવતી ખીણો, ખળખળ વહેતા સફેદ દુગ્ધધારા જેવા ઝરણાઓ તથા જળધોધ, આસમાન સાથે વાતો કરતા ઊંચા ઊંચા ડુંગરો, અને તેની આગોશમા સમાઈ જતી, પોતાના પ્રિયતમથી વિખૂટી પડેલી શુભ્ર શ્યામ વાદલડીઓનુ ઝુંડ, તથા હિંસક પ્રાણીઓ, સરીસૃપ, અને વનિલ કિટકોની વિવિધ પ્રજાતિઓનુ દ્રશ્ય નજર સમક્ષ ખડુ થઈ જાય છે.
જો આપે કુદરતના આ અણમોલ ખજાનાને નજરોનજર નિહાળવુ હોય તો તમારે ‘ડાંગ’ ના ડુંગરાઓ ખૂંદવા પડે.
ડાંગ વન વિભાગ દ્વારા અહીં ‘વર્લ્ડ ફેમસ : ઇકો કેમ્પ સાઇટ-મહાલ’ ને નવા વાઘા સાથે વધુ લોકભોગ્ય બનાવીને પર્યટકોની સેવામા ખુલ્લી મુકવામા આવી છે. ‘કોરોના કાળ’ બાદ ગત શનિવારથી જ પ્રવાસીઓ માટે ખુલ્લી મુકાયેલી ‘મહાલ કેમ્પ સાઇટ’ ખાતે રહેવા જમવાની સુવિધા સાથે જાણકાર ગાઈડની સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામા આવી છે. જેનો લાભ પર્યટકો લઈ શકે છે, તેમ જણાવતા ઉત્તર ડાંગના નાયબ વન સંરક્ષક શ્રી અગ્નિશ્વર વ્યાસે વન વિસ્તારના નિયત પ્રવાસન સ્થળો સિવાય વન પ્રદેશમા જરૂરી પરવાનગી અને ગાઈડ વિના જવુ પર્યટકો માટે જોખમભર્યું હોય તેવો પ્રયાસ નહિ કરવાની પણ હિમાયત કરી છે.
હરિયાળી વનરાજીથી હર્યાભર્યા આ પ્રદેશમા જ્યા જ્યા નજર કરો ત્યા ત્યા સાગ, સાદડના લીલાછમ વૃક્ષો, અને વાંસના ઝુંડ નજરે પડે છે. વનઔષધિઓનો અનોખો ખજાનો પણ ડાંગના જંગલને સમૃદ્ધ કરે છે.
રંગબેરંગી વનિલ ફૂલો, અને ઋતુચક્ર અનુસાર રંગો બદલતુ ઘનઘોર જંગલ જોઈને કુદરતની ચિત્રકારી ઉપર ચોક્કસ જ આશ્ચર્ય થાય છે. અહીંની આ વિરાસતથી મંત્રમુગ્ધ થઈને વર્ષભર અહીં પ્રકૃતિપ્રેમી પર્યટકોની ભીડ રહેતી હોય છે.
‘વેસ્ટર્ન ઘાટ’ તરીકે ઓળખાતી પશ્ચિમ ભારતની તટિય પર્વતમાળા એટલે કે સહ્યાદ્રી પર્વતમાળાની શરૂઆત ડાંગના ‘પૂર્ણાં વાઈલ્ડલાઈફ સેન્ચુરી’ વિસ્તારમાંથી થાય છે. જે છેક દક્ષિણ ભારતના કેરાલા સુધી વિસ્તરેલી છે.
સહ્યાદ્રિ પર્વતમાળાની શરૂઆતે જ અહીં કુદરતે પ્રકૃતિ, સંસ્કૃતિ, અને પરંપરાગત ભાતીગળ લોકસંસ્કૃતિનો ‘ત્રિવેણી સંગમ’ રચીને તેની શ્રેષ્ઠતા સાબિત કરી છે. ગુજરાતનો સૌથી ઊંચો અને રૌદ્રરમ્ય અહેસાસ કરાવતો ‘ગિરમાળ વોટરફોલ’ આ જ વિસ્તારમા આવેલો છે.
‘વર્લ્ડ ફેમસ ઇકો કેમ્પ સાઇટ-મહાલ’ ની મુલાકાત લેવા ઇચ્છતા પ્રકૃતિપ્રેમી પર્યટકો તેના બિઝનેસ એકાઉન્ટ સંપર્ક નંબર :૯૪૦૯૦ ૩૭૧૬૬ તથા વન વિભાગના લેન્ડલાઈન નંબર : ૦૨૬૩૧-૨૨૦૨૦૩ ઉપરાંત ઇ મેઈલ contact@mahalcampsite.com અને વેબસાઈટ https://mahalcampsite.com ના માધ્યમથી ઓનલાઈન બુકીંગ કરી શકે છે.
પર્યટકો માટે અહીં તેમના બજેટને અનુરૂપ સ્યુટ્સ, લોગ હટ્સ, ડાંગી હટ્સ જેવા રૂમની નિવાસ વ્યવસ્થા સાથે, ગુજરાતી અને ડાંગી ભોજન, અને ચા નાસ્તા તથા પ્રવાસીઓની માંગ અનુસાર કેમ્પ ફાયર, સ્થાનિક સાંસ્કૃતિક કાર્યક્રમ, નેચર ટ્રેલ, નેચર કેમ્પ, જંગલ ટ્રેકિંગ, બર્ડ વોચિંગ સહિતની એક્ટિવિટી પણ ‘ઇકો ટુરિઝમ ડેવલોપમેન્ટ સોસાયટી-સાવરદા કસાડ’ ના માધ્યમથી ઉપલબ્ધ કરાવાઇ રહી છે. આ અંગેની તમામ વિગતો ઉક્ત વેબસાઈટ પર ઉપલબ્ધ છે, જેનો પર્યટકો લાભ લઇ શકે છે. તેમ, ઉત્તર ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી અગ્નિશ્વર વ્યાસે પૂરક વિગતો આપતા જણાવ્યુ છે.
પોતાનો અમેઝિંગ એક્સપિરિયન્સ શેર કરતા અમદાવાદથી અત્રે આવેલી યંગ લેડી ટુરિસ્ટ કુ.કાનલ શાહે જણાવ્યુ હતુ કે “It really feels amazing to take some days off from the busy city life and enjoy the peace and calm of the nature especially during this time when we all are mentally and physically exhausted. We truly understand the liberty of fresh air. The greenery of the area has been the pleasure for my eyes. All in all, it has been exhilarating experience.
ચોમાસામા ડાંગનુ સૌંદર્ય જ્યારે ચરમસીમાએ હોય છે, ત્યારે તેનો આનંદ માણવા માટે થોડી સાવચેતી સાથે લેવાયેલી આપની અહીંની એકવારની મુલાકાત, આપના માટે જીવનભરનુ કાયમી સંભારણુ બની જશે, તેમા કોઈ બેમત નથી.