શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ ડાંગ રામુભાઇ માહલા
ડાંગ જિલ્લામા તા.૧૧ થી ૧૪ એપ્રિલ વચ્ચે યોજાશે “વેકસીનોત્સવ”
આહવા: તા: ૧૦: દેશભરમા તા.૧૧મી એપ્રિલ જ્યોતિબા ફૂલેજીના જન્મ દિવસથી લઇને તા.૧૪મી એપ્રિલ બાબા સાહેબ આંબેડકરજીના જન્મ દિવસની વચ્ચેના દિવસો દરમિયાન “ટીકા ઉત્સવ” ઉજવાઈ રહ્યો છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના આહવાન મુજબ કોરોના સામેના જંગમા ટેસ્ટિંગ, ટ્રેકિંગ, અને ટ્રીટમેન્ટ ની ફોર્મ્યુલા અનુસાર ઘનિષ્ઠ કામગીરી કરી રહેલા આરોગ્ય વિભાગના પરિશ્રમી ડોક્ટરો, અને હેલ્થ કેર સ્ટાફની મહેનતને સફળ બનાવવા માટે ડાંગના તમામ ૪૫ વર્ષથી વધુની વયના નાગરિકોને નજીકના આરોગ્ય કેન્દ્રમા જઈને વેકસીન લેવાનો અનુરોધ ડાંગ કલેકટર શ્રી એન.કે.ડામોરે કર્યો છે.
ડાંગ જિલ્લામા હાથ ધરાયેલા આ “વેકસીનોત્સવ” કાર્યક્રમમા સ્થાનિક જનપ્રતિનિધીઓ પણ સક્રિય રસ લઈને આ રસીકરણ અભિયાનને સફળ બનાવે તેવી અપીલ પણ ડાંગ કલેક્ટરશ્રીએ કરી છે.
વિનામૂલ્યે આપવામા આવી રહેલી કોરોના સામે રોગ પ્રતિકારક ક્ષમતા વધારતી આ રસી લેવાથી ખાસ કોઈ આડઅસર થતી નથી તેમ જણાવતા આ રસિકરણ અભિયાન અંતર્ગત પ્રથમ ડોઝ લેતા ડાંગ કલેકટર શ્રી એન.કે.ડામોરે પ્રજાજનોને કોઈ પણ જાતના ભય કે ગભરાટ રાખ્યા વિના તેનો લાભ લેવાની અપીલ કરી છે.
શનિ, રવિની રજાઓ સહિત જાહેર રજાના દિવસો દરમિયાન પણ જિલ્લા આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા આ કામગીરી હાથ ધરવામા આવી રહી છે, તેમ જણાવતા ડાંગના અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. સંજય શાહે આહવાની સિવિલ હોસ્પિટલ ઉપરાંત વઘઇ, શામગહાન, અને સુબિરના સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે પણ રસીકરણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, તેમ જણાવ્યુ હતુ.
આ ઉપરાંત આહવા તાલુકાના સાપુતારા, ગલકુંડ, પીમ્પરી, અને ગાઢવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, વઘઇ તાલુકાના ઝાવડા, સાકરપાતળ, અને કાલીબેલ, ઉપરાંત સુબિર તાલુકાના શિંગાણા, પીપલદહાડ, અને ગારખડી ખાતેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે પણ વેકસીનેસનના કાર્યક્રમો ચાલી રહ્યા છે. જેનો ૪૫ વર્ષથી ઉપરની તમામ વ્યક્તિઓને લાભ લેવાનો અનુરોધ કરાયો છે
ડો. સંજય શાહે તા.૧૦મી એપ્રિલ ૨૦૨૧ સુધી જિલ્લામા કુલ ૨૯,૬૯૭ જેટલા લાભાર્થીઓને વેકસીન આપવામા આવી છે તેમ જણાવ્યુ હતુ. જે પૈકી ૨૦૨૯ હેલ્થ કેર વર્કર, ૪૨૨૧ ફ્રન્ટ લાઇન વર્કર, અને ૨૩,૩૮૬ (૪૫ +) નાગરિકોનો સમાવેશ થાય છે. તેમ પૂરક વિગતો આપતા જણાવ્યુ છે.
આ કામગીરી માટે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓથી લઈ તબીબી અધિકારીઓ, પેરા મેડિકલ સ્ટાફ અને છેક આશા સુધીના અંદાજીત ૬૫૦ કર્મચારીઓની સેવાઓ લેવામા આવી રહી છે, તેમ પણ અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ વધુમા જણાવ્યુ હતુ.