શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપીમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે કલેક્ટર આર.જે.હાલાણીની અધ્યક્ષતામાં આજે સાંજે વેબ મિટીંગના માધ્યમથી સમીક્ષા બેઠક યોજાઈ:
કન્ટેઈનમેન્ટ ઝોનમાં કોવિદ-૧૯ની તમામ ગાઈડ લાઈનનો ચુસ્તપણે અમલ કરાવવા અધિકારીઓને તાકીદ:
નાગરિકોને જરૂરી કામ સિવાય ઘરથી બહાર ન નીકળવા માટે કલેક્ટરની અપીલ:
વ્યારા: કોવિદ-૧૯ રોગચાળાને કાબુમાં લેવા રાષ્ટ્રિય અને રાજ્ય કક્ષાએ સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. તાપી જિલ્લામાં પણ છેલ્લા કેટલાક દિવસોથી કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તાપી જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા કોરોનાથી બચવા માટે લોકોને સતત જાગૃત કરવામાં આવી રહ્યા છે. લોકો સ્વયંભૂ કોરોના સામેની લડાઈમાં સ્વયં શિસ્તનું પાલન કરીને આ મહામારી સામે લડે એ માટે અપીલ કરવામાં આવી રહી છે. જિલ્લામાં વર્તમાન કોરોના પરિસ્થિતી તથા રસીકરણ કામગીરી સંદર્ભે સમીક્ષા કરવા આજે સાંજે કલેક્ટર આર.જે.હાલાણીએ કોરોના સંક્રમણના અટકાયત માટે જિલ્લા/તાલુકાના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજી હતી.
બેઠકમાં કલેક્ટરે જિલ્લામાં વધી રહેલ કોરોના સંક્રમણ અને તેના માટે વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાયેલ કામગીરીની તાલુકાવાર સબંધિત અધિકારીઓ પાસેથી જાણકારી મેળવી હતી. અને વધી રહેલ સંક્રમણ સામે સઘન પગલાં લેવા બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લામાં રસીનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે તેમ જણાવી કલેક્ટરશ્રીએ રસીકરણની કામગીરીને સઘન બનાવી વધુને વધુ લોકો રસી લેવા આગળ આવે તે માટે લોકજાગૃતિ માટે સરપંચ,તલાટી સાથે શિક્ષકોને પણ સામેલ કરવા પણ સુચન કર્યુ હતુ. કલેક્ટરશ્રીએ આ કામગીરીમાં કોઈ પણ અધિકારી/કર્મચારીની બેદરકારી ચલાવી લેવાશે નહી તેમ જણાવી માનવ હિતમાં લોકોને સુરક્ષા પ્રદાન કરવાની રાષ્ટ્રિય કામગીરી હકારાત્મક વલણ અપનાવી કરવા તમામ અધિકારીઓને જરૂરી સુચનો કર્યા હતા. ખાસ કરીને કન્ટેઈનમેન્ટ ઝોનમાં કોવિદ-૧૯ની તમામ ગાઈડ લાઈનનો ચુસ્તપણે અમલ કરાવવા અધિકારીઓને સ્પષ્ટપણે તાકીદ કરી હતી.
કલેક્ટરશ્રીએ જણાવ્યુ કે, લોકોની ભીડ ન થાય તો વધતાં કોરોના વાયરસના સંક્રમણ પર કાબૂ મેળવી શકાશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ જિલ્લાના ખાસ કરીને શહેરી વિસ્તારમાં તમામ નાગરિકોને જરૂરી કામ સિવાય ઘરથી બહાર ન નીકળવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.
કોરોના વાયરસનું સંક્રમણ સમગ્ર દેશ અને રાજ્યમાં વધી રહ્યું છે ત્યારે લોકો સ્વયંભુ શિસ્ત પાલન કરે તે ખુબ જરૂરી છે. જેના લીધે કોરોના સંક્રમણને કાબૂમાં લઈ પરિસ્થિતી વધુ ગંભીર બને એ પહેલાં તેને નિયંત્રણમાં લઈ શકાશે. આ બેઠકમાં ઈ.ચા.જિલ્લા વિકાસ અધિકારી જે.જે.નિનામા, અધિક કલેક્ટર બી.બી.વહોનીયા, પ્રાંતકધિકારી હિતેષ જોષી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી હર્ષદ પટેલ, તમામ તાલુકાના લાયઝન અધિકારીઓ,મામલતદાર/તાલુકા વિકાસ અધિકારી, પ્રાથમિક/માધ્યમિક શિક્ષણાધિકારી, તાલુકા હેલ્થ અધિકારીઓ વેબના માધ્યમથી જોડાયા હતા.