શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત નલીનભાઈ
મહુવા તાલુકાના વાંસકુઈ ગામે યોજાતો પરંપરાગત ગોળી-ગઢનો મેળો વધતાં જતાં કોરોના સંક્રમણના કારણે સ્થગિત કરાયો:
સુરત જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું.
સુરત જિલ્લાના મહુવા તાલુકાના વાંસકુઈ ગામમાં પરંપરાગત પ્રણાલી મુજબ દર વર્ષે હોળીના આગલા દિવસે ગોળી-ગઢનો મેળો યોજાય છે. મેળામાં શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં એકઠા થાય છે. આ વર્ષે આ મેળો તા.૨૧મી માર્ચ ના રોજ યોજાનાર હતો, પરંતુ હાલની કોરોનાની સ્થિતિ સંદર્ભે સુરત જિલ્લા વહીવટતંત્ર દ્વારા કોરોના સંકમણની શકયતાને ધ્યાને લેતા, સાવચેતીનાં ભાગરૂપ આ મેળાનું આયોજન સ્થગિત કરવામાં આવ્યું છે.
જિલ્લા કલેકટરશ્રી ડો.ધવલ પટેલે એક જાહેરનામા દ્વારા ફરમાવ્યું છે કે, કોરોના સંક્રમણ અટકાવી શકાય અને લોકોના સ્વાસ્થ્ય, સુરક્ષા અને જાહેર જનતાના હિત માટે તા.૨૦ માર્ચથી તા.૨૨ માર્ચ, ૨૦૨૧ સુધી ગોળી-ગઢનો મેળો બંધ રહેશે. આ સાથે મંદિર જાહેર જનતા તેમજ દર્શનાર્થીઓના દર્શન માટે બંધ રહેશે, પરંતુ મંદિરમાં પુજારી પૂજા-ધાર્મિક વિધિ કરી શકશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.
જાહેરનામા અન્વયે સુરત જિલ્લા(ગ્રામ્ય)માં ફરજ બજાવતા પોલીસ અધિક્ષક/નાયબ પોલીસ કમિશનરશ્રીના દરજ્જાથી પો.સ.ઇ. સુધીના હોદ્દો ઘરાવતા તમામ અધિકારીઓને હુકમનો ભંગ કરનાર લોકો સામે કાયદાકીય કાર્યવાહી કરવાં અધિકૃત કરવામાં આવ્યાં છે.