શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
રાજપીપલાની સિવીલ હોસ્પિટલ ખાતે નિવાસી અધિક કલેક્ટરશ્રી એચ.કે.વ્યાસની ખાસ ઉપસ્થિતિ:
રાજપીપલા:- પ્રવર્તમાન કોરોના મહામારીને અનુલક્ષીને ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ આજે રાજપીપલાની જૂની સિવીલ હોસ્પિટલ ખાતે નિવાસી અધિક કલેક્ટરશ્રી એચ.કે.વ્યાસની ઉપસ્થિતિમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.કે.પી.પટેલ, સિવીલ સર્જન ડૉ.જ્યોતિબેન ગુપ્તા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.વિપુલ ગામીત, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.એ.કે.સુમન વગેરે સહિત તબીબી ટુકડીઓની ઉપસ્થિતિમાં ૨૫ જેટલાં આરોગ્ય કર્મીઓનું કોવીડ વેક્સીનેશન અંતર્ગત ડ્રાય રન/ મોકડ્રીલ યોજાઇ હતી. તેવી જ રીતે અર્બન હેલ્થ સેન્ટર ટેકરા ફળિયા ખાતે ૨૫, ક્રિસ્ટલ સ્કુલ ખાતે ૨૫ અને નાંદોદના લાછરસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૨૫ સહિત જિલ્લાના કુલ ૧૦૦ જેટલાં આરોગ્યકર્મીઓએ આજે ડ્રાય રન/ મોકડ્રીલમાં ભાગ લીધો હતો.
આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.કે.પી.પટેલે જણાવ્યું હતું કે, તાજેતરમાં ભારત સરકાર દ્વારા ટૂંક સમયમાં કોવિડ વેક્સીન સમગ્ર દેશમાં અપાનાર હોઇ તેના ભાગરૂપે નર્મદા જિલ્લામાં સરકારની ગાઇડલાઇન પ્રમાણે ડ્રાય રન/ મોકડ્રીલનું આયોજન કરાયું છે. જેમાં કોવિડ-૧૯ ને ધ્યાનમાં રાખીને ભારત સરકારની ગાઇડલાઇન મુજબ જે કોઇ લાભાર્થીઓને SMS દ્વારા જાણ કરવામાં આવશે તેઓએ ચોક્કસ સમયે અને ચોક્કસ સ્થળે આવા લાભાર્થીઓએ આવી જવાનું રહેશે.વેક્સીનેશનનાં લાભાર્થીઓને કોવિડની ગાઇડલાઇન પ્રમાણે સેનિટાઇઝેશન, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સીંગ અને થર્મલ સ્ક્રીનીંગ પણ કરવામાં આવશે. ત્યાર બાદ લાભાર્થીઓનું રજીસ્ટ્રેશન કર્યા બાદ તેમને વેઇટીંગ રૂમમાં બેસાડવામાં આવશે અને વેક્સીન રૂમમાં વેક્સીન આપ્યા બાદ અંતમાં નિરીક્ષણ રૂમમાં ૩૦ મિનિટ સુધી રાખવામાં આવશે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, વેક્સીનેશન કર્યા બાદ કોઇ લાભાર્થીને કોઇ પણ પ્રકારની મુશ્કેલી જણાશે તો તેમના માટે અલગ કિટ્સની વ્યવસ્થા કરવામાં આવી છે અને તાત્કાલિક તેમની સ્થળ પર જ સારવાર કરવામાં આવશે. આ સમગ્ર અભિયાનમાં વેક્સીન કઇ રીતે અપાય તેની જાણ લોકોને પણ થાય તેમ તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે અધિક નિવાસી કલેક્ટરશ્રી એચ.કે.વ્યાસની રાજપીપલાની જુની સિવીલ હોસ્પિટલ ખાતે ડ્રાય રન/ મોકડ્રીલની મુલાકાત દરમિયાન કોવિડ સોફ્ટવેર એપ્લિકેશન ડેટા બેજના આધારે પ્રત્યેક રસીકરણ કેન્દ્ર ખાતે રસી લેનાર લાભાર્થીના નામ જનરેટ કરવા, એમની ઓળખ ચકાસવી, કર્મચારીઓ દ્વારા એમની નોંધણી કરવી, વેઇટીંગ રૂમમાં બેસાડવા, રસીકરણ કેન્દ્રમાં કરવાની કામગીરી અને રસી લેનારને નિરીક્ષણ હેઠળ ૩૦ મિનીટ રાખવા સહિતની વિસ્તૃત જાણકારી મેળવી શ્રી વ્યાસે જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, વૈશ્વિક મહામારી ‘કોરોના” સામે નાગરિકોને સુરક્ષિત કરવા માટે ટૂક સમયમાં રસી ઉપલબ્ધ થનાર છે, ત્યારે આ રસી કેવી રીતે આપવી એ માટે કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન અનુસાર રાજય સમસ્તની જેમ નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગે પણ સંપૂર્ણ તૈયારીઓ કરી દીધી છે.
ભારત સરકાર દ્વારા દેશમાં કોવિડ-૧૯ રસીકરણ પ્રોગ્રામના અમલીકરણ પહેલાં રસીકરણની જુદી-જુદી પ્રક્રિયા માટે ડ્રાય રન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ડ્રાય રન અંતર્ગત રસીકરણના આયોજન, અમલીકરણ અને રિપોર્ટિંગની પ્રક્રિયા વચ્ચેના જોડાણોનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં રસીકરણના વાસ્તવિક અમલીકરણ પહેલા પડકારો અને ઉપાયો વિશે પણ અભ્યાસ થઈ શકે તેવો આ ડ્રિલનો હેતુ છે.