
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નિતેશભાઈ વસાવા
ગામીત બોલી અને આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવા યુ-ટ્યુબર્સનો અનોખો પ્રયત્ન કરવામાં આવ્યો: આવતા મહિને આ શોર્ટ મુવીનો આનંદ લોકોને માણવા મળશે.
હાલના સમયમાં આદિવાસી સમાજ ખુબ જ પ્રગતિ કરી રહ્યો છે, સમાજના અનેક લોકો દરેક ક્ષેત્રે આગળ પડતું યોગદાન આપી રહ્યા છે, પરંતુ અમુક સમયથી એવું જોવા મળી રહ્યું છે કે નવી જનરેશન પોતાની પરંપરાઓ અને સંસ્કૃતિ ધીરે ધીરે ભૂલી રહી છે, ઘણાં યુવાનો અને લોકોને આદિવાસી હોવા છતાં પણ પોતાની માતૃભાષામાં વાત કરતા નથી આવડતું. આવા લોકોને પોતાની પરંપરા અને બોલી પ્રત્યે લાગણી જગાડવા અને પોતાનું અસ્તિત્વ ગુમાવતી ગામીત બોલીને જીવંત રાખવા માતોશ્રી મુવિઝ અને DG Official Tapi દ્વારા એક આદિવાસીઓની કુળદેવી દેવમોગરા માતા પર પહેલું ગામીત (લોકબોલીમાં) ચલચિત્ર રજૂ કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મની કથા દિવ્યેશ ગામીતે લખી છે અને ડીરેકશન શ્રીરામચંદ્ર ચૌહાણે આપ્યું છે. ફિલ્મનું શૂટિંગ બરડીપાડા (મહારાષ્ટ્ર) અને વ્યારામાં કરવામાં આવ્યું છે. ફિલ્મ ડિસેમ્બર મહિનામાં રીલિઝ થશે એવું સુત્રો મુજબ જાણવા મળ્યું છે,આવાં પ્રયત્ન દ્વારા યુવાનોમાં નવો જોષ અને ઉમંગ જોવાં મળી રહ્યો છે, હવે આદિવાસી યુવાનો પોતાનું ટેલેન્ટ યેનકેન રીતે બહાર લાવી રહ્યા છે અને સાંપ્રત સમય સાથે કદમ મિલાવી રહ્યા છે.