
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
જો ડમ્પરનું પૈડું ખાડામાં ફસાયું ન હોત તો ખાડીના પાણીમાં આખે આખું ડમ્પર ગરકાવ થઈ જાત:
રાજપીપળા : નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના ડુમખલ અને કણજી ગામ વચ્ચે આવેલ સૂર્ય નદી પર આવેલા કોઝવે ઉપર ચોમાસામાં ભારે વરસાદ ને કારણે મોટા મોટા ગાબડાં પડી ગયેલ છે જેને લઇ તંત્ર ને જાણ પણ કરવા માં આવી છે અને મોટા પૂલ ની માંગણી પણ કરવામાં આવી છે, પરંતુ તંત્રની આંખ ના ઊંઘડતા અને કામગીરીની બેદરકારી ને કારણે રસ્તાઓમાં અને કોઝવે પર ગાબડાં પડી ગયા છે, જેના કારણે અકસ્માતની મોટી હોનારત થતી બચી હતી. ડમ્પરનું પૈડું કોઝવે પર પડેલા મોટા ભુવામાં પડતા ડમ્પર ખાડી તરફ નમી જતા અંદર બેઠેલા ડ્રાઈવર અને ક્લીનર ગભરાટના માર્યા ખાડીના પાણીમાં કુદી પડ્યા હતા. સદનસીબે બંનેનો આબાદ બચાવ થયો હતો. જો આખું ડમ્પર કોઝવેની ખાડીના પાણીમાં ગરકાવ થયું હોત તો મોટી દુર્ઘટના સર્જાવાના શક્યતાઓ હતી. સ્થાનિક લોકોના આક્ષેપ છે કે બાંધકામ વિભાગ દ્વારા બારોબાર બહારના કોન્ટ્રાકટર ને કામગીરી આપી દેવાના કારણે પૂરતી ગ્રાન્ટ ના બજેટ માંથી કોઝવે બનતા નથી, અને જરૂરિયાત મુજબ સારા મટીરિયલ નો પણ ઉપયોગ થતો નથી, જેના કારણે રોડ પર અકસ્માત ની ઘટના બની શકે છે. ડુમખલ થી કણજી વાંદરી ગામ વચ્ચે રોજ ની 20 થી 25 પેસેન્જર ગાડીઓ દેડીયાપાડા જવા માટે નીકળે છે અને આવે છે તો કાલ ઉઠી મોટો કોઈ અકસ્માત બનશે તો જવાબદાર કોણ ?? એ ત્યાંના સ્થાનિક લોકો માટે સૌથી મોટો પ્રશ્ન છે. માટે આ તરફના ખખડધજ માર્ગોની વહેલી તકે મરામત થાય તેવી સ્થાનિકો ની માંગ ઉઠી છે.