શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
રાજપીપલા :- ગુજરાત રાજ્ય કાનૂની સેવા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેનશ્રી એન.પી.ચૌધરીનાં અધ્યક્ષસ્થાને નર્મદા જિલ્લાની તમામ અદાલતોમાં તા. ૨૬ મી સપ્ટેમ્બર,૨૦૨૦ ને શનિવારના રોજ ઇ-લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઇ-લોક અદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસો, એનઆઇ એક્ટ કલમ ૧૩૮, મની રિકવરીનાં કેસો, એમએસીટી કેસો, મજૂર વિવાદ હેઠળના કેસો, વીજળી અને પાણીના બિલના કેસો ( બિન સમાધાન લાયક સિવાયનાં) લગ્ન વિવાદો ( છૂટાછેડા સિવાયના કેસો), જમીન સંપાદનના કેસો, સેવા સંબંધિત બાબતો જેવી કે પગાર અને ભથ્થા અને નિવૃત્તિ લાભો, મહેસૂલ કેસો અને અન્ય નાગરિક કેસો (ભાડુ,ભરણપોષણ દ્વારા ઇઝમેન્ટરી રાઇટસ, મનાઇ હુકમ અન્ય વિશિષ્ટ કેસો) સમાધાન માટે મૂકી શકાશે.
આ ઇ-લોક અદાલતમાં કોવીડ-૧૯ ના કારણે પક્ષકારો, વકીલો અને કોર્ટનાં કર્મચારીગણ અને ન્યાયાધીશોમાં કોરોનાનું સંક્રમણ ના ફેલાય તે સારૂ આ તમામને અદાલતમાં પ્રત્યક્ષ હાજર રાખ્યા વગર વિડીયો કોન્ફરન્સનાં માધ્યમનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે.
ઇ-લોક અદાલત બાબતે વધુ જાણકારી મેળવવા માંગતા હોય તેવા લોકોએ નર્મદા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ અથવા જે તે તાલુકામાં કાર્યરત એવી તાલુકા કાનૂની સેવા સમિતિની કચેરીનો સંપર્ક સાધવાનો રહેશે, જેમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, નર્મદા અને તાલુકા કાનુની સેવા સમિતિ, રાજપીપલા માટે ફોન નં. (૦૨૬૪૦)-૨૨૦૨૯૪ તેમજ સંબંધિત તાલુકા સેવા સમિતિમાં દેડીયાપાડા માટે ફોન નં. (૦૨૬૪૯)-૨૩૪૦૦૪, સાગબારા માટે ફોન નં. (૦૨૬૪૯)-૨૫૫૨૫૦, તિલકવાડા માટે ફોન નં. (૦૨૬૬૧)-૨૬૬૧૨૩ અને ગરૂડેશ્વર માટે ફોન નં.(૦૨૬૪૦)-૨૩૭૦૪૪ છે, જેની સંબંધકર્તા તમામને નોંધ લેવા શ્રી જે.એ.રંગવાલા, સચિવશ્રી, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નર્મદા-રાજપીપલા તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.