શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનિતા રજવાડી
નેત્રંગ: પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ વિરામ લીધો હતો, પરંતુ ફરી મેઘરાજાનું ધમાકેદાર અને તોફાની ગાજ- વીજ સહિત એન્ટ્રી થતાં ગ્રામ્ય વિસ્તારમાં તેમજ બજારોમાં ચારેય બાજુ પાણી ફરી વળતા, જળ બંબાકારની સ્થિતિ સર્જાય હતી, અને ખેડૂતોનાં પાકો જેવા કે ડાંગર, સોયાબીન, મગફળીનાં પાકો સુકાવા લાગ્યા હતા, તેમને જીવન દાન મળતા ખેડુત પુત્રોમાં આનંદ વ્યાપી જવા પામ્યો હતો, મોસમના કુલ વરસાદમાં ૬૫.૮૩ ઇંચ વરસાદ સહિત નેત્રંગ તાલુકામા નદી – નાળા, ચેકડેમ, તળાવો છલકાઈ ગયા હતા, અને બલદવા, પીંગોટ, અને ધોલી ડેમના સરેરાશ વરસાદ પડ્યો હતો.
જેમાં નેત્રંગ તાલુકાના અમુક ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગનાં કારણે ઘણું નુકસાન પણ થવા પામ્યું છે, જેમાં નેત્રંગ તાલુકામાં મેઘરાજાનું વીજળીના કડાકા – ભડાકા સહિત આગમન થતાં નાનાજાંબુડા ગામે વીજળી પડતાં એક મહિલા સહિત બે બળદોનાં મોત નીપજ્યા હતા, જેમાં નાનાજાંબુડા ગામના સુકલીબેન મગનભાઈ વસાવા (ઉ.૫૦) નાં ખેતરમાં મહુડાનાં ઝાડ સાથે બે બળદો બાંધ્યા હતા, બપોરના સમયે ધોધમાર વરસાદ પડતાં મહુડાના ઝાડ સાથે બાંધેલા બળદો છોડવા જતા અચાનક વીજળી પડતાં મહિલા સહિત બે બળદોનાં મોત નિપજતાં પરિવારમાં અને ગ્રામજનોમાં શોકનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો, આ બાબતે સ્થાનિક તંત્રને લેખિતમાં જાણ કરતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.