શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જન વસાવા
નીતિ આયોગના પેરામીટર્સ અને દિશા નિર્દેશ મુજબ બેન્કિંગ સેવાઓથી વંચિત રહેલાઓ માટે ગામડે-ગામડે જાગૃતિ શિબિરો થકી નાણાંકીય સાક્ષરતા કેળવવા જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીનો અનુરોધ:
જિલ્લા કલેકટરશ્રી કોઠારીના અધ્યક્ષપદે એસ્પિરેશનલ ડિસ્ટ્રીકટ અન્વયે TFIIP અમલીકરણ સમિતિની યોજાયેલી સમીક્ષા બેઠક:
રાજપીપલા, શુક્રવાર:- એસ્પિરેશનલ ડિસ્ટ્રીકટ અંતર્ગત જિલ્લા કલેકટરશ્રી મનોજ કોઠારીના અધ્યક્ષપદે તાજેતરમાં રાજપીપલા કલેકટરાલય ખાતે યોજાયેલી ટાર્ગેટેડ ફાઇનાન્સીયલ ઇન્ટરવેન્શન પ્રોગ્રામ (TFIIP) અમલીકરણ સમિતિની બેઠકને સંબોધતા શ્રી કોઠારીએ નર્મદા જિલ્લાની તમામ બેઠકોને કેન્દ્રિય નીતિ આયોગના પેરામીટર્સ અને દિશા નિર્દેશ મુજબ જિલ્લામાં હજુપણ બેન્કીંગ સેવાઓથી વંચિત રહેલા લોકોને આ સેવાઓ હેઠળ આવરી લેવા માટે ગામડે-ગામડે જાગૃતિ શિબિરો યોજવા અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાકીય લાભો હેઠળ લક્ષિત જૂથને આવરી લઇ જિલ્લાને ફાળવાયેલ લક્ષ્યાંક પરિપૂર્ણ કરી ૧૦૦ ટકા સિધ્ધિ હાંસલ થાય તે દિશામાં તમામ બેન્કોને કટિબધ્ધ થવા ખાસ અનુરોધ કર્યો હતો.
બેન્ક ઓફ બરોડોના ડેપ્યુટી જનરલ મેનેજરશ્રી ગોયેલ, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયાના ડેપ્યુટી જનરલ મેનેજરશ્રી પુષ્પેન્દ્ર ગૃપ્તા, પંજાબ નેશનલ બેન્કના ડેપ્યુટી જનરલ મેનેજરશ્રી ચીતરંજન,યુનિયન બેન્ક ઓફ ઇન્ડીયાના ડેપ્યુટી જનરલ મેનેજરશ્રી સત્યજીત મોહંતી, નાબાર્ડના ડેપ્યુટી જનરલ મેનેજરશ્રી અંનત વરધમ, લીડ બેન્ક ઓફિસરશ્રી ગોંવિદભાઇ પ્રજાપતિ સહિતના સમિતિના સભ્યશ્રીઓની ઉપસ્થિતિઓમાં યોજાયેલી ઉક્ત બેઠકને સંબોધતા જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીએ જિલ્લામાં પ્રધાનમંત્રી સુરક્ષા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વિમા યોજના, અટલ પેન્શન યોજના, સુકન્યા સમૃધ્ધિ યોજના, પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના તેમજ જનધન યોજના હેઠળની કામગીરી પૂર્ણ કરી શતઃ પ્રતિશત લક્ષ્યાંક સિધ્ધિ હાંસલ થાય તે જોવાની જરૂરીયાત ઉપર શ્રી કોઠારીએ ખાસ ભાર મુક્યો હતો.