શિક્ષણ-કેરિયર

ડાંગના આદિવાસી વિધાર્થીઓની શિક્ષણ ક્ષેત્રે હરણફાળ:

સંતોકબા ધોળકિયા વિદ્યામંદિર, માલેગામના ૧૦ વિદ્યાર્થીઓએ MBBSમાં તથા ૩ વિદ્યાર્થીઓએ SVNIT સુરતમાં પ્રવેશ મેળવી સર્જી અનોખી સિદ્ધિ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

ડાંગના આદિવાસી વિધાર્થીઓની શિક્ષણ ક્ષેત્રે હરણફાળ:

સંતોકબા ધોળકિયા વિદ્યામંદિર, માલેગામના ૧૦ વિદ્યાર્થીઓએ MBBSમાં તથા ૩ વિદ્યાર્થીઓએ SVNIT સુરતમાં પ્રવેશ મેળવી સર્જી અનોખી સિદ્ધિ:

દિનકર બંગાળ, આહવા: ડાંગ જિલ્લાના માલેગામ ખાતે કાર્યરત પ્રયોશા પ્રતિષ્ઠાન સંસ્થા સંચાલિત સંતોકબા ધોળકિયા વિદ્યામંદિરે ગ્રામ્ય વિસ્તારના આદિવાસી વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ આપીને શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.

સમગ્ર ગુજરાત રાજ્યમાં ગ્રામ્ય કક્ષાની એકમાત્ર એવી શાળા તરીકે સંતોકબા ધોળકિયા વિદ્યામંદિરના એક સાથે ૧૦ વિદ્યાર્થીઓએ MBBSમાં પ્રવેશ મેળવ્યો છે, જ્યારે ૩ વિદ્યાર્થીઓએ SVNIT, સુરત ખાતે પ્રવેશ મેળવી શાળાનું, ડાંગ જિલ્લાનું તથા સમગ્ર આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું છે.

આ ગૌરવપૂર્ણ સિદ્ધિને બિરદાવવા તા. ૧૧ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ ગાંધીનગર ખાતે વિદ્યાર્થીઓએ રાજ્યના મહાનુભાવોની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ડાંગના ધારાસભ્ય તથા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ, સંસ્થાના પ્રેરક પી.પી. સ્વામીજી તથા શૈક્ષણિક કૉર્ડિનેટર શ્રી સવજીભાઈ પટેલ વિદ્યાર્થીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા. મુલાકાત દરમિયાન પ્રયોશા પ્રતિષ્ઠાનની શૈક્ષણિક પ્રવૃત્તિઓ અંગે પણ પૂરક માહિતીની આપલે કરવામાં આવી હતી.

દરમિયાન રાજભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા વિદ્યાર્થીઓનું આત્મીય સ્વાગત કરી તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. વિદ્યાર્થીઓ માટે રાજભવન ખાતે ચા-નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. રાજ્યપાલશ્રીએ ડાંગના આદિવાસી વિદ્યાર્થીઓએ શિક્ષણ ક્ષેત્રે મેળવેલી આ સિદ્ધિને બિરદાવી તેમને ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે વિદ્યાર્થીઓને ગુજરાત વિધાનસભાની મુલાકાત કરાવી વિધાનસભાની કાર્યવાહી અને લોકશાહી વ્યવસ્થાની કામગીરીથી પરિચિત કરાવ્યા હતા. નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓ માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે ગુજરાત સરકારના શિક્ષણ મંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમન વાજા તથા શ્રીમતી રિવાબા જાડેજાએ વિદ્યાર્થીઓની સિદ્ધિને સમગ્ર શિક્ષણ જગત માટે ગૌરવરૂપ ઘટના ગણાવી શુભેચ્છાઓ પાઠવી હતી. આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી શ્રી નરેશભાઈ પટેલે આ સિદ્ધિને સમગ્ર આદિવાસી સમાજ માટે ગૌરવરૂપ ગણાવી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. મંત્રીશ્રી તથા ગુજરાત સરકારના પ્રવક્તા શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા વિદ્યાર્થીઓને ખેસ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત મંત્રીશ્રીઓ પ્રફુલભાઈ પાનસેરિયા, કૌશિકભાઈ વેકરિયા, પૂનમભાઈ બરંડા અને પ્રવીણભાઈ માળી સહિતના મહાનુભાવોએ પણ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ વિદ્યાર્થીઓને પોતાની ચેમ્બરમાં બેસાડી તેમની અભ્યાસયાત્રા અંગે માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

ત્યારબાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ વિદ્યાર્થીઓ સાથે આત્મીય મુલાકાત કરી તેમની અભ્યાસસિદ્ધિ અંગે માહિતી મેળવી આનંદ વ્યક્ત કર્યો હતો અને તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

સંસ્થાના પ્રેરક શ્રી પી.પી. સ્વામીજીએ વિદ્યાર્થીઓની આ સિદ્ધિ અંગે આનંદ વ્યક્ત કરતાં વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા તેમજ આ સિદ્ધિ પાછળ શિક્ષકોની મહેનતને બિરદાવી હતી. તેઓ આદિવાસી વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ગુણવત્તાસભર શિક્ષણ આપવાનો સેવા યજ્ઞ ચલાવી રહ્યા છે. તેમનો દૃઢ વિશ્વાસ છે કે આદિવાસી સમાજની પ્રગતિ અને વિકાસનો સૌથી મજબૂત પાયો શિક્ષણ છે. કોઈપણ પ્રતિભાશાળી આદિવાસી વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણથી વંચિત ન રહે તે માટે સંસ્થા સતત પ્રયત્નશીલ છે અને આ સિદ્ધિ તેના સકારાત્મક પરિણામરૂપે સામે આવી છે.

ડાંગ જેવા આદિવાસી અને ગ્રામ્ય જિલ્લામાંથી વિદ્યાર્થીઓએ તબીબી તથા ટેકનિકલ ક્ષેત્રે ઉચ્ચ શિક્ષણ માટે મેળવેલી આ સફળતા અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બની છે. સંતોકબા ધોળકિયા વિદ્યામંદિરના વિદ્યાર્થીઓની આ સિદ્ધિ માત્ર શાળાની નહીં, પરંતુ સમગ્ર ડાંગ જિલ્લા અને આદિવાસી સમાજના ગૌરવમાં વધારો કરતી ઐતિહાસિક સિદ્ધિ બની છે. સમગ્ર મુલાકાતમાં શાળા આચાર્યા સુશ્રી જાગૃતિબેન સાવંત એ પણ સાથે રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है