
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યૂઝ ૨૪x૭ વેબ પોર્ટલ
સાપુતારા પોલીસના નાક નીચે દારૂની મહેફિલોનો નંગો નાચ, દારૂબંધી બની મજાક:
ગાંધીના ગુજરાતમાં દારૂની ખાલી બોટલો બોલી, સાપુતારા પોલીસ બની મોનીબાબા:
દિનકર બંગાળ, આહવા: મહાત્મા ગાંધીના નામે દારૂબંધીની મોટી મોટી વાતો કરતું ગુજરાત જ્યારે નૈતિકતાના પાઠ ભણાવે છે, ત્યારે એ જ ગુજરાતનુ એકમાત્ર ગિરિમથક સાપુતારામાં કાયદો-વ્યવસ્થાનું નિર્લજ્જ નગ્ન નૃત્ય ચાલે છે. દારૂબંધીના ઢોલ વગાડતી સરકાર સામે સાપુતારાના ઈકો પોઇન્ટ પર પડેલી દારૂની ખાલી બોટલો મૌન છતાં કટાક્ષ કરતી જોવા મળે છે.
આ બોટલો માત્ર કાચ નથી, એ કાયદાની શરમજનક શવપેટી છે. પ્રવાસનનું ગૌરવ ગણાતું અને હજારો પ્રવાસીઓની અવરજવર ધરાવતું જાહેર સ્થળ દારૂની મહેફિલોનું એપી સેન્ટર બની જાય અને પોલીસ આંખ મીંચી બેઠી રહે એ ઘટના નહીં, પરંતુ પ્રશાસનિક પતનની ઘોષણા છે.
સૌથી વધુ આશ્ચર્યજનક અને લાજવંતી હકીકત એ છે કે, આ સમગ્ર દારૂની દહાડ જ્યાં મચી છે તે સ્થળ સાપુતારા પોલીસ સ્ટેશનથી ફક્ત ૧.૫ કિલોમીટર દૂર આવેલું છે. પોલીસની નાક નીચે દારૂ વહે અને પોલીસને સુગંધ પણ ન આવે એ વાત અચરજજનક નહીં પરંતુ શંકાસ્પદ છે. અહીં બેદરકારી છે કે પછી સાપુતારા પોલીસની મૌન સહભાગિતા?
મહારાષ્ટ્રની સરહદે વસેલું સાપુતારા દારૂબંધી માટે હંમેશા સંવેદનશીલ વિસ્તાર ગણાય છે. છતાં અહીં જો દારૂ ખુલ્લેઆમ પીવામાં આવે, બોટલો આમતેમ ફેંકાય અને કોઈ કાર્યવાહી ન થાય તો સ્પષ્ટ થાય છે કે દારૂબંધી કાયદો ફક્ત કાગળનો વાઘ બની ગયો છે.
થોડા દિવસો પહેલાં શામગહાન વિસ્તારમાં જુગારના અહેવાલો છપાયા ત્યારબાદ પોલીસ હરકતમાં આવી હતી. આ પરથી સવાલ ઊભો થાય છે. શું સાપુતારા પોલીસ અખબારી શીર્ષકોને જ કાયદાની કલમ માને છે? શું પોલીસની ફરજ “સેવા, શાંતિ, સુરક્ષા” નહીં પરંતુ “સમાચાર આવ્યા પછી હરકત” બની ગઈ છે?
કહેવાય છે કે “કાનૂનના હાથ લાંબા હોય છે”, પરંતુ સાપુતારામાં તો કાયદાના હાથ બાંધેલા, આંખો બંધ અને મોઢું સીલ કરેલું લાગે છે. અહીં કાયદો જીવતો નથી નાટકરૂપે હાજર છે.
આ ઘટના એ પ્રશ્નને ફરી એકવાર જીવંત કરે છે કે, ગાંધીના ગુજરાતમાં દારૂબંધી ખરેખર અમલમાં છે કે પછી ફક્ત રાજકીય ભાષણોની શોભા વધારવા માટે છે.



