
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ ૨૪x૭ વેબ પોર્ટલ
સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થયુ છે, આ ૨૦૨૫ ના બજેટ સત્રમાં 1 ફેબ્રુઆરીના રોજ સામાન્ય બજેટ રજૂ કરવામાં આવશે. બજેટ સત્રનો પહેલો તબક્કો 13 ફેબ્રુઆરી સુધી ચાલશે, જ્યારે બીજો તબક્કો 10 માર્ચથી શરૂ થશે અને 4 એપ્રિલ સુધી ચાલશે.
2025ના બજેટ સત્રની શરૂઆતમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું ભાષણ
ભૌગોલિક, સામાજિક કે આર્થિક રીતે વ્યાપક વિકાસ તરફ સરકાર મિશન મોડમાં આગળ વધી રહી છે: પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રીએ ઝડપી વિકાસ પ્રાપ્ત કરવા માટે સુધારા, કામગીરી અને પરિવર્તનના મહત્વ પર ભાર મૂક્યો
રાજ્ય અને કેન્દ્ર સરકારોએ સાથે મળીને કામગીરી કરવી જોઈએ, જનભાગીદારી પરિવર્તન તરફ દોરી જશે: પ્રધાનમંત્રી
આગામી 25 વર્ષ સમૃદ્ધ અને વિકસિત ભારત પ્રાપ્ત કરવા માટે સમર્પિત રહેશે: પ્રધાનમંત્રી
નવી દિલ્હી: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંસદ પરિસરમાં 2025ના બજેટ સત્રની શરૂઆત પહેલાં મીડિયાને સંબોધન કર્યું. સમૃદ્ધિની દેવી મા લક્ષ્મીને નમન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે બજેટ સત્રની શરૂઆતના પ્રસંગે બુદ્ધિ, સમૃદ્ધિ અને કલ્યાણ પ્રદાન કરનારી મા લક્ષ્મીને યાદ કરવાનો રિવાજ છે. તેમણે દેશના દરેક ગરીબ અને મધ્યમ વર્ગના સમુદાય પર મા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ માટે પ્રાર્થના કરી. सिद्धिबुद्धिप्रदे देवि भुक्तिमुक्तिप्रदायिनि। मंत्रपूते सदा देवि महालक्ष्मि नमोस्तुते।
{માતા લક્ષ્મી આપણને સિદ્ધિ અને વિવેક આપે છે, સમૃદ્ધિ આપે છે અને કલ્યાણ પણ કરે છે. હું મા લક્ષ્મીને પ્રાર્થના કરું છું કે દેશના દરેક ગરીબ અને મધ્યમ વર્ગના સમુદાય પર મા લક્ષ્મીના આશીર્વાદ રહે.}
ભારતે તેના પ્રજાસત્તાકના 75 વર્ષ પૂર્ણ કર્યા છે, જે દરેક નાગરિક માટે ખૂબ જ ગર્વની વાત છે તે વાત પર ભાર મૂકતા શ્રી મોદીએ કહ્યું કે, આ સિદ્ધિ લોકશાહી વિશ્વમાં પણ એક વિશેષ સ્થાન ધરાવે છે, જે ભારતની શક્તિ અને મહત્વ દર્શાવે છે.
પ્રધાનમંત્રીએ દેશના લોકોનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, તેઓએ ત્રીજી વખત સરકાર બનાવવાની જવાબદારી સોંપી છે. તેમણે જણાવ્યું કે આ તેમના ત્રીજા કાર્યકાળનું પ્રથમ પૂર્ણ બજેટ સત્ર છે અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે 2047 સુધીમાં, જ્યારે ભારત સ્વતંત્રતાના 100 વર્ષની ઉજવણી કરશે, ત્યારે રાષ્ટ્ર વિકસિત દેશ બનવાનું લક્ષ્ય પ્રાપ્ત કરી લેશે. તેમણે ભાર મૂક્યો કે આ બજેટ સત્ર નવો આત્મવિશ્વાસ અને ઉર્જાનો સંચાર કરશે, જે સુનિશ્ચિત કરશે કે 140 કરોડ નાગરિકો સામૂહિક રીતે આ સંકલ્પને પૂર્ણ કરશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ત્રીજા કાર્યકાળમાં, સરકાર ભૌગોલિક, સામાજિક કે આર્થિક રીતે વ્યાપક વિકાસ તરફ મિશન મોડમાં આગળ વધી રહી છે. તેમણે કહ્યું કે નવીનતા, સમાવેશ અને રોકાણ સતત દેશના આર્થિક રોડમેપનો પાયો રહ્યા છે. શ્રી મોદીએ ઉલ્લેખ કર્યો કે આ સત્રમાં ઘણા ઐતિહાસિક બિલો અને દરખાસ્તો પર ચર્ચા કરવામાં આવશે, જેનાથી રાષ્ટ્રને મજબૂત બનાવનારા કાયદા બનશે. તેમણે મહિલાઓના ગૌરવને પુનઃસ્થાપિત કરવાના, દરેક મહિલા માટે સમાન અધિકારો સુનિશ્ચિત કરવાના અને ધાર્મિક અને સાંપ્રદાયિક ભેદભાવોથી મુક્ત થવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે આ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે આ સત્રમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવશે. પ્રધાનમંત્રીએ ઝડપી વિકાસ હાંસલ કરવા માટે સુધારા, કામગીરી અને પરિવર્તનના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે નોંધ્યું કે રાજ્ય અને કેન્દ્ર સરકારોએ કામગીરી કરવા માટે સાથે મળીને કામ કરવું જોઈએ, અને જનભાગીદારી પરિવર્તન તરફ દોરી જશે.
પ્રધાનમંત્રીએ તે વાત પર જોર આપતા કહ્યું કે, ભારત એક યુવા રાષ્ટ્ર છે જેમાં અપાર યુવા શક્તિ છે, આજે 20-25 વર્ષની વયના યુવાનો 45-50 વર્ષની ઉંમરે પહોંચશે ત્યારે વિકસિત ભારતના સૌથી મોટા લાભાર્થી બનશે. તેઓ નીતિ નિર્માણમાં મુખ્ય હોદ્દા પર હશે અને આગામી સદીમાં વિકસિત ભારતનું ગર્વથી નેતૃત્વ કરશે. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવાના પ્રયાસો વર્તમાન કિશોરો અને યુવા પેઢી માટે એક મહત્વપૂર્ણ ભેટ હશે. તેમણે આની તુલના 1930 અને 1940ના દાયકામાં સ્વતંત્રતા માટે લડનારા યુવાનો સાથે કરી, જેમના પ્રયાસોથી 25 વર્ષ પછી સ્વતંત્રતાની ઉજવણી થઈ. તેવી જ રીતે આગામી 25 વર્ષ સમૃદ્ધ અને વિકસિત ભારત પ્રાપ્ત કરવા માટે સમર્પિત રહેશે, એમ તેમણે ઉમેર્યું. પ્રધાનમંત્રીએ આ બજેટ સત્ર દરમિયાન તમામ સાંસદોને વિકસિત ભારતના વિઝનને મજબૂત બનાવવામાં યોગદાન આપવા હાકલ કરી. તેમણે કહ્યું કે યુવા સાંસદો માટે આ એક સુવર્ણ તક છે, કારણ કે ગૃહમાં તેમની સક્રિય ભાગીદારી અને જાગૃતિ તેમને વિકસિત ભારતના પરિણામો જોવાની તક આપશે.
પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરી કે બજેટ સત્ર રાષ્ટ્રની આકાંક્ષાઓ પૂર્ણ કરશે. તેમણે કહ્યું કે 2014 પછી આ કદાચ પહેલું સંસદીય સત્ર છે, જેમાં સત્ર પહેલા વિદેશી સ્ત્રોતો દ્વારા કોઈ ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો નથી. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી કે છેલ્લા 10 વર્ષથી, દરેક સત્ર પહેલા હંમેશા ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, અને એવા લોકોની કોઈ કમી નથી જે આ આગને હવા આપવા માટે હંમેશા તૈયાર જ હોય છે. જોકે, તેમણે કહ્યું કે છેલ્લા દાયકામાં આ પહેલું સત્ર છે જ્યાં કોઈ પણ વિદેશી ખૂણેથી આવી કોઈ ખલેલ પહોંચાડવામાં આવી નથી.