શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ રિપોર્ટર: પ્રદીપભાઈ સાપુતારા
ડાંગ સ્વરાજ આશ્રમના 76માં સ્થાપના દિવસની ઉજવણી કરાઈ:
આહવા: ‘ આઝાદી કા અમૃત મહોત્સવ’ ના ભાગરૂપે ડાંગમાં શિક્ષણ અને સંસ્કારની જ્યોત પ્રજ્વલિત કરનાર ડાંગ સ્વરાજ આશ્રમનો 76મો સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.
તારીખ 7મી સપ્ટેમ્બરે આશ્રમના સ્થાપના દિવસની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત આશ્રમ વિદ્યાલયના બાળકોએ સુત્રોચાર સાથે પ્રભાત ફેરી સાથે આશ્રમમાં સ્થપાયેલ પ્રથમ કુટીર ખાતે એકત્રિત થઈ વડીલોને પુષ્પો અર્પણ કર્યા હતા. ત્યારબાદ આશ્રમના પ્રાર્થના ખંડમાં ટ્રસ્ટ દ્વારા સ્થપાયેલી સ્વ.શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ, છોટુભાઈ નાયક અને મોરાજી દેસાઈની પ્રતિમાઓને પુષ્પ અર્પણ કરી તથા વિદ્યાર્થીઓ દ્વારા સ્વતંત્ર સેનાની સામાજિક કાર્યકર્તા એવા સ્વ. શ્રી ઘેલુભાઈ નાયક અને ગાંડાભાઈ પટેલના નિવાસ્થાને જઈ પુષ્પ અર્પણ કરી ભજન કીર્તન કર્યા હતા.
ઈતિહાસના પુસ્તકોનાં પાના પલટાવીએ તો, ડાંગ સ્વરાજ આશ્રમ ડાંગની ઐતિહાસિક શૈક્ષણિક સંસ્થામાની એક સંસ્થા છે. ડાંગમાં શિક્ષણનો પાયો નાખનાર એ ડાંગ સ્વરાજ આશ્રમ છે. આ સંસ્થાના સ્થાપક એવા શ્રી ઘેલુભાઈ નાયક, ધીરુભાઈ નાયક, ગાંડાભાઈ પટેલ તેમજ ટ્રસ્ટી મંડળોનો પરિચય કેતનભાઇ પટેલ દ્વારા આપવામાં આવ્યો હતો.
ડાંગ સ્વરાજ આશ્રમના 76માં સ્થાપના દિને તમામ ટ્રસ્ટી સહિત સામાજિક કાર્યકરો અને આહવાના સરપંચ શ્રી હરિચંદ ભોયે ઉપસ્થિત રહીને સ્થાપના દિવસને યાદગાર બનાવવામાં આવ્યો હતો.
કાર્યક્રમના અંતે શાળાના શિક્ષક શ્રી ચેતનભાઇ ચોર્યાએ આભાર વિધિ કરી અંતે રાષ્ટ્રગીત સાથે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.