
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
ગુજરાતનાં ગાંધીનગરમાં પરંપરાગત ઔષધ પર સૌ પ્રથમ ડબ્લ્યૂએચઓ ગ્લોબલ સમિટ યોજાશે:
પરંપરાગત ચિકિત્સા પર સૌથી મોટી આંતરરાષ્ટ્રીય ઇવેન્ટનું આયોજન 17 અને 18 ઑગસ્ટના રોજ કરવામાં આવશે:
છેલ્લાં 9 વર્ષમાં ભારતે પરંપરાગત ચિકિત્સાનાં ક્ષેત્રમાં 8 ગણો વિકાસ કર્યો છેઃ કેન્દ્રીય આયુષ સચિવ:
નવી દિલ્હી: આયુષ મંત્રાલય અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા 17 અને 18 ઑગસ્ટ, 2023ના રોજ ગુજરાતનાં ગાંધીનગરમાં બે દિવસીય પરંપરાગત ચિકિત્સા વૈશ્વિક શિખર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચાએ આજે ગાંધીનગર, ગુજરાત ખાતે પરંપરાગત ચિકિત્સા-ઓસડ પર પ્રથમ વૈશ્વિક સમિટ પૂર્વે મીડિયાને માહિતી આપી હતી. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના અધિક સચિવ શ્રી લવ અગ્રવાલે પણ મીડિયાને સંબોધન કર્યું હતું.
કેન્દ્રીય આયુષ સચિવે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ડબ્લ્યૂએચઓ દ્વારા સ્થાપિત ગુજરાતમાં જામનગરમાં પરંપરાગત ઔષધિઓ પરનું ગ્લોબલ સેન્ટર વિકાસશીલ દેશમાં આ પ્રકારનું પ્રથમ કેન્દ્ર છે. તેમણે એવી પણ માહિતી આપી હતી કે, ડબ્લ્યૂએચઓ ગાંધીનગરમાં 17 અને 18 ઑગસ્ટ, 2023ના રોજ આયુષ મંત્રાલય દ્વારા સહ-યજમાન તરીકે આયોજિત પરંપરાગત ઔષધિ ગ્લોબલ સમિટનું આયોજન કરશે, જે સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલ પડકારોનું સમાધાન કરવા અને વૈશ્વિક સ્વાસ્થ્ય અને સ્થાયી વિકાસમાં પ્રગતિને વેગ આપવા માટે પરંપરાગત, પૂરક અને સંકલિત ઔષધિઓની ભૂમિકા ચકાસશે.
આયુષમાં સાકલ્યવાદી હેલ્થકેર અંગેના એક પ્રશ્નના જવાબમાં શ્રી વૈદ્ય કોટેચાએ જણાવ્યું હતું કે, પરંપરાગત ચિકિત્સા પ્રણાલીઓ પર કામ બહુવિધ પ્લેટફોર્મ્સ પર અનેક દિશામાં ચાલી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, મુખ્યધારાની આરોગ્ય સંભાળની સાથે સાથે આજે આયુષ ક્ષેત્રમાં કૅન્સર, ટીબી, ચેપી રોગો જેવા રોગોને અને મહિલા અને બાળ સ્વાસ્થ્યને વૈજ્ઞાનિક અભિગમ સાથે હાથ ધરવા માટે પુરાવા આધારિત સંશોધન કરવામાં આવી રહ્યું છે.
શ્રી વીડી કોટેચાએ મીડિયાકર્મીઓને સંબોધતા જણાવ્યું હતું કે, “જી-20 પરંપરાગત ચિકિત્સાનાં ક્ષેત્રમાં ભારતનાં નેતૃત્વને પ્રદર્શિત કરવાની એક અનોખી તક છે. છેલ્લાં 9 વર્ષમાં ભારતે પરંપરાગત ચિકિત્સાનાં ક્ષેત્રમાં આઠ ગણો વિકાસ કર્યો છે. વર્ષના અંત સુધીમાં સમગ્ર દેશમાં 12,500થી વધારે આયુષ-આધારિત આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો કાર્યરત થઈ જશે, જેમાંથી 8,500 કેન્દ્રો કાર્યરત થઈ ચૂક્યાં છે.”
ચર્ચા દરમિયાન વૈદ્ય કોટેચાએ જણાવ્યું હતું કે, આયુષ વિઝા ભારતીય પરંપરાગત ચિકિત્સા પ્રણાલીઓની વૈશ્વિક સુલભતાની સુવિધા આપશે અને વ્યાપક હેલ્થકેરના નવા યુગની શરૂઆત કરશે. તેમણે ઉમેર્યું હતું કે, આ સમિટની સૌથી નોંધપાત્ર વિશેષતાઓમાંની એક આયુષ એક્ઝિબિશન ઝોન છે, જે એક એવું આકર્ષણ છે, જે ચૂકવા જેવું નથી. તે નવીન અને ઇન્ટરેક્ટિવ કિઓસ્ક સાથે લીન અનુભવ કરાવવાનું વચન આપે છે.
પ્રેસ બ્રીફિંગ દરમિયાન આયુષ સચિવે પરંપરાગત ઓસડ પર સૌથી મોટા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન કરવામાં ભારત સરકાર અને ડબ્લ્યૂએચઓ વચ્ચેના સહયોગને બિરદાવ્યો હતો. તેમણે ડબ્લ્યૂએચઓ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો, જેનું ઉદ્ઘાટન વર્ષ 2022માં કોઈ પણ વિકાસશીલ દેશમાં સંયુક્ત રાષ્ટ્રની પ્રથમ અને સૌથી મોટી પરંપરાગત ચિકિત્સા આઉટપોસ્ટ સ્વરૂપે થયું હતું.
આ બે દિવસીય કાર્યક્રમમાં 30 દેશોના સ્વાસ્થ્ય મંત્રીઓ સામેલ થશે. તે આ પ્રકારના સૌથી મોટા મેળાવડાઓમાંનું એક હશે તેવી અપેક્ષા છે, જે 90થી વધુ દેશોના સહભાગીઓ, શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિષ્ઠિત સભ્યો, સરકારના પ્રતિનિધિઓ અને પરંપરાગત ચિકિત્સા ક્ષેત્રના નોંધપાત્ર ખેલાડીઓને એકસાથે લાવશે.
શ્રી લવ અગ્રવાલે ભારતનાં હેલ્થકેર ક્ષેત્ર અને તેની પ્રગતિની જાણકારી આપી હતી તેમજ તે જે પડકારોનો સામનો કરી રહ્યું છે અને તેની વર્તમાન પ્રાથમિકતાઓની જાણકારી આપી હતી. ભારતે વર્તમાન જી-20નું પ્રમુખપદ સંભાળ્યું છે, ત્યારે તેમણે હેલ્થકેરમાં રાષ્ટ્રની તાકાત પર પ્રકાશ પાડ્યો હતો અને વૈશ્વિક હેલ્થકેર ક્ષેત્રમાં તેનાં યોગદાનને મહત્તમ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રયાસો કરવા અપીલ કરી હતી.
શ્રી લવ અગ્રવાલે વિશ્વની સુખાકારીમાં ભારતનાં યોગદાનની પ્રશંસા કરી હતી. તેમણે વિશ્વના દૂર-સુદૂરના વિસ્તારોમાં આકાર લઈ રહેલાં ઘણાં યોગ કેન્દ્રો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, જેથી તેમની આરોગ્ય સંભાળમાં વધારો થયો છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારતનો અભિગમ આધુનિક અને આયુષ ઔષધિ મારફતે સંપૂર્ણ હેલ્થકેરનો છે.