શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ , 24×7 વેબ પોર્ટલ
કેવડીયા ટેન્ટસીટી-૨ ખાતે રાજ્યની ૧૦ મી ચિંતન શિબિર મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં યોજાશે:
નર્મદા: પૂર્વ તૈયારીઓના ભાગરૂપે સ્પીપાના ડાયરેક્ટર જનરલશ્રી મહમદ શાહિદ, જિલ્લા કલેક્ટરશ્રી, SOU ના CEO, જિલ્લા પોલીસ વડા અને સી.એમ. સિક્યુરિટીએ સ્થળ મુલાકાતની વિઝિટ કરી તૈયારીઓનું નિરીક્ષણ કર્યું;
રાજપીપલા: રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મંત્રીમંડળના મંત્રીશ્રીઓ, મુખ્ય સચિવશ્રી અને વિવિધ વિભાગોના આઈ.એ.એસ. કેડરના ઉચ્ચ અધિકારીઓ, મ્યુનિસિપલ કમિશ્નર અને રાજ્યના વિવિધ જિલ્લાના કલેક્ટરશ્રીઓ, ડી.ડી.ઓ.શ્રી મળીને અંદાજે ૨૩૦ જેટલા ઉચ્ચ અધિકારીઓ ૧૦ મી ચિંતન શિબિરમાં ભાગ લેશે.
નર્મદા જિલ્લાના કેવડીયા-એકતાનગર ટેન્ટસીટી-૨ ખાતે ત્રણ દિવસ સમૂહ ચિંતન કરી રાજ્યની પ્રગતિ, છેવાડાના માનવીના કલ્યાણ અને રાજ્ય સરકારની યોજનાઓને સુચારૂ રીતે લોકો સુધી પહોંચે અને તેના દ્વારા પ્રજા કલ્યાણના કાર્યોને વેગ આપવા માટે આ ચિંતન શિબિર યોજવામાં આવી છે. આજે એકતાનગર ખાતે સ્પીપાના ડાયરેક્ટર જનરલશ્રી મહમદ શાહિદ (IAS), SOU ના CEO શ્રી ઉદિત અગ્રવાલ, જિલ્લા કલેક્ટરશ્રી શ્વેતા તેવતિયા, જિલ્લા પોલીસ વડાશ્રી પ્રશાંત સુંબે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, પ્રાયોજના વહીવટદારશ્રી હનુલ ચૌધરી, સ્પીપાના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલશ્રી વિજયભાઈ ખરાડી સહિત જિલ્લાની વિવિધ સમિતિના અધિકારીઓએ આજે સમગ્ર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.
રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રાહબરી હેઠળ આગામી તા.૧૯ થી ૨૧ દરમિયાન કેવડિયા ખાતે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સમૂહ ચિંતન-મંથન કરીને ગુજરાતના વિકાસને વેગ આપવા શિક્ષણ, આરોગ્ય, પંચાયત, વહીવટી સેવાને લગતા વિષયો ઉપર મનોમંથન કરીને રાજ્યના વિકાસને વધુ વેગવાન બનાવવાના ઉમદા આશય સાથે ચિંતન-મનન કરશે અને વિવિધ ગૃપો દ્વારા વિષય નિષ્ણાંતો દ્વારા પ્રેરક માર્ગદર્શન આપશે. ચર્ચા વિચારણના અંતે નિષ્કર્ષ-તારણો પ્રેઝન્ટેશન મારફત રજૂ કરાશે.
ચિંતન શિબિરની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવા માટે અધિક નિવાસી કલેક્ટરશ્રી સી.એ.ગાંધી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે.જાદવ, પ્રાંત અધિકારીશ્રી શૈલેષ ગોકલાણી અને શ્રી આનંદ ઉકાણી, નાયબ કલેક્ટર પ્રોટોકોલ એન.એફ.વસાવા, વિવિધ સમિતિઓના અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ સહિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીના અધિકારીશ્રીઓ હાજર રહ્યાં હતા.
રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા