શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
વિધાનસભા ગૃહમાં આપ ના ધારાસભ્ય ચૈતર વસાવાએ આરોગ્ય મંત્રીને પ્રશ્નો પૂછતા એ અંગેના જવાબો આરોગ્યમંત્રી ઋષિકેશ ભાઈ પટેલે આપ્યા:
દાહોદ અને નર્મદા જિલ્લામાં મળી ડોકટર વર્ગ-૧ની ૧૭૪ અને વર્ગ-૨ની ૩૮૦ જગ્યાઓ મંજૂર થયેલી છે: આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ
બંને જિલ્લાઓમાં મળી છેલ્લા ત્રણ વર્ષમાં કુલ ૧૩૩૧ ડોક્ટરોને નિમણૂક અપાઈ: ડોકટરોની ખાલી જગ્યાઓ માટે નિમણૂકનો અસ્વીકાર, રાજીનામાં અને વયનિવૃત્તિ મુખ્ય કારણ:- મંત્રીશ્રી
રાજ્યમાં ૧૦૦૦ નિયમિત તબીબી અધિકારી વર્ગ-૨ની નિમણૂક માટે જીપીએસસી દ્વારા પસંદગી પ્રક્રિયા હાલ પ્રગતિમાં:
નર્મદા અને દાહોદ જિલ્લાના આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરોના મહેકમ અંગે વિધાનસભા ગૃહ ખાતે પુછાયેલા પ્રશ્નોનો જવાબ આપતા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, દાહોદ જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રોને મળીને વર્ગ-૧ની ૧૧૮ જગ્યાઓ અને વર્ગ-૨ની ૨૯૧ જગ્યાઓ મંજૂર કરવામાં આવેલી છે. જ્યારે નર્મદા જિલ્લાના આરોગ્ય કેન્દ્રોમાં વર્ગ-૧ની કુલ ૫૬ અને વર્ગ-૨ની કુલ ૮૯ જગ્યાઓ મંજૂર કરવામાં આવેલી છે.
સભ્યશ્રી દ્વારા ખાલી મહેકમ અંગે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ આપતા આરોગ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, બંને જિલ્લાઓમાં મળી છેલ્લા ત્રણ વર્ષમાં કુલ ૧૩૩૧ ડોક્ટરોને નિમણૂક આપવામાં આવી હતી, પરંતુ નિમણૂક પામેલા બોન્ડેડ ઉમેદવારો હાજર ન થતા અને હાજર થાય છે. તેમાંથી પણ કેટલાક ઉમેદવારો ઉચ્ચ અભ્યાસ કે અન્ય કારણોસર ચાલ્યા જતા હોવાથી જગ્યાઓ ખાલી પડતી હોય છે. આ ઉપરાંત નિમણૂકનો અસ્વીકાર, રાજીનામાં અને વયનિવૃત્તિ પણ ખાલી જગ્યાઓનું મુખ્ય કારણ છે.
મહેકમની ખાલી જગ્યાઓ ભરવા અંગે વાત કરતા મંત્રી શ્રી પટેલે કહ્યું હતું કે, રાજ્ય સરકારમાં કુલ ૧૦૦૦ નિયમિત તબીબી અધિકારી વર્ગ-૨ ની સીધી ભરતીથી નિમણૂક કરવા માટે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે અને તેની પસંદગી પ્રક્રિયા હાલ પ્રગતિમાં છે. તેમણે ઉમેર્યું હતું કે આ વર્ષ દરમિયાન રાજ્યને વર્ગ-૧ના ૨૩૦૦ જેટલા સ્પેશિયલાઇઝ ડોક્ટરો પણ મળશે. રાજ્ય સરકાર દ્વારા નિયમિત નિમણૂક ઉપરાંત તજજ્ઞ વર્ગ-૧ની ૧૧ માસ માટે કરાર આધારિત નિમણૂક કરવા માટેની સત્તા આરોગ્ય કમિશનર શ્રીને આપવામાં આવી છે. આ ઉપરાંત મેડિકલ કોલેજોમાંથી મોકલાયેલી પીજી બોન્ડેડ ઉમેદવારોની યાદીમાંથી પણ નિમણૂક આપવામાં આવે છે.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, રાજ્ય સરકારે કરેલા નવા ઠરાવથી હવે સીપીએસ થયેલા બોન્ડેડ ઉમેદવારોને પણ તજજ્ઞ વર્ગ-૧ તરીકે એક વર્ષ માટે નિમણૂક આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ટૂંક સમયમાં જ સીપીએસ થયેલા બોન્ડેડ ઉમેદવારોની વર્ગ-૧ માં સેવા લેવામાં આવશે. આરોગ્ય વિભાગે રાજ્યના તમામ નાગરિકોની ચિંતા કરીને દૂર દરાજના વિસ્તારો, આદિવાસી વિસ્તારો, દરિયાઇ વિસ્તારો જેવા સ્થળો ખાતે પણ ડોક્ટરોને નિમણૂક કરવાનો નિર્ધાર કર્યો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
પત્રકાર:- દિનેશ વસાવા દેડિયાપાડા