
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
દેડીયાપાડા ખાતે “રાષ્ટ્રીય દીકરી દિવસ” ની ઉત્સાહભેર ઉજવણી કરાઇ:
નર્મદા જિલ્લાની દિકરીઓ નવી આશા, ઉત્સાહ અને વિશ્વાસથી ભરશે ઉંચી ઉડાન;
આજે દીકરીઓ દેશના વિકાસમાં પોતાની મહત્વપૂર્ણ અને ઉત્સાહભેર ભાગીદારી નોંધાવી રહી છે. રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવાનો આશય પણ દીકરીઓ માટે શિક્ષણ, સ્વાસ્થ્ય, પોષણ સહિત પોતાના અધિકારો વિશે જાગૃત કરી તેમના માટે તકો ઉભી કરવાનો છે, જેથી તેઓ પોતાનુ ભાવી ઉજ્જવળ બનાવીને પોતાની સાથે દેશને પણ ગૌરવાન્વિત થવાનો અવસર પ્રદાન કરે.
ભારત સરકારશ્રીના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા તા.૧૮ થી ૨૪ મી જાન્યુઆરી, ૨૦૨૩ દરમિયાન “રાષ્ટ્રીય દિકરી દિવસ” ની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે નર્મદા જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ આજે દેડીયાપાડા ખાતે જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાષ્ટ્રીય દીકરી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિવિધ વિભાગોએ પણ દીકરીઓના શિક્ષણ, આરોગ્ય, પોષણ, સંરક્ષણ સહિત કાનૂની અધિકારોથી વાકેફ કરવા માટે પોતાની ઉપસ્થિતિ નોંધાવી હતી.
દેડીયાપાડા તાલુકાના કારોબારી સમિતિના અધ્યક્ષશ્રી દક્ષાબેન વસાવાના અધ્યક્ષતામાં યોજાયેલા “રાષ્ટ્રીય દીકરી દિવસ” કાર્યક્રમની ઉજવણી નિમિત્તે કિશોરીઓને “બેટી બચાવો, બેટી પઢાઓ” યોજના, માસિક ધર્મ, મહિલા શિક્ષણ, સ્વાસ્થ્ય, સ્વચ્છતા, સુરક્ષા, મહિલા સ્વાવલંબન સહિત કિશોરીઓને સરકારશ્રીની અનેકવિધ યોજનાઓથી માહિતગાર કરી જાગૃત કર્યા હતા. વધુમાં રમત-ગમત ક્ષેત્રે આગવું સ્થાન મેળવનાર કિસોરીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી ઇ.ચા.જીલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી જે.બી. પરમાર સાહેબશ્રી, ડેડિયાપાડા સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી શ્રીમતી હેમાંગીનીબેન ચૌધરી તથા નીલમબેન ગામીત, મોડેલ હાઈસ્કૂલના આચાર્યશ્રી પ્રિયંકાબેન ચૌધરી, દેડીયાપાડાના પોલીસ સબ ઇન્સપેક્ટરશ્રી લક્ષ્મણભાઈ, જિલ્લા સમાજ સુરક્ષાના પ્રતિનિધિશ્રીઓ સહિત મહિલા અને બાળ વિકાસ વિભાગના કર્મયોગીઓ, અભયમ ૧૮૧, સખી વન સ્ટોપ સેન્ટર તેમજ મોડેલ સ્કૂલના શિક્ષકો-વિદ્યાર્થીઓનીઓ હાજર રહ્યા હતા.
રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા