
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
નર્મદા જીલ્લાએ જિલ્લાને સરકારની યોજના હેઠળ સુખસુવિધાસભર બનાવવાની શ્રેષ્ઠ કામગીરી માટે રાષ્ટ્રીયસ્તરે નામના મેળવીને ગુજરાતની નામના વધારી છે. માળખાકીય સુવિધાઓ અને સગવડો ઓછી છે એવા દેશના 118 જિલ્લાઓમાં વિકાસની ખૂટતી કડીઓ પૂરવા ભારત સરકારની સર્વોચ્ચ સંસ્થા નીતિ આયોગે એસ્પીરેશનલ ડીસ્ટ્રિક્ટ પ્રોગ્રામ અમલમાં મૂક્યો છે.
સમગ્ર દેશના 118 જિલ્લાઓમાં અમલીકરણમાં નર્મદા જિલ્લો અગ્રસ્થાને છે જે ગૌરવ લેવા યોગ્ય બાબત છે.
જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ બાંહેધરી યોજના, મિશન મંગલમ, ડીઆરડીએની તમામ યોજનાકીય/બિન યોજનાકીય ખર્ચ અને બચત, મધ્યાહન ભોજન, અન્ન નાગરિક પુરવઠા, ટ્રાયબલ સબ-પ્લાન, આરોગ્ય, આઇસીડીએસ, લીડ બેન્ક, વોટર શેડ, પાણી પુરવઠા, વાસ્મો, ડીઆઇએલઆર, માર્ગ અને મકાન વિભાગ, શિક્ષણ, આરોગ્ય, કૃષિ-બાગાયત, સિંચાઇ, સહકાર, પશુપાલન, સમાજ સુરક્ષા, નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના, નિરાધાર વિધવા સહાય યોજના, રોજગાર અને તાલીમ, મહિલા અને બાળ વિકાસ, વન વિભાગ, નહેરુ યુવા કેન્દ્ર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ઇ-ગ્રામ યોજના, રમત-ગમત, ખાણ-ખનીજ, એસ.ટી, આરટીઓ, વિજ વિભાગ, નગરપાલિકા વિસ્તાર સહિતના ક્ષેત્રોમાં જિલ્લામાં થયેલી કામગીરીની વિસ્તૃત અને ઝીણવટપૂર્વક સમીક્ષા કરી અમલીકરણ અધિકારીઓને જરૂરી સુચનાઓ સાથે માર્ગદર્શન દિશા મોનીટરીંગ સમિતિ પૂરૂં પાડે છે.
નર્મદા જીલ્લામાં દિશા મોનીટરીંગ સમિતિના અધ્યક્ષશ્રી મનસુખભાઈ વસાવા, સાંસદ ભરૂચ અને નર્મદાનાઓ છે, નર્મદા જિલ્લાની દિશા મોનીટરીંગ સમિતિની બેઠક જિલ્લા-તાલુકાના વરિષ્ઠ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ સાથે દર ત્રણ મહિને યોજાતી હોય છે, આ મીટીંગમાં જિલ્લાના તમામ વિભાગો દ્વારા થયેલી કામગીરીની વિસ્તૃત ચર્ચા સાથે તેની સમીક્ષા થતી હોય છે. આ દિશા મિટીંગમાં બધા જ વિભાગના અધિકારીઓ ઉપરાંત કેટલાંક સામાજિક પ્રતિનિધીઓને પણ આમંત્રિત સભ્યો તરીકે રાખવામાં આવે છે. આ બધા જ લોકો પોતપોતાના વિસ્તારના કોઇપણ વિભાગને લગતા પ્રશ્નોની દિશા સમિતિની બેઠકમાં ચર્ચામાં ભાગ લઇ શકે છે અને જિલ્લાની વિકાસકૂચ સતત જારી રહે તેવા સૂચનો સાથે જરૂરી માર્ગદર્શન પણ આ બેઠકમાં પુરૂં પાડવામાં આવે છે. જિલ્લામાં સરકારશ્રીની તમામ યોજનાકીય બાબતોની અમલવારી કરતા વિભાગો દ્વારા ખૂબ સારી અને ગુણવત્તા સભર કામગીરી કરવા માટે જિલ્લાની દિશા મોનીટરીંગ સમિતિ કાર્યરત રહેતી હોય છે.
દિશા મોનીટરીંગ સમિતિની બેઠક મળવા દ્વારા જિલ્લાના જુદા જુદા વિભાગો હેઠળના યોજનાકીય વિકાસ કામો ગુણવત્તાયુક્ત હાથ ધરાય અને લાભાન્વિત જનસમુદાયને તેના લાભો સમયસર મળી રહે તે માટે જિલ્લા પંચાયત/ તાલુકા પંચાયત/ નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, ચૂંટાયેલા સદસ્યશ્રીઓ સાથે જરૂરી સંકલન અને પરામર્શમાં રહીને વિકાસ કામો હાથ ધરાય તેનુ જીલ્લા લેવલે મોનીટરીંગ રાખતું હોય છે.
પત્રકાર : સર્જનકુમાર વસાવા