શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તન ગામીત
વ્યારા તાલુકા કક્ષા યુવા ઉત્સવ યોજાયો : ૧૭૦ થી વધુ યુવા કલાકારોએ વ્યક્તિગત અને સમૂહમા કલા કૌશલ્ય રજુ કર્યુ..
વ્યારા-તાપી : કમિશ્નર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર આયોજીત જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી તાપી વ્યારા સંચાલિત કે. કે. કદમ કન્યા વિદ્યાલયના સહયોગથી આજરોજ વ્યારા તાલુકા કક્ષા યુવા ઉત્સવ સહાયક માહિતી નિયામક શ્રી નિનેશકુમાર ભાભોરના અધ્યસ્થાને યોજાયો હતો.
યુવા કલાકારોમાં રહેલા કૌશલ્યને બહાર લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા આવા ઉત્સવોનું આયોજન કરવામાં આવે છે. આ યુવા ઉત્સવમાં સમૂહગીત, લગ્ન ગીત, વકતૃત્વ સ્પર્ધા, ચિત્ર, એકપાત્રિય અભિનય, હળવુ કૌશલ્ય, ભજન, નિબંધ જેવી અનેક કલાઓની સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં વ્યારા તાલુકાના વ્યક્તિગત ૭૮ અને ૯૨ સહાયકો મળીને કુલ ૧૭૦થી વધુ કલાકારોએ પોતાની કલા રજુ કરી હતી.
સહાયક માહિતી નિયામક શ્રી નિનેશકુમાર ભાભોરે તમામ કલાકારોને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, સ્પર્ધાઓમાં ભાગ લેવો એ જ મોટી સિધ્ધિ કહેવાય. હાર-જીત મહત્વની નથી. તેમણે તમામ સ્પર્ધકોને ખૂબ જ સ્પર્ધાઓમાં ઉત્સાહ સાથે ભાગ લેવો અનુરોધ કર્યો હતો. સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ દરેકે લેવો જોઈએ. તેમણે યુવા ઉત્સવને પોતાની કલાઓ નિખારવાનો અવસર છે એમ ગણાવી પોતાનામાં રહેલી કલાશક્તિઓ બહાર લાવી ગામ, સમાજ અને રાજ્ય, રાષ્ટ્રને ગૌરવ અપાવવા અનુરોધ કર્યો હતો.
જિલ્લા યુવા વિકાસ અધિકારી અમૃતાબેન ગામીતે તમામ કલાકારોને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, ગાયન-વાદનમાં ભાગ લઈ સિધ્ધિના શિખરો સર કરવાની આ તક છે. પ્રથમ નંબરે આવનાર પ્રદેશકક્ષા, રાજ્યકક્ષા તેમજ રાષ્ટ્ર કક્ષા સુધી પહોંચે છે.
કે કે કદમ કન્યા વિદ્યાલયના આચાર્યા સંગીતાબેન ચૌધરીએ સૌને આવકાર્યા હતા. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાય તે માટે યુવા પ્રાંત અધિકારી મિત ચૌહાણે જહેમત ઉઠાવી હતી. ભરતભાઈ રાણાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.
આ યુવા ઉત્સવમાં રાજ્ય કક્ષાએ નામના મેળવનાર સુરેશભાઈ ચૌધરીનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે કે બી પટેલ શાળાના આચાર્યા, શિક્ષકો, વિદ્યાર્થીઓ, કલાકારો, નિર્ણાયકોએ ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.