શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
“દેશના વિકાસ માટે દેશનું યુવાધન બૌદ્ધિક અને શારીરિક રીતે સક્ષમ હોવું જરૂરી છે અને તે દિશામાં કાકરાપાર અણુવિદ્યુત મથક સતત પ્રયત્નશીલ છે.” :- એમ. વેંકટાચલમ, કાકરાપાર અણુવિદ્યુત મથક, ડિરેક્ટર
કાકરાપાર અણુમથક વૉલીબૉલ ચેમ્પિયનશીપ-૨૦૨૨ ની સ્પર્ધામાં વાલોડ તાલુકાના દેલવાડાની ટીમ ચેમ્પીયન:
વ્યારા-તાપી: કાકરાપાર અણુવિદ્યુત મથકની CSR યોજના અંતર્ગત “કાકરાપાર અણુમથક વૉલીબૉલ ચેમ્પિયનશીપ-૨૦૨૨” નું આયોજન કે.એ.પી.એસ. ટાઉનશીપ, અણુમાલા ખાતે તા.૨૧/૦૫/૨૦૨૨ ના રોજ કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં કુલ ૪૨ ટીમોએ ભાગ લીધો હતો અને રોમાંચક અને રસાકસીભરી સ્પર્ધાબાદ તાપી જિલ્લાના વાલોડ તાલુકાના દેલવાડા ગામની ટીમ “કાકરાપાર અણુમથક વૉલીબૉલ ચેમ્પિયનશીપ-૨૦૨૨” ની વિજેતા બની હતી. આ સાથે સોનગઢ તાલુકાના માંડળ ગામની ટીમ¬ રનર્સઅપ તેમજ સોનગઢની ટીમ તૃતીય સ્થાને તથા માંડળ ગામની ટીમ-૨ એ ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ચેમ્પિયન ટીમને કાકરાપાર અણુવિદ્યુત મથકના સાઇટ ડાયરેક્ટરશ્રી એમ. વેંકટાચલમના વરદ હસ્તે ચેમ્પીયન ટ્રોફી તેમજ પ્રથમ ઈનામ રૂ.૧૫,૫૫૫/- અને રનર્સઅપ ટીમને ટ્રોફી તેમજ રૂ.૧૧,૧૧૧/-, તૃતીયને ટ્રોફી તેમજ ઈનામ રૂ.૫,૫૫૫/- અને ચોથા ક્રમની ટીમને રૂ.૨,૫૫૫/- પ્રોત્સાહન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત દેલવાડા ટીમના શ્રી રાહુલ ગામીત અને પ્રફુલ પટેલને અનુક્રમે બેસ્ટ પ્લેયર ટ્રોફી અને બેસ્ટ શૂટર ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.
આ પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી શ્રી એમ. વેંકટાચલમે સૌ ટીમોને શુભેચ્છા પાઠવી જણાવ્યું હતું કે, આ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક ટીમ અભિનંદનને પાત્ર છે. તેમણે દરેક ટીમને ભવિષ્યમાં વધુ ઉત્કૃષ્ટ દેખાવ માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને ભવિષ્યમાં સફળતાના શિખરો સર કરે એવી શુભકામના વ્યક્ત કરી હતી. તેમણે આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ ૪૨ ટીમોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે સ્પર્ધા દરમ્યાન રેફરીઓના નિર્ણયને સ્વીકારી તમામ ખેલાડીઓ ખેલદિલી બતાવી છે અને તેથી આ સમગ્ર સ્પર્ધા ખુબજ રોમાંચક રહી છે. વધુમાં તેમણે અમારો મૂળ હેતુ આસપાસના વિસ્તારના યુવાધનના સર્વાંગી વિકાસમાં સહભાગી થઇ તેમના શારીરિક અને બૌદ્ધિક વિકાસ માટે કાકરાપાર અણુવિદ્યુત મથક દ્વારા દર વર્ષે રમત-ગમત સ્પર્ધાઓ અને ક્વિઝ જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. તેમણે આસપાસના ગામોના યુવાઓ તેમના ગામોમાં કોઈપણ રમત-ગમત સ્પર્ધાનું આયોજન કરવામાં માટે આગળ આવે અને તેમાં સહયોગ આપવા માટે કાકરાપાર અણુવિદ્યુત મથક હમેશા આપની સાથે છે એમ ઉમેર્યું હતું. દેશના વિકાસ માટે દેશનું યુવાધન બૌદ્ધિક અને શારીરિક રીતે સક્ષમ હોવું જરૂરી છે અને તે દિશામાં કાકરાપાર અણુવિદ્યુત મથક સતત પ્રયત્નશીલ છે.
“અણુમથક વૉલીબૉલ ચેમ્પિયનશીપ-૨૦૨૨” સ્પર્ધાનો શુભારંભ તારીખ ૨૧/૦૫/૨૦૨૨ દિને સ્ટેશન ડાઇરેક્ટરશ્રી એસ.કે. રોયના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. તાપી જિલ્લો અને સુરત ગ્રામ્યમાંથી ૪૨ ટીમો વચ્ચે થયેલ રોમાંચક સ્પર્ધાને અંતે તારીખ ૨૨/૦૫/૨૦૨૨ ના દેલવાડા(વાલોડ) અને માંડળ(સોનગઢ) ગામની ટીમો વચ્ચે ફાઇનલ મેચ રમાતા વાલોડ તાલુકાની દેલવાડા ગામની ટીમ (કેપ્ટનશ્રી પ્રફુલ પટેલ) અણુમથક વૉલીબૉલ ચેમ્પીયનશીપ-૨૦૨૨ ની વિજેતા ટીમ બની હતી.
ખેલાડીઓએ આ સ્પર્ધા અંગે પ્રતિભાવ આપતા જણાવ્યુ હતું કે, કાકરાપાર અણુવિદ્યુત મથક દ્વારા સુનિયોજિત રીતે આવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે જેથી ખેલાડીઓ ખુબજ ઉત્સાહપૂર્વક સ્પર્ધાઓમાં ભાગ લે છે. સમગ્ર ટુર્નામેન્ટ માટે કાકરાપાર અણુવિધુત મથક દ્વારા કરવાં આવેલ વ્યવસ્થા બદલ પણ સંતોષની લાગણી વ્યક્ત કરી કાકરાપાર અણૂવિદ્યુત મથકની ટીમનો આભાર માન્યો હતો. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ જ રીતે દર વર્ષે સ્પર્ધાનું આયોજન કરવામાં આવે. આ ટુર્નામેન્ટ માટે તાપી જિલ્લા રમત ગમત અધિકારી શ્રી અમરસિંહ રાઠવા અને તેમની ટીમના માર્ગદર્શન હેઠળ મેદાન તૈયાર કરવામાં આવ્યા હતા તેમજ રેફરીઓની સેવા પણ તેમની નિષ્ણાત ટીમ દ્વારા પૂરી પાડવામાં આવી હતી.
આ પ્રસંગે કાકરાપાર અણુવિદ્યુત મથકના ઉચ્ચ અધિકારીઓ સર્વશ્રી એસ.કે. રોય, સ્ટેશન ડાયરેક્ટર, કેએપીએસ- ૩અને૪, શ્રી એ.બી. દેશમુખ, સ્ટેશન ડાયરેક્ટર, કેએપીએસ-૧અને૨, શ્રી એન.જે. કેવટ, ચેરમેન, સી.એસ.આર., શ્રી બી. શ્રીધર, એસીઇ(ઇએમજી) સહિત કાકરાપાર અણુવિદ્યુત મથકના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં આસપાસના ગામોના રમતપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓનો ઉત્સાહ વધારી સ્પર્ધાનો આનંદ માણ્યો હતો.