શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
આહવા ખાતે યોજાઇ કોવિડ-૧૯ તથા ઇમ્યુનાઇઝેશન અંગેની સમીક્ષા બેઠક યોજાઇ હતી:
ડાંગ, આહવા: ડાંગ જિલ્લાના ૧૮+ યુવાનોને કોવિડ-૧૯ રસીકરણનો ત્રીજો ડોઝ આપવા માટે, જિલ્લાની ખાનગી હોસ્પિટલો, ક્લિનિકોમા સુવિધા ઉપલબ્ધ કરાવવામા આવશે, તેમ જણાવતા ડાંગ કલેક્ટર શ્રી ભાવિન પંડ્યાએ રસીકરણની કામગીરીની સમીક્ષા હાથ ધરી હતી.
ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી આરોગ્ય વિભાગની એક બેઠકને સંબોધતા કલેક્ટર શ્રી પંડયાએ, જિલ્લાના ખાનગી પ્રેક્ટીસ કરતા તબિબોને, આ કામગીરી માટે સરકારશ્રીના ધારાધોરણો અનુસાર સર્વિસ ચાર્જ પણ અપાશે તેમ જણાવ્યુ હતુ.
ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકાઓ આહવા, વઘઇ અને સુબિર ખાતે આવી સુવિધા ઉપલબ્ધ થાય તે માટે તબીબોના હકારાત્મક અભિગમની અપેક્ષા વ્યક્ત કરતા કલેક્ટર શ્રી ભાવિન પંડયાએ, આ અંગે ખાનગી તબીબોને તમામ માહિતી-માર્ગદર્શન માટે જિલ્લાનુ આરોગ્ય તંત્ર ઉપયોગી થશે, તેમ પણ જણાવ્યુ હતુ.
દરમિયાન ડાંગ જિલ્લા આરોગ્ય વિભાગના RCHOશ્રી ડો.સંજય શાહે, કોરોનાની સંભવિત ચોથી લહેરને ધ્યાને લઈને, આગોતરી તૈયારીઓ સંદર્ભે પણ ચર્ચા કરી હતી. હાલમા જિલ્લાના બોરખેત ગામે કોરોનાનો એક, એક્ટિવ કેસ છે તેમ પણ ડો.શાહે પૂરક વિગતો આપતા જણાવ્યુ હતુ.
૧૮+ ના રસીકરણની કામગીરીમા શાળા/કોલેજની ભૂમિકા સુનિશ્ચિત કરવા સાથે, આગામી શાળાકીય વેકેશનને ધ્યાન લઈ આગોતરૂ આયોજન કરવાની હિમાયત કરતા, કલેક્ટર શ્રી ભાવિન પંડયાએ, ૬૦+ અને ફ્રન્ટલાઇન વર્કરોને પ્રિકોશન ડોઝ આપવાની કામગીરીની પણ સમીક્ષા હાથ ધરી હતી.
RCHOશ્રી ડો.સંજય શાહે, આહવાના સિવિલ હોસ્પિટલમા કાયમી રીતે રસીકરણ કેન્દ્ર કાર્યરત છે તેમ જણાવી, જરૂરિયાતમંદો ત્યાથી રસી લઈ શકે છે તેમ ઉમેર્યુ હતુ.
બેઠકમા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.વિપિન ગર્ગએ ઉપસ્થિત રહી ચર્ચામા ભાગ લીધો હતો. નિવાસી અધિક કલેક્ટર શ્રી પી.એ.ગાવિત, તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.જી.પટેલે પણ ઉપયોગી સૂચનો રજૂ કર્યા હતા.