
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપી જિલ્લાના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો માટે ૫૩ કોમ્યુનીટી હેલ્થ ઓફિસરોની ભરતી પ્રકિયા પુર્ણ:
જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. ડી. ડી. કાપડિયાએ હેલ્થ ઓફિસરોને ઉજ્જ્વળ કારકીર્દી માટે અભિનંદન પાઠવ્યા:
તાપી: આયુષ્માન ભારત યોજના અંતર્ગત ગ્રામ્ય કક્ષા સુધી આરોગ્યલક્ષી તમામ સેવાઓ પહોચે તે માટે સરકારશ્રી દ્વારા સબ સેન્ટરોને અપગ્રેડ કરી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો શરૂ કરવામા આવેલ છે. આજે તાપી જિલ્લા ખાતેના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો ખાતે કોમ્યુનીટી હેલ્થ ઓફિસરની ખાલી જગ્યા ભરવા માટે પસંદગી પામેલ ઉમેદવારોમાંથી જુલાઈ ૨૦૨૦ પછીના બી.એસ.નર્સિંગ તેમજ પોસ્ટ બેઝીક બી.એસ.સી.નર્સિંગનાં ઉમેદવારોને મેરીટ મુજબ સ્થળ પસંદગી માટે બોલાવવામાં આવેલ હતા.
જેમાં કુલ ૫૪ ઉમેદવારો પૈકી ૫૩ ઉમેદવારોએ હાજર રહી સ્થળ પસંદગી કરવામાં આવેલ છે. જેથી તાપી જિલ્લામાં કુલ ૨૦૫ ની સામે ૨૦૪ જગ્યાઓ માટે ઉમેદવારોની ભરતી પ્રક્રિયા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. ડી. ડી. કાપડિયા અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. પાઉલ વસાવાની ઉપસ્થિતીમાં સંપન્ન કરવામાં આવી હતી. સ્થળ પસંદગી બાદ તમામ ઉમેદવારોને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ઉજ્જ્વળ કારકીર્દી માટે અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા આર.સી.એચ. અધિકારીશ્રી ડૉ. બીનેશ ગામીત, જિલ્લા ક્વોલિટી એસ્યોરેન્સ મેડીકલ ઓફિસરશ્રી ડૉ. કે.ટી. ચૌધરી, જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડીનેટરશ્રી ડૉ. યોગેશ શર્મા હાજર રહ્યા.